News of Tuesday, 28th July 2026
ભારતમાં ટૂંક સમયમાં પ્લાસ્ટિક નોટોનો યુગ શરૂ થશે: ₹૧૦ અને ₹૨૦ ની ૨ અબજ પોલિમર નોટોના ફિલ્ડ ટ્રાયલને કેન્દ્ર સરકારની લીલી ઝંડી!
ફાટી જવાની કે પાણીમાં પલળી જવાની ચિંતામાંથી મુક્તિ મળવાની દિશામાં મોટો નિર્ણય; કાગળની નોટો કરતા બે થી છ ગણું વધુ આયુષ્ય અને પર્યાવરણને પણ ઓછું નુકસાન

નવી દિલ્હી : ભારતીય ચલણના ઇતિહાસમાં એક યુગ પરિવર્તનકારી પગલું ભરતા કેન્દ્ર સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ₹૧૦ અને ₹૨૦ ના મૂલ્યની પોલિમર (પ્લાસ્ટિક) નોટો ના ફિલ્ડ ટ્રાયલ હાથ ધરવાના પ્રસ્તાવને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. લોકસભામાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, RBI ની ભલામણ પર શરૂઆતમાં ૧૦ અને ૨૦ રૂપિયાની ૧-૧ અબજ (કુલ ૨ અબજ) પોલિમર નોટો પ્રયોગાત્મક ધોરણે બજારમાં મૂકવામાં આવશે. જો આ ટ્રાયલ સફળ રહેશે, તો ભવિષ્યમાં તેનું નિયમિત ઉત્પાદન અને વિતરણ શરૂ કરાશે.
જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં કાગળ આધારિત નોટોને સંપૂર્ણપણે દૂર કરવાનો કે બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી. આ પોલિમર નોટો હાલની કાગળની નોટોની સાથે જ ચલણમાં રહેશે.
કાગળ અને પ્લાસ્ટિક નોટ વચ્ચે શું તફાવત છે?
હાલમાં ભારતની કાગળની નોટો કપાસના રેશા (Cotton Comber and Linter) માંથી બનાવવામાં આવે છે, જે વારંવાર વાપરવાથી, પાણીમાં પલળવાથી કે ગંદી થવાથી ઝડપથી ફાટી જાય છે.
બીજી તરફ, પોલિમર નોટો ખાસ પ્રકારના બિન-તંતુમય અને બિન-છિદ્રાળુ પદાર્થમાંથી બને છે.
· વધુ ટકાઉપણું: આ નોટો કાગળની નોટો કરતાં બે થી છ ગણી વધુ લાંબી ચાલે છે.
· ઓછો ઘસારો: તે પાણી, ધૂળ અને તેલથી ખરાબ થતી નથી, જેથી ખાસ કરીને ઓછી કિંમતની નોટો (જેનો હાથમાં ઉપયોગ સૌથી વધુ થાય છે) લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.
વિશ્વના ૬૦ થી વધુ દેશોમાં પ્લાસ્ટિક મની અને IMF નો અભિપ્રાય
ઓસ્ટ્રેલિયા ૧૯૮૮ માં પોલિમર નોટો રજૂ કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો હતો. આજે બ્રિટન (UK), કેનેડા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, મલેશિયા અને થાઈલેન્ડ જેવા ૬૦ થી વધુ દેશો કોઈને કોઈ સ્વરૂપે પ્લાસ્ટિક ચલણનો ઉપયોગ કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના અભ્યાસ મુજબ:
· પોલિમર નોટો કાગળની નોટોની સરખામણીએ ગ્લોબલ વોર્મિંગ ક્ષમતામાં ૩૨% અને પ્રાથમિક ઉર્જા માંગમાં ૩૦% નો ઘટાડો કરે છે.
· નકામી થઈ ગયેલી કાગળની નોટોને જમીનમાં દાટવી પડે છે, જ્યારે પ્લાસ્ટિક નોટોને રિસાયકલ કરીને પ્લાસ્ટિકનું ફર્નિચર કે અન્ય વસ્તુઓ બનાવી શકાય છે.
પ્રિન્ટિંગ ખર્ચમાં મોટો ઘટાડો થશે
પોલિમર નોટ બનાવવાનો પ્રારંભિક ખર્ચ કાગળ કરતાં વધુ હોય છે, પરંતુ તે લાંબો સમય ચાલતી હોવાથી વારંવાર નવી નોટો છાપવી પડતી નથી. પરિણામે, સમય જતાં સરકાર અને RBI નો પ્રિન્ટિંગ, પરિવહન અને ચલણ સંચાલનનો વાર્ષિક કરોડો રૂપિયાનો ખર્ચ બચી જશે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
