<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ફૂડ સેફ્ટી કમિશનર તુકારામ મુંડેની કડક કાર્યવાહીને FSSAIનું સમર્થન: "આ કોઈ સજાનું પોસ્ટિંગ નથી, જનહિત માટે ઉત્તમ કામગીરી છે"

બોમ્બે હાઈકોર્ટની લાલ આંખ વચ્ચે કેન્દ્રીય ખાદ્ય નિયમનકારે મહારાષ્ટ્ર FDA ના વખાણ કર્યા; મર્યાદિત સ્ટાફ છતાં જો દ્રઢ ઇચ્છાશક્તિ હોય તો ઉત્કૃષ્ટ પરિણામો લાવી શકાતા હોવાનો દાવો

મુંબઈ, : મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના કમિશનર તુકારામ મુંડે દ્વારા ખાદ્ય સુરક્ષાના નિયમોના કડક અમલીકરણ માટે ચલાવવામાં આવી રહેલા સઘન અભિયાનને હવે દેશના ટોચના ફૂડ રેગ્યુલેટર તરફથી મોટું સમર્થન મળ્યું છે. 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા' (FSSAI) ના CEO રજિત પુન્હાનીએ સ્પષ્ટ કર્યું છે કે તુકારામ મુંડેની આ કાર્યવાહી કોઈ 'સજા રૂપે થયેલી બદલી' નથી, પરંતુ તેમણે સાબિત કરી દીધું છે કે પૂરતો સ્ટાફ ન હોવા છતાં પણ જો દ્રઢ ઇચ્છાશક્તિ હોય તો મોટું પરિણામ લાવી શકાય છે.

 

મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં રેસ્ટોરાં, ખાદ્ય વ્યવસાયો અને વેરહાઉસ પર ધામા નાખીને હજારો નિરીક્ષણો અને સેંકડો લાયસન્સ સસ્પેન્ડ કરવાની તુકારામ મુંડેની શૈલીની પ્રશંસા કરતા FSSAI ના CEOએ જણાવ્યું કે, પરંપરાગત રીતે ખાદ્ય સુરક્ષા વિભાગને આરોગ્ય ક્ષેત્ર જેટલું મહત્વ આપવામાં આવતું ન હતું અને અધિકારીઓ આ પદ સંભાળવામાં અચકાતા હતા. તેમણે ઉમેર્યું કે દરેક રાજ્યમાં અલગ અને સમર્પિત ખાદ્ય સુરક્ષા કમિશનર હોવું અનિવાર્ય છે.

 

કોર્ટની ટીકાઓ સામે કેન્દ્રીય સમર્થન

 

ઉલ્લેખનીય છે કે, તુકારામ મુંડેની આ કાર્યવાહી સામે અગાઉ બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવતા તેમના અભિગમની ટીકા કરી હતી અને તેને "તલવારથી મચ્છર મારવા" સમાન ગણાવ્યું હતું. અદાલતે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના એકાએક વ્યાપારી સંસ્થાઓ બંધ કરવા સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ વિવાદો વચ્ચે FSSAI ચીફનું આ નિવેદન ખાદ્ય સુરક્ષાના કડક અમલીકરણ અને ન્યાયિક પ્રક્રિયા વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે.

(7:56 PM IST)