<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે SIR વિરોધી રેલીમાં જાણીતા યુટયુબર ધ્રુવ રાઠીનું આગમન

પ્રકાશ રાજ સાથે મળીને લોકશાહી બચાવવાની લડાઈને આપશે વેગ : મુખ્‍ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે અનોખો ચપ્‍પલ વિરોધ અને પીપલ્‍સ ટ્રિબ્‍યુનલ ગુંજી ઉઠશે

નવી દિલ્‍હી, તા.૮: દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા સામાજિક અને રાજકીય મુદ્દાઓના પ્રખ્‍યાત યુટયુબર ધ્રુવ રાઠી આજે બેંગલુરુ પહોંચી ગયા છે. તેઓ ૮ ઓક્‍ટોબરે (આજે) બેંગલુરુના ફ્રીડમ પાર્ક ખાતે કોકરોચ જનતા પાર્ટી દ્વારા આયોજિત SIR વિરોધી મહા-આંદોલન અને પીપલ્‍સ ટ્રિબ્‍યુનલમાં વિશેષ મહેમાન તરીકે જોડાવાના છે. જાણીતા અભિનેતા અને કાર્યકર્તા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને આ સરપ્રાઈઝ ગેસ્‍ટના આગમનની પુષ્ટિ કરી છે અને બેંગલુરુના નાગરિકોને લોકશાહીના રક્ષણ માટે મોટી સંખ્‍યામાં બહાર આવવા આહ્વાન કર્યું છે. આ આંદોલનનો મુખ્‍ય હેતુ મતદાર યાદીમાંથી કથિત રીતે ખોટી રીતે નામ કાઢી નાખવાની પ્રક્રિયા સામે અવાજ ઉઠાવવાનો અને તેને પુનઃસ્‍થાપિત કરવાનો છે.

અભિજીત દિપકના નેતળત્‍વ હેઠળની કોકરોચ જનતા પાર્ટી દ્વારા ફ્રીડમ પાર્ક ખાતે સવારે ૧૦:૩૦ વાગ્‍યાથી આ કાર્યક્રમનો પ્રારંભ થઈ ચૂકયો છે. આ મંચ પરથી એવા સ્‍થાનિક નાગરિકો અને પીડિતો સીધી વાતચીત કરી રહ્યા છે, જેમના નામ લ્‍ત્‍ય્‍ પ્રક્રિયા દરમિયાન વોટર લિસ્‍ટમાંથી ગાયબ થઈ ગયા છે. આ વિરોધ પ્રદર્શનને વધુ આક્રમક બનાવવા માટે અહીં અનોખા ચપ્‍પલ વિરોધનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત, યુવા સંગઠનો, નાગરિક સમાજના પ્રતિનિધિઓ અને રાજ્‍યભરમાંથી આવેલા પ્રભાવિત લોકો પણ આ લડાઈમાં ખભેથી ખભો મિલાવીને ઊભા રહ્યા છે. બેંગલુરુના આ વિરોધ પ્રદર્શન બાદ આ અભિયાન દિલ્‍હી તરફ આગળ વધવાનું છે. ધ્રુવ રાઠીએ પોતાના સોશિયલ મીડિયા હેન્‍ડલ પરથી વીડિયો જારી કરીને બેંગલુરુ ઉપરાંત આગામી ૧૦ ઓક્‍ટોબરે દિલ્‍હીના જંતર-મંતર પર યોજાનારા પ્રદર્શનમાં પણ સહભાગી થવા નાગરિકોને અપીલ કરી છે. મુખ્‍ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલી આ રાજકીય અને સામાજિક હિલચાલ હવે દેશવ્‍યાપી સ્‍વરૂપ પકડી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ વધવાની પૂરેપૂરી સંભાવના છે.

(3:40 PM IST)