<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેનો ફ્રોડ કેસ તુરંત જ ફગાવી દેવાનો યુએસ જજે ઇનકાર કર્યો : ગુનાહિત આરોપો શા માટે પાછા ખેંચ્યા તે અંગે ડીઓજે પાસે માંગી સ્પષ્ટતા

અદાણીના વકીલોએ કેસ કાયમી ધોરણે બંધ કરવા કરેલી વિનંતી સામે ન્યૂયોર્ક કોર્ટે વલણ કડક કર્યું : જસ્ટિસ ડિપાર્ટમેન્ટને આગામી મહિના સુધીમાં કેસ સંબંધિત વધુ માહિતી અને કારણો રજૂ કરવા આદેશ

ન્યૂયોર્ક:અમેરિકાની અદાલતે ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સામેના કથિત ફ્રોડ કેસમાં એક નવો વળાંક આપતાં, આ કેસને તાત્કાલિક અસરથી ફગાવી દેવાનો ઇનકાર કર્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સના ડિસ્ટ્રિક્ટ જજ નિકોલસ જી. ગેરાઉફિસે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) ને સવાલ કર્યો છે કે તેમણે ગયા મહિને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામેના તમામ ગુનાહિત આરોપો શા માટે પડતા મૂક્યા હતા. ન્યૂયોર્કની કોર્ટે આ મામલે ન્યાય વિભાગ પાસે આગામી મહિના સુધીમાં વિગતવાર ખુલાસો અને વધુ માહિતી માંગી છે, અને ત્યાં સુધી અદાણીના વકીલો દ્વારા કેસને ઔપચારિક રીતે સંપૂર્ણપણે રદ કરવાની કરવામાં આવેલી વિનંતીને સ્થગિત રાખી છે.

 

ગયા મહિને જ ડીઓજે દ્વારા તમામ ફોજદારી આરોપો કાયમી ધોરણે પડતા મૂકાયા હતા:

ઉલ્લેખનીય છે કે, ગયા મહિને જ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે ગૌતમ અદાણી અને સાગર અદાણી સામેના હાઈ-પ્રોફાઈલ સિક્યોરિટીઝ અને વાયર ફ્રોડના તમામ ગુનાહિત આરોપો કાયમી ધોરણે પાછા ખેંચી લીધા હતા, જેનાથી ન્યૂયોર્કમાં ચાલી રહેલા આ વિવાદનો અંત આવ્યો હોવાનું મનાતું હતું. આ જાહેરાત બાદ, ગૌતમ અદાણીના વકીલોએ બુધવારે યુએસ જજ નિકોલસ ગેરાઉફિસને ડીઓજેની દરખાસ્ત મંજૂર કરીને આ ઇન્ડિટમેન્ટ (આરોપનામું) કાયમી ધોરણે પૂર્વગ્રહ વિના (with prejudice) રદ કરવા અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) ના બાકી દાવાઓનો સુખદ નિકાલ કરવા વિનંતી કરી હતી. અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન વતી કાનૂની પેઢી 'સુલીવાન એન્ડ ક્રોમવેલ એલએલપી' દ્વારા આ અંગે કોર્ટને વિગતવાર પત્ર લખવામાં આવ્યો હતો.

 

વર્ષ ૨૦૨૪માં લાગ્યા હતા લાંચ અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના ગંભીર આરોપો:

આ સમગ્ર વિવાદની શરૂઆત નવેમ્બર ૨૦૨૪માં થઈ હતી, જ્યારે યુએસ વિભાગે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન સામે આરોપનામું જાહેર કર્યું હતું. આરોપમાં જણાવાયું હતું કે અદાણી જૂથની પેટાકંપનીને સોલાર પ્લાન્ટ વિકસાવવાની મંજૂરી મળે તે માટે ભારતીય સરકારી અધિકારીઓને લાંચ આપવાનું કાવતરું ઘડાયું હતું, અને ૨૦૨૧ તથા ૨૦૨૪ ના બોન્ડ ઓફરિંગ તેમજ ૨૦૨૧ અને ૨૦૨૩ ની સિન્ડિકેટેડ બેંક લોન પ્રક્રિયામાં યુએસ રોકાણકારોને કંપનીની ભ્રષ્ટાચાર વિરોધી નીતિઓ વિશે ખોટી માહિતી આપી ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. એસઈસી (SEC) એ પણ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) દ્વારા ૨૦૨૧ માં કરાયેલા બોન્ડ વેચાણ અંગે સિક્યોરિટીઝ કાયદાના ઉલ્લંઘન બદલ દાવો માંડ્યો હતો. જોકે, ગૌતમ અદાણીએ આ તમામ દાવાઓને કાનૂની રીતે ક્ષતિપૂર્ણ ગણાવ્યા હતા.

 

કોઈ નુકસાન થયું નથી, લોનની ચૂકવણી પણ પૂર્ણ થઈ ચૂકી હોવાની વકીલોની દલીલ:

અદાણીના વકીલોએ જજ સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી છે કે યુએસ વિભાગના આરોપનામા કે ફરિયાદમાં અદાણી જૂથના પ્રતિવાદીઓ સામે અમેરિકામાં કોઈ લાંચ રુશ્વતનો ગુનો આચરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ નથી. આ સાથે જ આ ચાર વ્યવહારોમાંથી અમેરિકાના કોઈ રોકાણકારને કોઈ આર્થિક નુકસાન થયું હોવાના પુરાવા પણ નથી. બંને બોન્ડ ઓફરિંગ માત્ર લાયક સંસ્થાકીય ખરીદદારો (QIBs) માટે જ ઉપલબ્ધ હતા, જે ૧૦૦ મિલિયન ડોલરથી વધુનું રોકાણ કરતી મોટી સંસ્થાઓ છે. વકીલોએ પત્રમાં ઉમેર્યું છે કે, ૨૦૨૧ ની બોન્ડ ઓફરિંગ પાકી ચૂકી છે અને તમામ વ્યાજની ચૂકવણી સમયસર થઈ ગઈ છે. ૨૦૨૪ ની બોન્ડ ઓફરિંગમાં પણ કોઈ ડિફોલ્ટ નથી, તેમજ ૨૦૨૧ ની બેંક લોન સંપૂર્ણ ચૂકવાઈ ગઈ છે અને ૨૦૨૩ ની લોન પણ નિયમિત છે. આ તમામ તથ્યો વચ્ચે હવે યુએસ કોર્ટ આગામી મહિને ન્યાય વિભાગના ખુલાસા બાદ જ આગામી ચુકાદો આપશે.

(11:53 PM IST)