તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Friday, 31st July 2026
બેંગલુરુમાં આરબીઆઈમાંથી કરોડો રૂપિયા અપાવવાની લાલચ આપી ઠગાઈ: ઢોંગી 'ગુરુજી' અને તેના સાથીદારોએ મહિલાને રૂ. ૨ કરોડ રોકડા અને ૫૦ લાખના સોનાથી વંચિત કરી!
ભારતીય રિઝર્વ બેંક (RBI) માંથી કરોડોનું ફંડ મળવાની ખોટી વાતો કરીને એક મહિલા સાથે આચરવામાં આવેલા લાખો-કરોડોના ફ્રોડનો પર્દાફાશ થયો છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

બેંગલુરુ, તા.31: બેંગલુરુમાં છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ઢોંગી 'ગુરુજી' અને તેના સહયોગીઓએ મળીને ૪૦ વર્ષીય એક મહિલા સાથે અંદાજે રૂ. ૨.૫ કરોડની છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ મહિલાને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) તરફથી કરોડો રૂપિયાનું ફંડ મળવાનું છે અને જો તેઓ તેમાં રોકાણ કરશે તો તેમને મોટો નફો પરત મળશે. આ લાલચમાં આવીને પીડિત મહિલાએ પોતાનું ઘર સુદ્ધા વેચી નાખ્યું હતું અને પોતાની જીવનભરની મૂડી ગુમાવી દીધી હતી.
મળેલી માહિતી મુજબ, પીડિતાને પહેલા ઘરના ધિરાણ અને અન્ય વ્યવસાયિક બાબતોમાં ફસાવવામાં આવી હતી. ત્યારબાદ પરિવારમાં બનેલી દુર્ઘટના અને ઘરમાં નકારાત્મક ઊર્જા હોવાનું કહીને અફસર પાશા ઉર્ફે ગુરુજી (મુનવર અલી શાહ) નામના ઢોંગી બાવાને મેદાને લાવવામાં આવ્યો હતો. આ ઠગાઈ કરનાર બાવાએ ઘરમાં પૂજા-વિધિના નામે પહેલા હજારો રૂપિયા પડાવ્યા અને પછી આરબીઆઈના નામે નકલી પ્રમાણપત્રો અને ફોટોગ્રાફ્સ બતાવીને રૂ. ૫૦૫ કરોડના ફંડની મોટી વાર્તા ઘડી કાઢી હતી.
ઘર વેચીને ગુરુજીને સોંપી દીધા નાણાં: આરોપીઓએ મહિલાને એવું વચન આપ્યું હતું કે જો તે તેમને અત્યારે રૂ. ૨.૫ કરોડ આપશે, તો આરબીઆઈનું ફંડ રિલીઝ થતાં જ તેને બદલામાં રૂ. ૧૦ કરોડ પરત મળશે. આ નકલી દસ્તાવેજો અને વાતોમાં ભોળવાઈને મહિલાએ પોતાનું મકાન રૂ. ૮.૫ કરોડમાં વેચી નાખ્યું અને હપ્તાવાર રૂ. ૨ કરોડ રોકડા તેમજ આશરે રૂ. ૫૦ લાખની કિંમતનું સોનાનું જ્વેલરી તે ઢોંગીઓને સોંપી દીધી.
જ્યારે મહિલાએ પોતાની રકમ અને સોનું પાછું માંગ્યું ત્યારે આરોપીઓએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને ઊલટાનું કોઈ પુરાવા ન હોવાનું કહીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યા. આ મામલે બેંગલુરુની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) પોલીસ દ્વારા ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા આ ઢોંગી ગુરુજી અને તેના સાથીદારોની શોધખોળ સઘન બનાવી દેવામાં આવી છે.
(5:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
