News of Monday, 20th April 2026
પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશ ખાતે હાઈ કમિશનર બનાવાય તેવી શક્યતા

નવી દિલ્હી,તા.૨૦: પશ્ચિમ બંગાળના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનેશ ત્રિવેદીને બાંગ્લાદેશમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે, એવી માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી છે. જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.હાલમાં ઢાકામાં ભારતના હાઈ કમિશનર તરીકે કાર્યરત પ્રણય વર્માને ૧૦ એપ્રિલે બેલ્જિયમ અને યુરોપિયન યુનિયન માટે ભારતના આગામી રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં બદલાતા રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નવી દિલ્હી આ મહત્વપૂર્ણ રાજદ્વારી પદ પર કોઈ રાજકીય વ્યક્તિને નિયુક્ત કરવાનો વિચાર કરી રહ્યું છે. તારિક રહમાનના નેતૃત્વ હેઠળ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાટીની સરકાર બન્યા બાદ દ્વિપક્ષીય સંબંધોને ફરીથી મજબૂત બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ઓગસ્ટ ૨૦૨૪માં શેખ હસીનાની સરકારના પતન બાદ અને મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની અંતરિમ સરકાર સત્તામાં આવ્યા પછી ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ જોવા મળ્યો હતો.
૭૫ વર્ષીય દિનેશ ત્રિવેદી યુપીએ સરકાર દરમિયાન રેલવે મંત્રી તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે. તેમણે ફેબ્રુઆરી ૨૦૨૧માં તૃણમૂલ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાટીમાં જોડાયા હતા.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
