News of Friday, 8th May 2026
જિનપિંગના ખાસ મંત્રીઓને ફાંસીઃ ચીનમાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી
જિનપિંગના અત્યંત વિશ્વાસુ ગણાતા બે ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રીઓ વી ફેંઘે અને લી શાંગફૂને પર લાંચ લેવાનો ગંભીર આરોપ

બેઇજિગ તા.૮: ચીનના સંરક્ષણ વિભાગમાં આવેલું આ ભૂકંપ જેવું પરિવર્તન વિશ્વભરની સુરક્ષા એજન્સીઓનું ધ્યાન ખેંચી રહ્યું છે. જે મંત્રીઓને શી જિનપિગે પોતે પસંદ કર્યા હતા, આજે તે જ મંત્રીઓ જેલના સળિયા પાછળ મોતની રાહ જોઈ રહ્યા છે. વી ફેંઘે અને લી શાંગફૂ, જેઓ ચીનની પરમાણુ શક્તિ (રોકેટ ફોર્સ) ના માસ્ટરમાઇન્ડ ગણાતા હતા, તેમને ૨૦૨૪માં જ કમ્યુનિસ્ટ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. તેમની પર આરોપ છે કે તેમણે લશ્કરી ખરીદી અને રોકેટ ફોર્સના આધુનિકીકરણના પ્રોજેક્ટ્સમાં કરોડોની લાંચ લીધી હતી. આ સજા માત્ર આ બે વ્યક્તિઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે જિનપિગનો પોતાની સેનાને સ્પષ્ટ સંદેશ છે કે વફાદારીમાં ચૂક અથવા ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં આવશે નહીં.
અદાલતનો આ ચુકાદો ચીની ન્યાયતંત્રની કઠોરતા અને રહસ્યમયતા બંનેને છતી કરે છે. લશ્કરી કોર્ટે આ બંને નેતાઓને મોતની સજા તો ફટકારી છે, પરંતુ તેમાં બે વર્ષની રાહત (Reprieve) પણ આપી છે. આનો અર્થ એ થાય કે જો બે વર્ષ સુધી જેલમાં તેમનું વર્તન સારું રહેશે, તો ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવાઈ જશે. જોકે, આ આજીવન કેદ એવી હશે જેમાં પેરોલ કે સજા માફીની કોઈ જ જોગવાઈ નથી. તેમની તમામ અંગત મિલકતો જપ્ત કરી લેવામાં આવી છે અને તેમને રાજકીય અધિકારોથી કાયમ માટે વંચિત કરી દેવાયા છે. આ આકરી સજા ચીની સત્તાધીશોની શૂન્ય સહિષ્ણુતા (Zero Tolerance) ની નીતિને દર્શાવે છે.
ચીનમાં ફાંસીની સજાનો ઇતિહાસ હંમેશા વિવાદિત અને ગુપ્ત રહ્યો છે. આંતરરાષ્ટ્રીય આંકડાઓ મુજબ ચીન દુનિયામાં સૌથી વધુ ફાંસી આપતો દેશ છે, છતાં તે ક્યારેય સત્તાવાર રીતે આ સંખ્યા જાહેર કરતું નથી. ડેટા દર્શાવે છે કે ચીનમાં વર્ષે હજારો લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવે છે, પરંતુ સરકારી દસ્તાવેજોમાં તેની સંખ્યા ખૂબ જ ઓછી બતાવવામાં આવે છે. સંરક્ષણ મંત્રીઓ જેવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોની આ સજા એ વાતની પુષ્ટિ કરે છે કે ચીન ભ્રષ્ટાચારને રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં સમાન માને છે. આ ઘટનાએ વૈશ્વિક સ્તરે એ ચર્ચા જગાવી છે કે શું આ ખરેખર ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈ છે કે પછી જિનપિગ વિરોધી જૂથને ખતમ કરવાની રાજકીય ચાલ?
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
