<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ગર્ભાવસ્થાના નિયમો સામે મહિલા IPS અધિકારીની કાનૂની લડાઈ: સુપ્રીમ કોર્ટે વચગાળાની રાહત ન આપી પણ નીતિ સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

મધ્યપ્રદેશ કેડરની 2023 બેચની અધિકારી ઉર્વશી સેંગરે પ્રસૂતિ બાદ તાલીમમાં જોડાવા ન દેવાના 33 વર્ષ જૂના સરકારી નિયમને કોર્ટમાં પડકાર્યો

નવી દિલ્હી:  મધ્યપ્રદેશ કેડરની 2023 બેચની મહિલા IPS અધિકારી ઉર્વશી સેંગરની ગર્ભાવસ્થા અને બાળકના જન્મના કારણે અટકેલી તાલીમ મામલે સુપ્રીમ કોર્ટે હાલ તુરંત કોઈ વચગાળાની રાહત આપવાનો ઇનકાર કર્યો છે. જૂન મહિનાથી શરૂ થઈ ગયેલા નવ અઠવાડિયાના ફેઝ-2 તાલીમ કાર્યક્રમમાંથી ત્રણ અઠવાડિયાનો સમયગાળો ઓલરેડી વીતી ગયો હોવાથી, કોર્ટે ચાલુ પ્રોગ્રામમાં તેમને પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો નથી. જોકે, સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારના એ નિવેદનને સત્તાવાર રેકોર્ડ પર લીધું છે કે આ વિલંબના કારણે મહિલા અધિકારીની વરિષ્ઠતા (સીનિયોરિટી) પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં અને કેસની મૂળ અરજી પર ટ્રિબ્યુનલને ઝડપી સુનાવણી કરવા નિર્દેશ આપ્યો છે.

આ સમગ્ર વિવાદ ગૃહ મંત્રાલયના 23 ઓગસ્ટ 1993ના એક ઓફિસ મેમોરેન્ડમ (નિયમ) પર આધારિત છે, જે મુજબ જો કોઈ મહિલા IPS પ્રોબેશનર તાલીમ દરમિયાન ગર્ભવતી થાય તો તેની ટ્રેનિંગ તત્કાલ રોકી દેવાય છે અને બાળકના જન્મના એક વર્ષ બાદ જ તેને ફરીથી જોડાવાની મંજૂરી મળે છે. ઉર્વશી સેંગરે સપ્ટેમ્બર 2025માં બાળકને જન્મ આપ્યા બાદ, જૂન 2026માં નવ મહિના પછી શરૂ થયેલી એકેડેમિક તાલીમમાં સામેલ થવા મેડિકલ ફિટનેસ સાથે પરવાનગી માંગી હતી. પરંતુ પોલીસ એકેડેમીએ આ જૂની નીતિનો હવાલો આપીને તેમને અટકાવ્યા હતા, જેને તેમણે ગેરબંધારણીય ગણાવીને કોર્ટના દ્વાર ખખડાવ્યા છે.

સુનાવણી દરમિયાન જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ શ્રી ચંદ્રશેખરની બેંચે કેન્દ્ર સરકારની આ નીતિના વલણ સામે અત્યંત આકરા અને મહત્વપૂર્ણ સવાલો ઉઠાવ્યા હતા. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી કરી કે, "આ નિયમ મહિલાઓના રક્ષણ અને કલ્યાણ માટે બનાવવામાં આવ્યો હતો, નહીં કે શારીરિક અને તબીબી રીતે સંપૂર્ણ સક્ષમ મહિલા અધિકારીને તેના તાલીમના અધિકારથી વંચિત રાખવા માટે." કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું કે જો કોઈ મહિલા ડિલિવરી બાદ ડૉક્ટર્સ દ્વારા ફિટ જાહેર કરાઈ હોય અને પોતે ટ્રેનિંગ માટે તૈયાર હોય, તો તેને પ્રસૂતિના નામે તકોથી કેમ દૂર રાખી શકાય? આ કલ્યાણકારી જોગવાઈનો ઉપયોગ કોઈની કારકિર્દી રોકવા માટે હથિયાર તરીકે ન થવો જોઈએ.

(7:22 PM IST)