News of Sunday, 24th May 2026
કરોડોનો પગાર પણ ટૂંકો પડ્યો! અમેરિકામાં મોંઘવારીનો એવો માર કે એમેઝોનના સિનિયર મેનેજરને પણ સતાવી રહી છે આર્થિક અસુરક્ષા
સિએટલમાં વૈભવી લાઈફસ્ટાઈલ, ટેસ્લા અને રેન્જ રોવર જેવી મોંઘી ગાડીઓ હોવા છતાં દર મહિને લાખો રૂપિયાના ઘરના હપ્તા, મોંઘા ગ્રોસરી બિલ અને મેડિકલ ખર્ચના કારણે કરોડો રૂપિયા કમાતો ભારતીય પરિવાર પણ ભવિષ્યને લઈને ચિંતિત

સિએટલ: અમેરિકા જઈને કરોડો રૂપિયા કમાવવાનું સપનું દરેક ભારતીય જોતો હોય છે, પરંતુ ત્યાંની મોંઘવારીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. એમેઝોન કંપનીમાં સિનિયર પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરતા અને મૂળ ભારતીય એવા ઈશાન જૈને તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે વાર્ષિક આશરે ₹2.8 કરોડ ($285,000) જેવો મસમોટો પગાર હોવા છતાં, તેઓ અમેરિકામાં આર્થિક રીતે સંપૂર્ણ સુરક્ષિત અનુભવતા નથી. ટેક્સ અને નિવૃત્તિ ભંડોળના કપાત પછી દર મહિને તેમના હાથમાં આશરે ₹11 લાખ ($12,000) આવે છે. જોકે, સિએટલ જેવા મોંઘા શહેરમાં માત્ર એક જ વ્યક્તિની કમાણી પર ચાર સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવું હવે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થઈ રહ્યું છે.
આ આર્થિક ભીંસ પાછળનું મુખ્ય કારણ તેમનો હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલ ખર્ચ અને આસમાને આંબતી મોંઘવારી છે. ઈશાન હાલમાં પોતાની પત્ની અને બાળક સાથે સિએટલમાં 4-બેડરૂમના આલીશાન ઘરમાં રહે છે, જેનો માસિક EMI, ટેક્સ અને વીમો મળીને જ લગભગ ₹4.7 લાખ ($5,000) સરકી જાય છે. આ સિવાય તેમની પાસે ટેસ્લા અને રેન્જ રોવર જેવી વૈભવી કાર છે, જેમાં ટેસ્લાનો હપ્તો જ દર મહિને ₹50,000થી વધુ આવે છે અને બંને ગાડીઓનું ઈંધણ તથા વીમો અલગ. આટલું ઓછું હોય તેમ, દર મહિને ઘરનું લાઈટ-પાણીનું બિલ ₹65,000, હેલ્થ ઈન્સ્યોરન્સના ₹62,000 અને માત્ર કોસ્ટકો તથા અન્ય સ્ટોર્સમાંથી કરિયાણું ખરીદવામાં જ દર મહિને આશરે ₹1.6 લાખથી વધુનો ધુમાડો થઈ જાય છે.
બીજી તરફ, ઈશાન 50 વર્ષની ઉંમરે વહેલા નિવૃત્ત થવાનું સપનું જોઈ રહ્યા છે, જેના કારણે તેઓ ખૂબ જ આક્રમક રીતે રોકાણ કરી રહ્યા છે. તેમણે ભવિષ્યમાં ભાડાની કમાણી માટે ભારતમાં જ 3 થી 4 પ્રોપર્ટી ખરીદી લીધી છે, જ્યારે દર મહિને ₹3.3 લાખથી વધુ રકમ શેરબજાર, સોના-ચાંદી અને સેવિંગ્સમાં રોકે છે. આ આંધળા રોકાણને કારણે તેમની પાસે કોઈ તાત્કાલિક ઈમરજન્સી ફંડ નથી અને હાલમાં તેમના પર ₹16 લાખ ($20,000)નું અંગત દેવું પણ છે. હવે ઘરમાં બીજા બાળકના આગમનની તૈયારીઓ વચ્ચે તેઓ બાળકના ઉચ્ચ શિક્ષણ માટે અલગથી દર મહિને ₹40,000નું ફંડ શરૂ કરવા જઈ રહ્યા છે, જે દર્શાવે છે કે બહારથી ચમકતી આ 'ડોલરની દુનિયા' અંદરથી કેટલી ખર્ચાળ છે.
(5:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
