<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 17th May 2026

ઈંધણના ભડકાથી મુસાફરોના ખિસ્સા ખાલી: ઓનલાઈન ટેક્સી અને રિક્ષાચાલકોએ મનસ્વી રીતે ભાડું વધારતા જનતા ત્રાસી

મિડલ ઈસ્ટની કટોકટી વચ્ચે સીએનજીના ભાવ આસમાને પહોંચતા મધ્યમ વર્ગ અને નોકરિયાતોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાયું; સત્તાવાર મંજૂરી વિના જ વસૂલાતું વધુ ભાડું

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય સ્તરે ભભૂકેલી યુદ્ધની ચિનગારીની સીધી અને આકરી અસર હવે સ્થાનિક સ્તરે સામાન્ય નાગરિકોના ખિસ્સા પર દેખાવા લાગી છે. મિડલ ઈસ્ટમાં સર્જાયેલી અશાંતિના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ અને ગેસના ભાવો ભડકે બળી રહ્યા છે, જેના પગલે સ્થાનિક સ્તરે પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજી ગેસના ભાવમાં પણ મોટો ઝીંકી દેવાયો છે. ઈંધણના આ અસહ્ય ભાવવધારાએ શહેરના જાહેર પરિવહન વ્યવસ્થાની કમર તોડી નાખી છે, જેના કારણે રોજિંદી મુસાફરી કરતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

સ્થાનિક સ્તરે સીએનજીના ભાવમાં થયેલા આ તોતિંગ વધારાના કારણે ઓટો રિક્ષાની મુસાફરી અંદાજે 15થી 20 ટકા જેટલી મોંઘીદાટ બની ગઈ છે. ચાલુ વર્ષની શરૂઆતમાં જે સીએનજી ગેસ પ્રતિ કિલો 82 રૂપિયાના ભાવે મળતો હતો, તેના ભાવમાં એપ્રિલ અને મે મહિનામાં ઉપરાઉપરી બે વખત વધારો ઝીંકવામાં આવ્યો છે. આ ડબલ ઝટકાના કારણે હાલમાં સીએનજીનો ભાવ પ્રતિ કિલો 86 રૂપિયાને પાર પહોંચી ગયો છે, જેની સીધી આડઅસર રિક્ષા ભાડા પર પડી છે.

શહેરી વિસ્તારમાં ટૂંકા અને લાંબા અંતરની મુસાફરી માટે રિક્ષાચાલકો દ્વારા વસૂલવામાં આવતા ભાડામાં ધરખમ ફેરફાર જોવા મળી રહ્યો છે. માત્ર એક મહિના અગાઉ જે ચોક્કસ અંતર કાપવા માટે મુસાફરોએ 30 રૂપિયા ચૂકવવા પડતા હતા, તેના માટે હવે 35થી 40 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી રહ્યો છે. આટલું જ નહીં, સામાન્ય નાગરિકોની સુવિધા માટે દોડતી ઓનલાઈન એપ આધારિત ટેક્સી બુકિંગ કંપનીઓએ પણ પોતાના બેઝ ભાડામાં 5થી 10 રૂપિયાનો સ્ટીકર વધારો લાગુ કરી દીધો છે.

આ અણધાર્યા અને આકરા ભાવવધારાના કારણે રોજ સવારે ઓફિસે જતા નોકરિયાતો, મધ્યમ વર્ગના પરિવારો અને શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓનું માસિક બજેટ સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ટૂંકા અંતર માટે પણ આટલું ઊંચું ભાડું ચૂકવવું આ વર્ગ માટે બિલકુલ પરવડે તેમ નથી. તેમ છતાં, શહેરમાં પરિવહનનો અન્ય કોઈ સસ્તો કે યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ ન હોવાના કારણે નાગરિકો અત્યંત લાચાર બનીને મન માગી રકમ ચૂકવવા મજબૂર બન્યા છે.

બીજી તરફ, ઓટો રિક્ષાચાલક વેલ્ફેર એસોસિએશનના હોદ્દેદારો આ મામલે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવી રહ્યા છે કે વાહનવ્યવહાર વિભાગના નિયમ મુજબ દર વર્ષે રિક્ષા ભાડાની સમીક્ષા કરવી અનિવાર્ય હોય છે. જોકે, વર્ષ 2022 પછી તંત્ર દ્વારા ભાડા સુધારણા અંગે કોઈ જ સત્તાવાર રિવ્યુ કરવામાં આવ્યો નથી. તેની સામે સીએનજી ગેસના ભાવ, વાહનોના સ્પેરપાર્ટ્સ, ટાયર અને સરકારી પાર્સિંગ તેમજ ફિટનેસ ફીમાં બમણો વધારો થઈ ગયો હોવાથી રિક્ષાચાલકો માટે આજીવિકા રળવી અશક્ય બની ગઈ છે.

પરિવહન સંગઠનો દ્વારા ભાડામાં સત્તાવાર વધારો કરવા માટે સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆતોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. જોકે, વહીવટી તંત્ર તરફથી હજુ સુધી રિક્ષા ભાડામાં વધારો કરવા અંગે કોઈ સત્તાવાર લીલી ઝંડી આપવામાં આવી નથી. આમ છતાં, રિક્ષાચાલકો અને ખાનગી કેબ ઓપરેટરો મોંઘવારીનો હવાલો આપીને મુસાફરો પાસેથી સરેરાશ વધુ ભાડું વસૂલી રહ્યા છે, જેના કારણે રસ્તાઓ પર મુસાફરો અને ચાલકો વચ્ચે રોજબરોજ ઘર્ષણના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે.

(10:58 AM IST)