<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th October 2026

મણિપુરના કામજોંગ અને ઉખરૂલમાં નાગા-કુકી જૂથો વચ્ચે ભીષણ ફાયરિંગ: 5 લોકોના મોત અને 10 ઘરો સ્વાહા

ચસાદ વિસ્તારમાં કલમ 162 હેઠળ કડક કર્ફ્યુ અમલી, આસામ રાઇફલ્સ અને અર્ધલશ્કરી દળોના સઘન ફ્લેગ માર્ચ વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ

ઈમ્ફાલ : પૂર્વોત્તર રાજ્ય મણિપુરના સરહદી કામજોંગ અને ઉખરૂલ જિલ્લામાં નાગા અને કુકી સશસ્ત્ર જૂથો વચ્ચે શનિવારે ફરી એકવાર ભયાનક હિંસા અને અંધાધૂંધ ગોળીબાર ફાટી નીકળતાં મહિલા સહિત 5 લોકોના મોત નીપજ્યાં છે.

આ હિંસક અથડામણ દરમિયાન કામજોંગ જિલ્લાના ચસાદ ગામમાં એક 22 વર્ષીય યુવક અને 5 બાળકોની માતા એવી 42 વર્ષીય મહિલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેના પગલે ઉશ્કેરાયેલા જૂથો વચ્ચે સતત ગોળીબાર ચાલુ રહ્યો હતો અને 10 જેટલાં મકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઉપરાંત મ્યાનમાર સરહદ નજીક નિંગચૌ ગામમાં ઘૂસી આવેલા ઉગ્રવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને નાગાચાંસો નિંગશેન અને લીશિશાં લીશાદાંગ નામના બે વ્યક્તિઓની હત્યા કરી સરહદ પાર નાસી છૂટ્યા હતા, જ્યારે ચેપુ યાઓલેન પાસે વાહન પર થયેલા ગોળીબારમાં ડ્રાઈવર સંદીપ રાયનું મોત નીપજ્યું હતું તેમજ કાંગપોકપીના મકુઈ અશાંગ અને તાપન વિસ્તારોમાંથી પણ વિધ્વંસક ગોળીબારના અહેવાલો પ્રાપ્ત થયા છે.

સ્થિતિ વધુ વણસતી અટકાવવા વહીવટી તંત્ર દ્વારા ચસાદ પોલીસ ગેટ ચોકડીના 400 મીટર વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 162 હેઠળ તાત્કાલિક અસરથી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે આસામ રાઇફલ્સ અને કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની વધારાની ટુકડીઓ તૈનાત કરીને સંવેદનશીલ ગામડાઓમાં સંયુક્ત ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવી છે.

ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનાથી નાગા અને કુકી સમુદાયો વચ્ચે શરૂ થયેલા આંતરિક સંઘર્ષમાં અત્યાર સુધીમાં 40થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક પરિવારો બેઘર બન્યા છે. સરહદી વિસ્તારોમાં વધતી હિંસા રાષ્ટ્રીય સુરક્ષા માટે ચિંતાજનક બનતાં કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશથી સુરક્ષા દળો દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ સ્થાનિક નાગરિક સંગઠનો દ્વારા શાંતિ સાધવાની અપીલ કરવામાં આવી રહી છે.

(11:37 AM IST)