News of Monday, 7th September 2026
ઇટાવામાં અચાનક બાથરૂમનો ફ્લોર ધસી પડતા નીચેથી નીકળ્યો ૬૦ ફૂટ ઊંડો પ્રાચીન કૂવો, કુટુંબનો બચાવ
ભારે વરસાદ વચ્ચે જૂના મકાનમાં સર્જાયેલી આશ્ચર્યજનક ઘટનાથી મચી ગઈ અફરાતફરી, કૂવો જોવા માટે ઉમટી લોકોની ભારે ભીડ

ઇટાવા : ઉત્તર પ્રદેશના ઇટાવા શહેરમાં આવેલા બરહીપુરા ચોક ખાતે જૈન મંદિરની નજીક રવિવારે રાત્રે ધોધમાર વરસાદ વચ્ચે એક જૂના મકાનના બાથરૂમનો ફ્લોર અચાનક ધડાકાભેર ધરાશાયી થઈ જવાથી ભારે અફરાતફરી અને કુતૂહલ સર્જાયું હતું. મુન્ના લાલ પ્રજાપતિના મકાનમાં બનેલી આ ઘટનામાં જ્યારે પરિવારજનોએ તૂટેલા ફ્લોરની નીચે નજર કરી, ત્યારે અંદાજે પચાસથી સાઈઠ ફૂટ ઊંડો એક પ્રાચીન કૂવો નજરે પડ્યો હતો. સદનસીબે દુર્ઘટના ઘટી ત્યારે પરિવારમાંથી કોઈ સભ્ય બાથરૂમમાં હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી, પરંતુ આ અચાનક બનેલા બનાવથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી.
મકાન માલિક મુન્ના લાલ પ્રજાપતિની પત્ની શાંતિ દેવી તેમના બે પુત્રો બ્રિજેન્દ્ર અને રાહુલ સાથે આ ઘરમાં રહે છે, અને રવિવારના રોજ અચાનક જ બાથરૂમના ફ્લોરનો એક નાનો હિસો બેસી જતાં આ અજાણ્યા ભૂગર્ભ રહસ્યનો પર્દાફાશ થયો હતો. ફ્લોર તૂટ્યા બાદ જ્યારે નીચે ઊંડાણપૂર્વક જોવામાં આવ્યું ત્યારે હજારો લિટર પાણીની ક્ષમતા ધરાવતો અને વર્ષો જૂનો આ કૂવો દેખાયો, જેને જોઈને ઘરના સભ્યો તેમજ આસપાસના પડોશીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે મકાન વર્ષો જૂનું હોવા છતાં અગાઉ ક્યારેય આ જગ્યાએ નીચે કોઈ કૂવો હોવાની પરિવાર કે આસપાસના લોકોને કોઈ જ જાણ નહોતી, જે દર્શાવે છે કે ભૂતકાળમાં કદાચ આ કૂવાને પુરીને તેના ઉપર બાંધકામ કરવામાં આવ્યું હોવું જોઈએ.
ઘટનાની જાણ વાયુવેગે આખા શહેરમાં ફેલાઈ જતાં બરહીપુરા ચોક ખાતે આ અદ્રશ્ય પ્રાચીન કૂવાને નજરે જોવા માટે આસપાસના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. કૂવો ખુલ્લો થવાથી મકાનના બાકીના હિસ્સા પર પણ જોખમ તોળાઈ રહ્યું છે, જેને લઈને સ્થાનિક લોકોમાં ભારે ચિંતા પ્રવર્તી રહી છે કે જો વરસાદનું જોર ચાલુ રહેશે તો આજુબાજુની દીવાલો પણ બેસી શકે છે.
હાલની સ્થિતિને જોતા સ્થાનિક પ્રશાસન અને મ્યુનિસિપાલિટી વિભાગ દ્વારા આ જોખમી મકાન તથા ખુલ્લા કૂવા બાબતે સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે, અને ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે તે જગ્યાને સુરક્ષિત કરવા તથા મકાનની મજબૂતાઈની ટેકનિકલ તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
