News of Wednesday, 11th November 2026
દિલ્હીમાં ૧૫.૪૫ લાખ રેશનકાર્ડધારક પરિવારોને મફત LPG સિલિન્ડરની ભેટ, રૂ. ૧૪૧.૮૮ કરોડ સીધા ખાતામાં જમા
દિવાળી પર્વે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ DBT મારફતે લાભાર્થીઓના બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર કર્યા, તહેવારોમાં મોંઘવારીનો બોજ ઘટાડવા સરકારનો મોટો નિર્ણય

નવી દિલ્હી : દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે દિલ્હી સરકારે રાજ્યના આશરે ૧૫ લાખથી વધુ રેશનકાર્ડધારક પરિવારોને મોટી નાણાકીય રાહત આપતા LPG સિલિન્ડર માટે આર્થિક સહાય પૂરી પાડી છે. મંગળવારે તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) પ્રણાલી મારફતે કુલ ૧૫,૪૫,૯૯૪ પરિવારોના બેંક ખાતામાં રૂ. ૧૪૧.૮૮ કરોડની રકમ સીધી ટ્રાન્સફર કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ અનેક લાભાર્થીઓને પ્રતીકાત્મક ચેક અર્પણ કરીને તહેવારોની શુભકામનાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકારે હોળી અને દિવાળીના તહેવારો પર રેશનકાર્ડધારક પરિવારોને એલપીજી સિલિન્ડર માટે નાણાકીય સહાય આપવાનું વચન આપ્યું હતું, જે આજે પૂર્ણ થયું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારોની મોસમ દરમિયાન સામાન્ય પરિવારોને આર્થિક ટેકો આપવાનો અને ઘરગથ્થુ ખર્ચનો બોજ હળવો કરવાનો છે. સરકાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે યોજનામાં પૂર્ણ પારદર્શિતા જાળવવા માટે રેશનકાર્ડની વિગતો ચકાસીને તેમજ ડેટા મેચ કરીને જ બેવડી ડિલિવરી રોકવા માટે કડક ઓડિટ પ્રક્રિયા અપનાવવામાં આવી છે.
નાણાકીય સહાયની વિગતો મુજબ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ આવરી લેવાયેલા ૧,૨૪,૯૬૪ પરિવારોને પ્રતિ પરિવાર ₹૬૪૨ ચૂકવવામાં આવ્યા છે, જ્યારે નોન-ઉજ્જવલા શ્રેણીના ૧૪,૨૧,૦૩૦ રેશનકાર્ડ ધારક પરિવારોને ₹૯૪૨ ની સહાય આપવામાં આવી છે. આ તમામ રકમ સીધી પરિવારના વડાના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં સાંસદ બાંસુરી સ્વરાજ, કેબિનેટ મંત્રી મનજિન્દર સિંહ સિરસા અને ધારાસભ્યો અભય વર્મા, જીતેન્દ્ર મહાજન, કુલદીપ સોલંકી તેમજ ચંદન ચૌધરી સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખાદ્ય પુરવઠા મંત્રી મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું હતું કે આ યોજનાનો પ્રાથમિક હેતુ મોંઘવારીના આ સમયમાં ગૃહિણીઓની બચતમાં વધારો કરવાનો અને પરિવારોમાં સમૃદ્ધિ લાવવાનો છે. અગાઉ હોળીના પર્વ પર પણ પાત્ર પરિવારોને આ લાભ આપવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ રાજ્ય સરકાર દ્વારા આવી જનકલ્યાણકારી યોજનાઓનું મોનિટરિંગ કરીને તમામ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો સુધી સરકારી સહાય ઝડપથી પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
(9:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
