News of Sunday, 15th November 2026
મિયામી એરપોર્ટ પર બે વિમાનો વચ્ચે ભીષણ ટક્કર, ઓછી ગતિને કારણે મોટી હોનારત ટળી
ટેક્સીવે પર યુપીએસ કાર્ગો અને કોપા એરલાઇન્સનું પેસેન્જર પ્લેન અથડાયા, એટીસી ઓડિયો વાયરલ થતાં એવિએશન ક્ષેત્રે હડકંપ

મિયામી : યુએસએના ફ્લોરિડામાં આવેલા મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે રાત્રે એક ગંભીર વિમાન અકસ્માત સર્જાતા માંડ માંડ ટળી ગયો હતો. રાત્રે ૯:૧૫ વાગ્યે, એક યુપીએસ બોઇંગ ૭૬૭ કાર્ગો પ્લેન અને કોપા એરલાઇન્સનું બોઇંગ ૭૩૭ પેસેન્જર પ્લેન એરપોર્ટના ટેક્સીવે (રનવે અને ટર્મિનલને જોડતો રસ્તો) ના આંતરછેદ પર ધડાકાભેર અથડાઈ ગયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે યુપીએસ ફ્લાઇટ ૩૫૮ મિયામીથી કોલંબિયાના બોગોટા માટે ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી, જ્યારે કોપા એરલાઇન્સની ફ્લાઇટ ૪૨૭ પનામા સિટીમાં લેન્ડિંગ કરીને ટર્મિનલની નજીક આવી રહી હતી, સદનસીબે બંને વિમાનો ઓછી ગતિએ મુસાફરી કરી રહ્યા હોવાથી કોઈ મોટી જાનહાની ટળી હતી.
ઘટના બાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને પાઇલટ્સ વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે એટીસી કંટ્રોલરે યુપીએસ ક્રૂને કોપા એરલાઇન્સના પ્લેનને રસ્તો આપવા સૂચના આપી હતી, પરંતુ યુપીએસ પ્લેન મર્યાદા ઓળંગીને પેસેન્જર પ્લેનના રસ્તામાં આવી ગયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) ના જણાવ્યા અનુસાર, કોપા એરલાઇન્સ બોઇંગ ૭૩૭ ની પાંખનો ભાગ યુપીએસ બોઇંગ ૭૬૭ એરક્રાફ્ટના નાક સાથે અથડાયો હતો, જેના કારણે કાર્ગો પ્લેનના આગળના ભાગને મોટું નુકસાન પહોંચ્યું હતું અને કોપા એરલાઇન્સના વિમાનમાં બેઠેલા એક મુસાફરે આ નુકસાનનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો.
આ અકસ્માતને પગલે મિયામી-ડેડ ફાયર રેસ્ક્યુ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ સામાન્ય ટક્કરમાં માત્ર બે લોકોને જ નાની-સામન્ય ઇજાઓ પહોંચી હોવાથી તેમને ઘટનાસ્થળે જ પ્રાથમિક સારવાર આપી દેવાઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરવાની કોઈ જરૂરિયાત ઊભી થઈ ન હતી. મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટના કોમ્યુનિકેશન ડિરેક્ટર ગ્રેગ ચિને સત્તાવાર નિવેદન આપતા સ્પષ્ટ કર્યું હતું કે તમામ વિમાનોને વૈકલ્પિક ટેક્સીવે તરફ સફળતાપૂર્વક વાળી લેવામાં આવ્યા હોવાના કારણે એરપોર્ટની સામાન્ય કામગીરીને કોઈ ખાસ અસર પહોંચી નથી.
ભૂતકાળની ટેકનિકલ ખામીઓ અને આગામી સલામતી પગલાંઓની પૃષ્ઠભૂમિ પર નજર કરીએ તો, આ અકસ્માત એવા સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકાના એરપોર્ટો પર અગાઉથી જ એટીસીની જૂની ટેકનોલોજી અને રડાર સિસ્ટમમાં સર્જાયેલી ખામીઓને કારણે હજારો ફ્લાઇટ્સ રદ કે મોડી પડવાના બનાવો બની રહ્યા છે. આગામી સમયમાં આ ઘટનાની સઘન તપાસ કરીને એવિએશન સત્તાવાળાઓ દ્વારા ગ્રાઉન્ડ મૂવમેન્ટ અને એટીસી કોમ્યુનિકેશનમાં સુરક્ષાના ધોરણો વધુ કડક બનાવવામાં આવશે તે નિશ્ચિત છે.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
