News of Thursday, 2nd July 2026
સેન ફ્રાંસિસ્કોમાં લાખો ડોલર કમાનારા પણ મોંઘવારીથી ત્રસ્ત
1BHK એપાર્ટમેન્ટનું ભાડું પાંચ હજાર ડોલર સુધી પહોંચી ગયું, મો માગ્યા પૈસા આપવા છતાંય ઘર શોધવું મુશ્કેલ : મકાનની સાથે-સાથે સેન ફ્રાંસિસ્કોમાં ગ્રોસરી અને બહાર જમવાનું પણ એટલું બધું મોંઘું થઈ ગયું

કેલિફોર્નિયા તા.૨: અમેરિકામાં મહિને પાંચ હજાર ડોલર કમાતો ગુજરાતી પણ પોતાને રીચ સમજે છે અને રહેવા-જમવાનો ખર્ચો કાઢતા મહિને ત્રણેક હજાર ડોલર બચાવી પણ લે છે. આમ તો નાના શહેરોમાં રહેવા માટે મહિને પાંચ હજાર ડોલરની આવક પણ પૂરતી છે, પરંતુ અમેરિકાના સૌથી મોંઘા શહેરોમાં મકાનોના ભાવ અને ભાડાં ઉપરાંત બીજા ખર્ચા એટલા બધા વધી ગયા છે કે જેમનું એક વર્ષનું પેકેજ દોઢ લાખ ડોલરથી પણ વધારે હોય તેવા લોકો પણ હવે તોબા પોકારી ગયા છે.
આ શહેર છે કેલિફોર્નિયાનું સેન ફ્રાંસિસ્કો જ્યાં મકાનોની એવરેજ કિમત ૧.૭ મિલિયન ડોલર પર પહોંચી ગઈ છે અને એવરેજ ભાડું પણ ચાર હજાર ડોલરની આસપાસ ચાલે છે. સેન ફ્રાંસિસ્કો કેમ અમેરિકાનું સૌથી મોંઘું શહેર બની રહ્યું છે અને કેમ લાખો ડોલર કમાતા લોકોને પણ આ શહેરમાં રહેવું પોસાય તેમ નથી તેની પાછળની કહાની પણ ઘણી રસપ્રદ છે.
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર AI બૂમને કારણે સેન ફ્રાંસિસ્કોમાં એટલો બધો પૈસો આવ્યો છે કે અહીં રિયલ એસ્ટેટ અતિશય મોંઘું થઈ ગયું છે, આ ઉપરાંત દુનિયાભરના લોકો ઓપન ખ્ત્થી લઈને બીજી જાતભાતની AI કંપનીઓમાં જોબ કરવા પહોંચી જવાના કારણે હાઉસિગની ડિમાન્ડમાં જબરજસ્ત વધારો થયો છે. હાલ એવી સ્થિતિ છે કે જો મહિનાના પાંચેક હજાર ભાડામાં કોઈ 1BHKનું લિસ્ટિંગ થાય તો ગણતરીની મિનિટોમાં જ તે મકાન બુક થઈ જાય છે. મકાનની સાથે-સાથે સેન ફ્રાંસિસ્કોમાં ગ્રોસરી અને બહાર જમવાનું પણ એટલું બધું મોંઘું થઈ ગયું છે કે આ શહેરમાં દોસ્તો સાથે બહાર જમવા જતા પહેલા ખર્ચો કેટલો થશે તેનો હિસાબ પહેલા કરવો પડે છે.
જે લોકો AI કંપનીઓમાં જોબ કરે છે તેમના પગાર પણ ખૂબ જ ઉંચા હોવાથી તેમને સેન ફ્રાંસિસ્કોમાં સર્વાઈવ થવામાં ખાસ વાંધો નથી આવતો, પરંતુ જે લોકો AI સિવાયની જોબ કરે છે તેમના પગાર ખાસ નથી વધ્યા જેથી તેમના માટે આ શહેરમાં રહેવું અઘરું થઈ રહ્યું છે. Open AI અને એન્થ્રોપિક જેવી કંપનીના હેડક્વાર્ટર્સ સેન ફ્રાંસિસ્કોમાં છે અને તેમનું વેલ્યૂએશન હાલ એક ટ્રિલિયનને આંબી ગયું છે. આ બંને કંપનીઓ સ્ટોક માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે, જેનાથી તેમાં કામ કરતા ઘણા કર્મચારીઓ મિલિયોનેર થઈ જવાના છે. સેન ફ્રાંસિસ્કોમાં રહેવાનું પોસાય તેમ ના હોવાથી હવે લોકો તેની આસપાસના ટાઉનમાં શિફટ થઈ રહ્યા છે અને શેરિગ અપાર્ટમેન્ટમાં પણ રહેનારા લોકોની સંખ્યા વધી રહી છે.
આમ તો સેન ફ્રાંસિસ્કો ક્યારેય સસ્તું હતું જ નહીં, પરંતુ Ai નેકારણે હવે સ્થિતિ ઘણી ગંભીર બની રહી છે. અમેરિકામાં રહેવાનો જેટલો એવરેજ ખર્ચો આવે છે તેના કરતા સેન ફ્રાંસિસ્કોમાં રહેવાનો ખર્ચો ૬૫ ટકા જેટલો વધારે છે. અમેરિકામાં મકાનોની મેડિઅન પ્રાઈસ ૪.૫ લાખ ડોલર છે જ્યારે સેન ફ્રાંસિસ્કોમાં આ આંકડો ૧.૭ મિલિયન ડોલરને પહોંચી જાય છે. હવે તો ન્યૂયોર્ક સિટી કરતાં પણ સેન ફ્રાંસિસ્કોમાં મકાનોના ભાડાં ઉંચા છે જેની એવરેજ ૩,૮૨૭ ડોલર જેટલી થાય છે. ૨૦૨૬માં સેન ફ્રાંસિસ્કોના હાઈ ડિમાન્ડ ધરાવતા એરિયામાં તો અપાર્ટમેન્ટનો વેકેન્સી રેટ ત્રણ ટકા પર પહોંચી ગયો છે અને નવું કન્સ્ટ્રક્શન અટકી ગયું હોવાથી હાઉસિગ ક્રાઈસિસ વધુ ઘેરી બની રહી છે.
હાઉસિંગની સાથે સેન ફ્રાંસિસ્કોમાં યુટિલિટી કોસ્ટ પણ અમેરિકાની નેશનલ એવરેજની સરખામણીએ ૪૧ ટકા વધારે છે, ટ્રાન્સપોર્ટેશન ૪૩ ટકા વધુ છે જ્યારે ગ્રોસરી એવરેજ ૨૦ ટકા જેટલી મોંઘી છે. તો બીજી તરફ, AI કંપનીઓમાં જોબ કરતા લોકોને એવરેજ ૧.૯૬ લાખ ડોલરનું એન્યુઅલ પેકેજ મળે છે, જ્યારે ૨૦૨૦માં આ આંકડો ૧.૫૩ લાખની આસપાસ હતો. સેન ફ્રાંસિસ્કોમાં રહેતા ઘણા લોકો એવા પણ છે કે જેમની સેલેરીમાં છેલ્લા પાંચેક વર્ષમાં ૧૦૦ ટકા જેટલો વધારો થયો છે, પરંતુ તેની સામે ખર્ચા પણ ખૂબ જ વધી જતાં લોકો હતા ત્યાંના ત્યાં જ છે. અત્યારે જો સેન ફ્રાંસિસ્કોમાં ખર્ચાની ચિતા કર્યા વિના રહેવું હોય તો ઓછામાં ઓછું બે લાખ ડોલરનું એન્યુઅલ પેકેજ હોવું જરૂરી છે.
અમેરિકામાં હાલ મોટાપાયે છટણી ચાલી રહી છે, પરંતુ AI કંપનીઓમાં ચોક્કસ સ્કીલ ધરાવતા લોકોને મો માગ્યા પગાર આપવામાં આવી રહ્યા છે. આવી કંપનીઓમાં અને સ્ટાર્ટઅપ્સમાં સ્ટોક ઓપ્શન પણ મળતો હોવાથી જ્યારે કંપનીનું લિસ્ટિંગ થાય ત્યારે તેના એમ્પ્લોઈને પણ મોટો આર્થિક ફાયદો થતો હોય છે. એક તરફ ડાલાસ જેવા શહેરમાં ઈન્ડિયન્સનું આવવાનું ઓછું થઈ જતાં ત્યાં મકાનોના ભાવમાં કડાકો બોલાયો છે તો બીજી તરફ, સેન ફ્રાંસિસ્કોમાં ભાડાંનું મકાન શોધવું પણ મુશ્કેલ બની રહ્યું છે. AI બબલ ગમે ત્યારે ફુટશે તેવી અટકળો વચ્ચે જો ખરેખર આમ થયું તો સેન ફ્રાંસિસ્કોનું શું થશે તે પણ એક મોટો સવાલ છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
