News of Sunday, 3rd May 2026
EVM પર ટેપકાંડ: પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચનો સર્જિકલ સ્ટ્રાઈક જેવો નિર્ણય
ફાલ્ટા બેઠક પર કમળના નિશાન પર ટેપ મારી મતાધિકાર છીનવવાનો પ્રયાસ થયો હોવાના ગંભીર આક્ષેપો બાદ આખું મતદાન રદ કરી ૨૧ મેના રોજ ફરી વોટિંગ કરાવવાનો ઐતિહાસિક આદેશ, લોકશાહીના પર્વમાં ગેરરીતિ આચરનારા તત્વોમાં ફફડાટ

ફાલ્ટા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬માં ગેરરીતિના ગંભીર આક્ષેપો બાદ ચૂંટણી પંચે અત્યંત કડક અને અભૂતપૂર્વ વલણ અપનાવ્યું છે. દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના ફાલ્ટા મતવિસ્તારમાં મતદાન દરમિયાન ઈવીએમ મશીન પર છેડછાડ કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. ભાજપ દ્વારા આક્ષેપ કરાયો હતો કે અનેક બૂથ પર કમળના ચૂંટણી પ્રતીક પર સેલોટેપ લગાવી દેવામાં આવી હતી, જેથી મતદારો મૂંઝવણમાં મુકાય અને ઈચ્છિત પક્ષને મત ન આપી શકે. આ મામલે થયેલા ભારે હોબાળા બાદ પંચે સમગ્ર બેઠક પરનું મતદાન રદબાતલ જાહેર કરી ફરીથી ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો છે.
આ આદેશ મુજબ ફાલ્ટા વિધાનસભાના તમામ ૨૮૫ મતદાન મથકો પર આગામી ૨૧ મે, ૨૦૨૬ના રોજ સવારે ૭ થી સાંજના ૬ વાગ્યા સુધી પુનઃ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે, પશ્ચિમ બંગાળની અન્ય ૨૯૩ બેઠકોનું પરિણામ પૂર્વનિર્ધારિત સમય મુજબ ૪ મેના રોજ જાહેર થઈ જશે, પરંતુ ફાલ્ટા બેઠકનું પરિણામ ૨૪ મે સુધી અટકી જશે. ચૂંટણી પંચના આ કડક નિર્ણયને કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને સુરક્ષા વ્યવસ્થા પણ અભેદ્ય બનાવી દેવામાં આવી છે. કેન્દ્રીય સુરક્ષા દળોએ અત્યારથી જ વિસ્તારમાં મોરચો સંભાળી લીધો છે.
ફાલ્ટા ઉપરાંત શનિવારે જ દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાની અન્ય સંવેદનશીલ બેઠકો પર પણ પુનઃ મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. મગરહાટ પશ્ચિમના ૧૧ બૂથ અને ડાયમંડ હાર્બરના ૪ બૂથ પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યાં સરેરાશ ૮૬ ટકાથી વધુ મતદાન નોંધાયું છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ સંજોગોમાં લોકશાહીની ગરિમા સાથે બાંધછોડ કરવામાં આવશે નહીં અને જ્યાં પણ પારદર્શિતા સામે સવાલ ઉઠશે ત્યાં આ પ્રકારે કડક પગલાં લેવામાં આવશે. રાજકીય પક્ષો હવે ૨૧ મેના દિવસે ફરીથી જીત મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
(12:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
