<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

પશ્ચિમ એશિયાના યુદ્ધની જ્વાળા હવે તમારા રસોડા સુધી પહોંચી: વાણિજ્યિક ગેસ સિલિન્ડરમાં ₹993નો તોતિંગ ઝીંકાયો ભાવ વધારો

વૈશ્વિક કટોકટીની સીધી અસર ભારતના ઇંધણ બજાર પર જોવા મળી: ઘરેલુ ગેસના ભાવ સ્થિર રહેતા ગૃહિણીઓને આંશિક રાહત મળી પરંતુ કોમર્શિયલ સિલિન્ડર સીધો ₹3000ને પાર કરી જતાં રેસ્ટોરાં સંચાલકોમાં ભારે ફફડાટ

નવી દિલ્હી : પશ્ચિમ એશિયામાં ઇરાન અને અમેરિકા વચ્ચે વણસેલી સ્થિતિએ ભારતના સામાન્ય નાગરિકોના બજેટ પર આકરો પ્રહાર કર્યો છે. આજે ૧૦ મેના રોજ જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ, ઘરેલુ રસોઈ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, વાણિજ્યિક (કોમર્શિયલ) ગેસ સિલિન્ડરના ભાવમાં ૧ મેથી કરવામાં આવેલો ₹993નો જંગી ઉછાળો અત્યારે વેપારીઓનો સ્વાદ બગાડી રહ્યો છે. દિલ્હીમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ હવે ₹3071.50 ના સ્તરે પહોંચી ગયો છે, જેની સીધી અસર બહારના ખાણી-પીણીના ભાવ પર પડવાની પૂરેપૂરી શક્યતા છે.

ભારત તેની જરૂરિયાતનો ૯૦ ટકા જેટલો એલપીજી (LPG) પશ્ચિમ એશિયાઈ દેશો જેવા કે સાઉદી અરેબિયા અને કતારમાંથી આયાત કરે છે. વર્તમાન ભૌગોલિક રાજકીય તણાવને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં અવરોધ ઊભો થવાની આશંકાએ ઇંધણના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધી ગેસના વિતરણમાં કોઈ અછત નોંધાઈ નથી. સરકાર આંતરરાષ્ટ્રીય સ્તરે વધતી કિંમતો છતાં ઘરેલુ ગ્રાહકો પરનો બોજ ઓછો કરવાના પ્રયાસો કરી રહી છે.

બીજી તરફ, સરકાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) દ્વારા ગરીબ પરિવારોને સુરક્ષા કવચ પૂરું પાડી રહી છે. આ યોજના હેઠળ દેશના ૧૦ કરોડથી વધુ પરિવારોને ગેસ કનેક્શન ફાળવવામાં આવ્યા છે, જેના કારણે સબસિડીના માધ્યમથી પાત્ર પરિવારોને ગેસ સિલિન્ડર સસ્તા દરે ઉપલબ્ધ થઈ રહ્યા છે. સામાન્ય જનતા માટે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં હાલ સ્થિરતા હોવા છતાં, આંતરરાષ્ટ્રીય બજારની અનિશ્ચિતતાને જોતા આગામી દિવસોમાં ઇંધણના દરો પર સૌની નજર ટકેલી છે.

(1:02 PM IST)