News of Monday, 13th July 2026
છૂટાછેડાના ચાર વર્ષ બાદ પણ બંને વચ્ચે સન્માન અને સમજણનો સંબંધ યથાવત્ :સીમા સજદેહને લઈને સોહેલખાને કર્યો ખુલાસો
બંને પુત્રો તેમની સાથે રહે છે. તેથી સીમા બાળકોને મળવા માટે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત ઘરે આવે છે.:સોહેલે કહ્યું માત્ર મુલાકાત જ નહીં, પરંતુ ઘરની ચાવી પણ આજે સુધી સીમા પાસે જ છે

મુંબઈ :બોલિવૂડ અભિનેતા સોહેલ ખાન અને તેમની પૂર્વ પત્ની સીમા સજદેહ વર્ષ 2022માં છૂટાછેડા બાદ અલગ થઈ ગયા હતા. 24 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યા બાદ બંનેએ પોતાની-પોતાની જિંદગીમાં આગળ વધવાનું પસંદ કર્યું, પરંતુ આજે પણ બંને વચ્ચે સન્માન અને સમજણનો સંબંધ યથાવત્ છે. તાજેતરમાં સોહેલ ખાને પોતાના અંગત જીવન વિશે ખુલાસો કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
પ્રિયાલિટી શો ‘The Alliance’ દરમિયાન વાત કરતાં સોહેલ ખાને જણાવ્યું કે તેમના બંને પુત્રો તેમની સાથે રહે છે. તેથી સીમા બાળકોને મળવા માટે અઠવાડિયામાં ત્રણથી ચાર વખત તેમના ઘરે આવે છે.
સોહેલે જણાવ્યું કે માત્ર મુલાકાત જ નહીં, પરંતુ ઘરની ચાવી પણ આજે સુધી સીમા પાસે જ છે. આ ચાવી તેમણે જ સીમાને આપી છે, જેથી બાળકોને મળવા માટે કોઈ ઔપચારિકતા કે અચકાવટ ન રહે.
સોહેલે કહ્યું કે ભલે તેઓ હવે પતિ-પત્ની નથી, પરંતુ સીમા તેમના બે સંતાનોની માતા છે અને તેઓ તેમના પ્રત્યે ખૂબ સન્માન ધરાવે છે.
તેમણે કહ્યું કે, “સીમા મારા બે સુંદર બાળકોની માતા છે. કદાચ પ્રેમ કરતાં પણ વધુ હું તેમનું સન્માન કરું છું. આ શોએ અમને ફરી એકવાર એકબીજા સાથે વાત કરવાનો, સહકાર આપવાનો અને વિશ્વાસ જાળવવાનો મોકો આપ્યો છે.”
સોહેલ ખાને જણાવ્યું કે તલાક બાદ તેમણે અને સીમાએ હંમેશા એક વાતનું ધ્યાન રાખ્યું કે તેમના સંબંધોમાં આવેલા બદલાવની નકારાત્મક અસર બાળકો પર ન પડે.
તેમણે કહ્યું કે બાળકોને ક્યારેય એવું લાગવું જોઈએ નહીં કે તેમના માતા-પિતા સતત ઝઘડા કરે છે. બંનેએ મળીને બાળકોને વિશ્વાસ આપ્યો છે કે માતા અને પિતાનો પ્રેમ તેમને હંમેશા સમાન રીતે મળતો રહેશે અને તેમના ભવિષ્ય સાથે જોડાયેલા તમામ મહત્વના નિર્ણયો બંને સાથે મળીને જ લેશે.
શો દરમિયાન સોહેલે પોતાના જીવનના મુશ્કેલ સમયને પણ યાદ કર્યો. તેમણે સ્વીકાર્યું કે એક સમય એવો હતો જ્યારે તેમની કારકિર્દી સારી ચાલી રહી નહોતી અને તેઓ માનસિક રીતે પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા. કેટલીક ભૂલો અને વર્તનને કારણે તેમણે પોતાના જીવનમાં ખૂબ જ મહત્વના વ્યક્તિને ગુમાવ્યા હોવાનું પણ તેમણે સ્વીકાર્યું.
બીજી તરફ, સીમા સજદેહે પણ શોમાં કહ્યું કે ભૂતકાળમાં બંને વચ્ચે મતભેદ રહ્યા હતા, પરંતુ હવે તેઓ એ બધું પાછળ છોડીને પરિપક્વતા સાથે આગળ વધી રહ્યા છે. સોહેલ અને સીમાની આ વાતો એ દર્શાવે છે કે સંબંધોનો અંત આવવો એટલે સન્માનનો અંત આવવો જરૂરી નથી. ખાસ કરીને જ્યારે બાળકોની વાત હોય ત્યારે પરિપક્વતા અને પરસ્પર સમજણ સૌથી મોટી શક્તિ બની શકે છે.
(12:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
