News of Thursday, 24th September 2026
સુપ્રીમ કોર્ટની ચબુક વાગતાં જ FSSAI હરકતમાં: પેકેજ્ડ ફૂડ પર હવે છપાશે મોટું 'રેડ એલર્ટ' ચેતવણી લેબલ
હવે ગ્રાહકોને છેતરી નહીં શકે કંપનીઓ : ખાંડ, મીઠું, ચરબી અને આર્ટિફિશિયલ સ્વીટનર વધારે હશે તો ગ્રાહકોને ફ્રન્ટ પેજ પર જ સ્પષ્ટ સંકેત મળશે

નવી દિલ્હી: દેશભરમાં પ્રોસેસ્ડ ફૂડ અને જંક ફૂડ ખાવાના વધતા ક્રેઝ વચ્ચે સુપ્રીમ કોર્ટે નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ભારે ઝાટકણી બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) આખરે હરકતમાં આવી છે અને પેકેજ્ડ ખોરાક માટે કડક નિયમો લાગુ કરવા તૈયારી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા પોતાના તાજેતરના અહેવાલમાં FSSAI એ સ્પષ્ટ કર્યું છે કે હવે પેકેજ્ડ ફૂડના ફ્રન્ટ પેજ પર જ વધુ પડતી ખાંડ, મીઠું, ચરબી અને આર્ટિફિશિયલ સ્વીટનર્સ અંગે સ્પષ્ટ અને મોટી ચેતવણી આપવી ફરજિયાત બનશે.
સુપ્રીમ કોર્ટે અગાઉ FSSAI ની ઢીલી નીતિ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે કોઈ રમત રમી શકાય નહીં. અદાલતે સવાલ ઉઠાવ્યો હતો કે માત્ર બે કે તેથી વધુ હાનિકારક તત્વો હોય ત્યારે જ ચેતવણી કેમ, જો કોઈ એક તત્વ (જેમ કે માત્ર ખાંડ કે મીઠું) પણ નિર્ધારિત મર્યાદાથી વધુ હોય તો પણ ગ્રાહકને ફ્રન્ટ પેક પર જ ચેતવણી મળવી જોઈએ. આ કડક વલણને પગલે FSSAI એ પોતાના અગાઉના બે તબક્કાના પ્રસ્તાવને બદલે એક જ તબક્કામાં સમગ્ર દેશમાં આ નિયમ લાગુ કરવાનો નિર્ણય સ્વીકારી લીધો છે. આ માટે આગામી ચાર મહિનામાં આખરી મુસદ્દો તૈયાર કરી દેવાશે અને ફૂડ ઓપરેટરોને પેકેજિંગ બદલવા માટે ૩૬૫ દિવસનો સમય આપવામાં આવશે.
નવા નિયમો મુજબ, હવેથી જો કોઈ પ્રોડક્ટમાં બિન-કેલરી કે કૃત્રિમ સ્વીટનર હશે તો પેકેટના આગળના ભાગે "CONTAIN NON CALORIC SWEETENER" જેવી સ્પષ્ટ ચેતવણી છાપવી પડશે. અત્યાર સુધી કંપનીઓ આવી મહત્વની માહિતી પેકેટની પાછળ ખૂબ જ ઝીણા અક્ષરોમાં છુપાવી દેતી હતી, જેને ગ્રાહકો વાંચી શકતા નહોતા. આ ઉપરાંત, શાકાહારી અને માંસાહારીના પ્રતીકો પણ ગ્રાહક દૂરથી ઓળખી શકે તે રીતે કદ અને રંગમાં વધુ સ્પષ્ટ અને અલગ બનાવવામાં આવશે. FSSAI એ કોર્ટ સમક્ષ કુદરતી ખાંડ (જેમ કે દૂધ અને ફળોમાં રહેલી) અને ઉપરથી ઉમેરેલી પ્રોસેસ્ડ શુગર વચ્ચેનો તફાવત વર્ગીકૃત કરવાની મુશ્કેલી પણ રજૂ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે જાહેર આરોગ્ય સાથે કોઈ સમાધાન શક્ય નથી.
આ સાથે જ શાળાઓના બાળકો માટે પણ આહાર સુરક્ષાના નિયમો કડક બનાવવાની યોજના છે. વર્ષ ૨૦૨૦ ના 'ઈટ રાઈટ સ્કૂલ' ઝુંબેશ હેઠળ તમામ શાળાઓને FSSAI પ્રમાણપત્ર મેળવવા માટે પ્રોત્સાહિત કરાશે, જેથી બાળકોને શાળાના કેન્ટીન કે પરિસરમાં પૌષ્ટિક અને સલામત ખોરાક જ મળે. FSSAI ના આ નવા કડક વલણથી હવે બજારમાં મળતા ચિપ્સ, કોલ્ડ્રિંક્સ, બિસ્કિટ અને સ્નેક્સ બનાવતી મોટી બ્રાન્ડ્સ અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી પર ગ્રાહકોને ગેરમાર્ગે દોરવા બદલ મોટી રોક લાગશે.
(12:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
