News of Friday, 17th April 2026
વિષુવવૃત્તીય મધ્ય અને પૂર્વ પેસિફિક મહાસાગર ખૂબ જ ઝડપથી ગરમ થઈ રહ્યો છે
વિશ્વભરના હવામાન પર અસર કરનાર અલ નીનોની સ્થિતિ હવે ઝડપથી આકાર લઈ રહી છે : એક મહિનાની અંદર પેસિફિક મહાસાગરની સપાટીના તાપમાનની પેટર્ન સ્પષ્ટપણે અલ નીનો જેવી દેખાવા લાગશે

યુકેએમઓ, ઇસીએમડબલ્યુએફ અને એનસીઇપી જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક હવામાન સંસ્થાઓના સંયુક્ત પૂર્વાનુમાન મુજબ આ વર્ષે ચોમાસાની સિઝનના તમામ મહિનાઓમાં સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાઈ શકે છે: ખાસ કરીને સપ્ટેમ્બરમાં વરસાદની ઘટ સૌથી વધુ અને નોંધપાત્ર જોવા મળશે
હાલમાં લા નીનાની સ્થિતિ ધીમે ધીમે નબળી પડી છે: અલ નીનોની શરૂઆત થઈ ચૂકી છે: આ સ્થિતિ સામાન્ય રીતે ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને નબળું પાડે છે અને તાપમાનમાં પણ વધારો કરે છે
નવી દિલ્હી: દેશના જાણીતા હવામાન શાસ્ત્રીએ તાજેતરમાં જણાવ્યું છે કે વિષુવવૃત્તીય મધ્ય અને પૂર્વ પેસિફિક મહાસાગર ખૂબ જ ઝડપથી ગરમ થઈ રહ્યો છે. સમુદ્રની સપાટી નીચે રહેલી પ્રચંડ ગરમી અને સાનુકૂળ પવનો આ પ્રક્રિયાને સતત વેગ આપી રહ્યા છે. પેરુના દરિયાકાંઠે જોવા મળતો ગરમ પ્રવાહ એ અલ નીનોની શરૂઆતનો પ્રારંભિક સંકેત છે અને આગામી એક મહિનાની અંદર પેસિફિક મહાસાગરની સપાટીના તાપમાનની પેટર્ન સ્પષ્ટપણે અલ નીનો જેવી દેખાવા લાગશે.
ભારતના આગામી ચોમાસા પર તેની ગંભીર અસર પડવાની સંભાવના છે. ભારતના ચોમાસા અંગેની આગાહી કરતા તેમણે સ્પષ્ટ કર્યું છે કે યુકેએમઓ, ઇસીએમડબલ્યુએફ અને એનસીઇપી જેવી પ્રતિષ્ઠિત વૈશ્વિક હવામાન સંસ્થાઓના સંયુક્ત પૂર્વાનુમાન મુજબ, આ વર્ષે ચોમાસાની સિઝનના તમામ મહિનાઓમાં સરેરાશ કરતા ઓછો વરસાદ નોંધાઈ શકે છે. જેમાં ખાસ કરીને સપ્ટેમ્બર મહિનામાં વરસાદની ઘટ સૌથી વધુ અને નોંધપાત્ર જોવા મળશે.
વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ્સ અને અખબારોના અહેવાલો અનુસાર, હાલમાં લા નીનાની સ્થિતિ ધીમે ધીમે નબળી પડી છે. આઈએમડી અને વૈશ્વિક હવામાન એજન્સીઓના તાજેતરના ડેટા પણ આ વાતને સમર્થન આપે છે કે વર્ષ ૨૦૨૬ ના મધ્ય ભાગમાં અલ નીનો સંપૂર્ણ રીતે સક્રિય થવાની પ્રબળ સંભાવના છે. અલ નીનોની આ સ્થિતિ સામાન્ય રીતે ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને નબળું પાડે છે અને તાપમાનમાં પણ વધારો કરે છે.
આગામી સમયમાં દેશભરમાં સામાન્ય કરતા ઓછો વરસાદ ખેતી ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે. અપૂરતા વરસાદના કારણે ખરીફ પાક પર પ્રતિકૂળ અસર પડી શકે છે. તેમજ સરેરાશ કરતા ઓછા વરસાદના કારણે અર્થવ્યવસ્થા અને ફુગાવા પર પણ દબાણ આવવાની આશંકા મીડિયા અને આર્થિક નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
