News of Wednesday, 4th November 2026
ઈરાનમાં પરમાણુ હુમલાની દહેશત! નાગરિકોને જીવ બચાવવા વિશેષ તાલીમ આપવાની શરૂઆત
પરમાણુ વિસ્ફોટ થાય તો ભૂગર્ભ આશ્રયસ્થાનમાં જવાની, બારીઓ બંધ રાખવાની અને ઓછામાં ઓછા ૨૪ કલાક બહાર નહીં નીકળવાની સૂચના : ઈરાનના સરકારી માધ્યમોમાં બચાવનો વીડિયો પ્રસારિત

તેહરાન, તા. ૩ : અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા લશ્કરી તણાવ વચ્ચે ઈરાનમાં પરમાણુ વિસ્ફોટ જેવી કટોકટી સર્જાય તો નાગરિકોએ પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે સમજાવતો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. ઈરાનના ઈસ્ફહાન પ્રાંતની આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત સંસ્થાઓએ તૈયાર કરેલી માર્ગદર્શિકામાં વિસ્ફોટ, કિરણોત્સર્ગ અને રેડિયોએક્ટિવ ધૂળથી બચવાના ઉપાયો દર્શાવાયા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ ભડકવાની આશંકાઓ વચ્ચે ઈરાનના સરકારી સમાચાર માધ્યમોમાં પરમાણુ વિસ્ફોટથી બચવા અંગેની માર્ગદર્શિકા પ્રસારિત થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા જાગી છે.
ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીએ ૨૯ ઓક્ટોબરે આઠ મિનિટનો શૈક્ષણિક વીડિયો પ્રકાશિત કર્યો હતો. ઈસ્ફહાન પ્રાંતની કટોકટી સેવાઓ સાથે સંકળાયેલી આ માર્ગદર્શિકામાં પરમાણુ વિસ્ફોટ થાય તો તેજ પ્રકાશ તરફ સીધું નહીં જોવા, નજીકની મજબૂત ઈમારતમાં આશરો લેવા અને શક્ય હોય તો ભોંયરામાં રહેવાની સલાહ અપાઈ છે.
નાગરિકોને બારીઓ અને દરવાજા બંધ રાખવા, બહારની હવા ખેંચતા પંખા તથા વાતાનુકૂલિત યંત્રો બંધ કરવા અને કિરણોત્સર્ગી ધૂળ લાગેલા કપડાં સાવચેતીથી ઉતારી બંધ થેલીમાં રાખવા જણાવાયું છે. શરીરની ખુલ્લી ત્વચા સાબુ અને પાણીથી સાફ કરવા તથા પીવાના પાણી અને બંધ પેકેટમાં રહેલા ખોરાકનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે.
ઓછામાં ઓછા ૨૪ કલાક સુરક્ષિત સ્થળે રહેવા અને અધિકારીઓની સૂચના વિના બહાર નહીં નીકળવા પણ જણાવાયું છે. આ વીડિયો ઈરાનના વાર્ષિક નાગરિક સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ દરમિયાન જાહેર થયો હતો.
(12:19 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
