<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

ફારુક અબ્દુલ્લાનું ચોંકાવનારૂં નિવેદન: પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને જીવંત રાખે છે : અમને દિલ્હી પાસેથી કોઈ આશા નથી"

બારામુલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા નેશનલ કોન્ફરન્સના પ્રમુખે દિલ્હીના મૌન પર સવાલો ઉઠાવ્યા : પાકિસ્તાનની રાજદ્વારી ભૂમિકાના વખાણ કરતા દેશના રાજકારણમાં ગરમાવો

બારામુલ્લા :  જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા ફારુક અબ્દુલ્લાએ કાશ્મીર મુદ્દા પર ફરી એકવાર અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપીને દેશના રાજકીય ગલિયારામાં નવો વિવાદ ઊભો કર્યો છે. શનિવારે બારામુલ્લા ખાતે આયોજિત પક્ષના કાર્યકર્તાઓના એક સંમેલનને સંબોધતા તેમણે ખુલ્લેઆમ દાવો કર્યો હતો કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરનો મુદ્દો સતત ઉઠાવીને આ વિવાદને જીવંત રાખી રહ્યું છે. અબ્દુલ્લાએ કાશ્મીરીઓના રક્ષણ માટે અને વિશ્વનું ધ્યાન આ પ્રદેશ તરફ ખેંચવા બદલ પાકિસ્તાનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દિલ્હી આજે આંતરરાષ્ટ્રીય દબાણને કારણે જ ચૂપ છે.

ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનને "આપણો પાડોશી દેશ" ગણાવતા જનસભાને સંબોધી હતી કે, પાકિસ્તાન દરેક વૈશ્વિક મંચ પર જઈને એ વાત દોહરાવે છે કે કાશ્મીર અંગે હજુ સુધી કોઈ આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે ઉમેર્યું હતું કે, "તેઓ આપણું રક્ષણ કરી રહ્યા છે અને દિલ્હી પર દબાણ બનાવી રહ્યા છે, જોકે હું એવું નથી માનતો કે તેમના ઈરાદા સંપૂર્ણપણે ઉમદા છે." તાજેતરના વર્ષોમાં કાશ્મીર વિવાદને વૈશ્વિક સ્તરે ચર્ચામાં રાખવા માટે પાકિસ્તાનની રાજદ્વારી ભૂમિકા અંગે અબ્દુલ્લા દ્વારા આપવામાં આવેલું આ નિવેદન અત્યાર સુધીનું સૌથી સ્પષ્ટ અને આક્રમક જાહેર નિવેદન માનવામાં આવી રહ્યું છે.

આ સાથે જ તેમણે કેન્દ્ર સરકાર અને દિલ્હી પાસેથી ન્યાય મળવાની આશા પર પણ ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું હતું. ઉપસ્થિત કાર્યકર્તાઓને એકજુટ થવાની અપીલ કરતા તેમણે કહ્યું કે, "શું તમે ફક્ત દિલ્હી પર જ તમારી આશા રાખીને બેસશો? શું તમને ખરેખર લાગે છે કે તેઓ તમને ન્યાય આપશે? હિંમત રાખો, આપણે તેમનો સામનો કરવો પડશે. જો તમે હિંમત નહીં દાખવો તો તેઓ તમારું નામ અને ઓળખ ભૂંસી નાખશે." ભારત સરકાર હંમેશાં કાશ્મીરને પોતાનો આંતરિક મામલો ગણાવીને પાકિસ્તાની દખલગીરીનો સખત વિરોધ કરતી આવી છે, ત્યારે ફારુક અબ્દુલ્લાના આ નિવેદન બાદ ભાજપ સહિતના વિવિધ રાજકીય પક્ષો તરફથી તીખી પ્રતિક્રિયાઓ આવવાની પૂરેપૂરી શક્યતા છે.

(7:07 PM IST)