News of Tuesday, 28th July 2026
સ્પેનના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ભયાનક જંગલની આગના કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર : મેડ્રિડ સહિતના વિસ્તારોમાં ૧૦,૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર : જુઓ વિડિયો
યુરોપમાં સ્થિતિ બેકાબૂ: ફ્રાન્સમાં ૪૦,૦૦૦ થી વધુ લોકોનું વિસ્થાપન : ઈયુ (EU) પાસે મદદની માગ : ઈટાલીના સિસિલીમાં ૬૦૦૦ થી વધુ કર્મચારીઓ બચાવ કામગીરીમાં જોતરાયા

🇪🇸 🔥 #Fires continue to spread through #Spain with one blaze to the west of #Madrid now the largest to have swept through the country.
— FRANCE 24 English (@France24_en) July 28, 2026
Firefighters are attempting to bring the blazes under control ahead of a rise in temperatures.
Here's what's happening ⤵️ pic.twitter.com/dP34haGZ53
મેડ્રિડ: સ્પેનના મેડ્રિડ તથા પડોશી અવિલા પ્રાંત સહિતના અનેક વિસ્તારોમાં ફાટી નીકળેલી ભયાનક જંગલની આગ બેકાબૂ બની જતાં સ્પેન સરકારે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કટોકટી (નેશનલ ઈમરજન્સી) ની ઘોષણા કરી છે. જંગલની આ ભયાવહ આગને પગલે સુરક્ષાના ભાગરૂપે ૧૦,૦૦૦ થી વધુ લોકોને તાત્કાલિક અસરથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
સ્પેનના ગૃહ મંત્રાલયે જાહેર કરેલા સત્તાવાર નિવેદન અનુસાર, એકસાથે અનેક સ્થળોએ આગ ભભૂકી ઉઠતા અને પવન તથા વાતાવરણના પ્રતિકૂળ ફેરફારોને કારણે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે. અહેવાલો મુજબ, મેડ્રિડ નજીકના વિલા ડેલ પ્રાડો અને સાન માર્ટિન ડે વાલ્ડેઇગ્લેસિયાસ વિસ્તારોમાં આગ સંપૂર્ણપણે કાબૂ બહાર ગઈ છે. આ વિસ્તારોમાં સ્થિતિ પર કાબૂ મેળવવા માટે સેંકડો ઈમરજન્સી કર્મચારીઓ, સૈન્ય ટુકડીઓ અને ૪૦ ગ્રાઉન્ડ યુનિટ્સ યુદ્ધના ધોરણે તૈનાત કરવામાં આવ્યા છે.
ચાલુ વર્ષ દરમિયાન સ્પેનમાં અત્યાર સુધીમાં ૧૩૦૦ ચોરસ કિલોમીટરથી વધુ જંગલ વિસ્તાર આગની લપેટમાં આવીને બળીને ખાખ થઈ ગયો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ચાર ગણો વધુ છે. આ અગાઉ દક્ષિણ સ્પેનમાં લાગેલી જંગલની આગની ચપેટમાં આવવાથી ૧૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.
આગની આ ભયાનક હોનારત માત્ર સ્પેન પૂરતી સીમિત ન રહેતા સમગ્ર યુરોપના પાડોશી દેશોમાં પણ વ્યાપી ગઈ છે. ફ્રાન્સના એટલાન્ટિક કિનારે આવેલી જંગલોની વિશાળ આગે ભયાવહ સ્વરૂપ ધારણ કરતાં ત્યાંથી ૪૦,૦૦૦ થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવું પડ્યું છે. સ્થિતિ અત્યંત નાજુક બનતાં ફ્રાન્સે આ આપત્તિ પહોંચી વળવા યુરોપિયન યુનિયન (EU) પાસે ઈમરજન્સી મદદની માગ કરી છે. આ ઉપરાંત, ઈટાલીના સિસિલી ખાતે પણ જંગલની આગ બેકાબૂ બનતાં તેને ઓલવવા માટે ૬૦૦૦ થી વધુ કર્મચારીઓ સતત દિવસ-રાત પ્રયાસો કરી રહ્યા છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
