<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

મોગાદિશુમાં પ્રથમ વખત ભારત-સોમાલિયા વચ્ચે વિદેશ કાર્યાલયમાં મહત્વપૂર્ણ મુદ્દા પર બેઠક

દરિયાઈ સુરક્ષા, આતંકવાદ અને વ્યાપારિક સહયોગ પર વિશેષ ભાર:દેશ-વિદેશના સંબંધો માત્ર રાજદ્વારી સીમાઓ પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ સુરક્ષા અને આર્થિક વિકાસના મોરચે પણ ગાઢ બન્યા

આજના આ વૈશ્વિક યુગમાં દેશ-વિદેશના સંબંધો માત્ર રાજદ્વારી સીમાઓ પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ સુરક્ષા અને આર્થિક વિકાસના મોરચે પણ ગાઢ બન્યા છે. હાલમાં જ ભારત અને સોમાલિયા વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠક બંને રાષ્ટ્રોના સંબંધોને એક નવો વળાંક આપનારી સાબિત થઈ રહી છે.

ભારત અને સોમાલિયા વચ્ચે સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં પ્રથમ વખત વિદેશ કાર્યાલય મંત્રણા યોજાઈ હતી. આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોના તમામ મુખ્ય પાસાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. આ મંત્રણાની સહ-અધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ (WANA) અને સોમાલિયાના વિદેશ મંત્રાલયના કાયમી સચિવ દ્વારા સંયુક્તપણે કરવામાં આવી હતી. બંને દેશોએ રાજકીય, સુરક્ષાત્મક, આર્થિક અને સામાજિક-સાંસ્કૃતિક પાયા પર સંબંધોને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર આ અંગે વિગતવાર માહિતી શેર કરી હતી.
હિંદ મહાસાગર ક્ષેત્રમાં વધતી જતી સુરક્ષાની ચિંતાઓ અને દરિયાઈ ક્ષેત્રમાં જહાજોના હાઈજેકિંગ અને દરિયાઈ લૂંટારાઓની વધતી ઘટનાઓ પર બંને દેશોએ ભારે ચિંતા વ્યક્ત કરી હતી. આ બેઠકમાં જહાજો અને નાવિકોની સુરક્ષાનો મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવી હતી. ભારત અને સોમાલિયાએ આ ગંભીર વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે પરસ્પર સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, આતંકવાદની તમામ હરકતોની કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી હતી અને આતંકવાદ વિરોધી ક્ષેત્રે સંયુક્ત પ્રયાસો કરવા સહમતિ સધાઈ હતી.

ભારત અને સોમાલિયા વચ્ચેના પારંપરિક મૈત્રીપૂર્ણ સંબંધો માત્ર સુરક્ષા પુરતા મર્યાદિત નથી, પરંતુ આર્થિક અને સામાજિક ક્ષેત્રે પણ ખૂબ વ્યાપક છે. ભારત હાલ સોમાલિયાના ટોચના ત્રણ વેપારી ભાગીદારોમાં સામેલ છે. આ બેઠકમાં વ્યાપાર અને રોકાણ, સ્વાસ્થ્ય અને ફાર્માસ્યુટિકલ્સ, લઘુ તથા મધ્યમ ઉદ્યોગો (SME), ક્ષમતા નિર્માણ તેમજ વિકાસ સહભાગીતા જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. નોંધનીય છે કે, સોમાલિયાના નાગરિકો ગુણવત્તાયુક્ત તબીબી ઉપચાર અને ઉચ્ચ શિક્ષણ માટે ભારતને અભિન્ન અંગ માને છે, જે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત સાબિત થઇ રહ્યા છે.

(10:43 PM IST)