<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th April 2026

બંગાળના જંગમાં મમતા બેનર્જીની સાડી અને ચપ્પલની ‘બ્રાન્ડ’નો આખરી ટેસ્ટ: 92% થી વધુ મતદાન બાદ હવે દીદીની કિસ્મતનો ફેંસલો આંકડાઓના હાથમાં

સફેદ સાડી અને હવાઈ ચપ્પલથી ઉભી કરેલી ‘બંગાળની દીકરી’ની છબી સામે ભાજપનો જોરદાર પડકાર; એક્ઝિટ પોલમાં ટક્કર એવી કાંટાની છે કે બહુમતી માટે ‘મેજિક ફિગર’ સુધી પહોંચવું બન્યું મુશ્કેલ

કોલકાતા, તા.30: પશ્ચિમ બંગાળના રાજકારણમાં મમતા બેનર્જી એટલે માત્ર એક નામ નહીં પણ એક મજબૂત ‘બ્રાન્ડ’ છે. સફેદ સુતરાઉ સાડી, પાતળી વાદળી કિનારી અને પગમાં સાદા રબરના હવાઈ ચપ્પલ – આ તેમની દાયકાઓ જૂની ઓળખ છે. 2026ની આ વિધાનસભા ચૂંટણીમાં દીદીની આ ‘સાધારણ દેખાતી અસાધારણ’ છબીનો સૌથી મોટો લિટમસ ટેસ્ટ થઈ રહ્યો છે. શું તેમની આ સાદગી અને ‘મા, માટી, માનુષ’નો મંત્ર શિફ્ટ થતા જનમતના પવનને રોકી શકશે?

એક્ઝિટ પોલનું અટપટું ગણિત

29 એપ્રિલે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે આખી ગેમ આંકડાઓ પર આવી ગઈ છે. બંગાળની 294 બેઠકોવાળી વિધાનસભામાં બહુમતી માટે 148નો જાદુઈ આંકડો જરૂરી છે. 'જનમત' અને 'પીપલ્સ પલ્સ' જેવા એજન્સીઓ મમતા બેનર્જીની TMCને 177 થી 205 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી આપી રહ્યા છે. બીજી તરફ, 'પી-માર્ક' અને 'મેટ્રિઝ' જેવા પોલ્સ મુજબ ભાજપ 146 થી 175 બેઠકો સાથે બંગાળના ગઢમાં ગાબડું પાડી શકે છે. આ આંકડાઓ સૂચવે છે કે જંગ ખરેખર ‘રશિયા-યુક્રેન’ યુદ્ધ જેવો ભીષણ છે!

92% થી વધુ મતદાન: પરિવર્તન કે પુનરાવર્તન?

આ વખતે બંગાળના મતદારોએ ઇતિહાસ રચી દીધો છે. અનેક જિલ્લાઓમાં મતદાનનો આંકડો 92% ને પાર કરી ગયો છે. દક્ષિણ દિનાજપુરમાં તો વિક્રમી 94.98% મતદાન નોંધાયું છે. સામાન્ય રીતે આટલું મોટું મતદાન સત્તાધારી પક્ષ પ્રત્યેની ભારે નારાજગી અથવા તો ‘લક્ષ્મીર ભંડાર’ જેવી યોજનાઓના લાભાર્થીઓનો જબરદસ્ત ટેકો હોઈ શકે છે. શહેરી વિસ્તારોમાં મધ્યમ વર્ગની નારાજગી અને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓનો સાથ – આ બે પરિબળો વચ્ચે 4 મેના રોજ ખરો જંગ જામશે.

નસીબ અને ત્રીજો મોરચો

મમતા બેનર્જીનું નસીબ આ વખતે ડાબેરી-કોંગ્રેસ ગઠબંધન પર પણ નિર્ભર છે. જો આ ‘ત્રીજો મોરચો’ મજબૂત મતો મેળવે તો ભાજપ વિરોધી મતો વહેંચાઈ જાય, જેનો સીધો ફાયદો મમતાને થઈ શકે. સાથે જ, 2.3 લાખ CRPF જવાનોની હાજરી વચ્ચે થયેલા આ મતદાનમાં મમતાએ ‘બંગાળી અસ્મિતા’ અને ‘બહારના લોકો’નો જે મુદ્દો ઉઠાવ્યો હતો, તે કેટલો કારગત નીવડ્યો છે તે જોવું રસપ્રદ રહેશે. શું દીદીની સાદગી અને સંઘર્ષ 4 મેના રોજ તેમને ફરી સત્તાના સિંહાસન પર બેસાડશે?

(5:30 PM IST)