<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

૨૬ કરોડ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: APAAR ID માટે વાલીઓની સંમતિ વગર શાળાઓ મનમાની નહીં કરી શકે!

સીજેઆઈ સૂર્યકાંતની બેન્ચે ઓડિશા હાઈકોર્ટના આદેશને સમગ્ર દેશમાં લાગુ કર્યો: આઈડી વગર પ્રવેશ કે બોર્ડ પરીક્ષા રોકનારી શાળાઓ સામે લાલ આંખ

નવી દિલ્હી : દેશભરના ૨૬ કરોડથી વધુ શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ આદેશ જારી કર્યો છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ત્રણ જજની બેન્ચે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ શાળાના બાળકો માટે 'APAAR ID' (ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી) ના વાલી સંમતિ ફોર્મમાં તાત્કાલિક ફેરફાર કરવો પડશે. હવેથી કોઈ પણ શાળા વાલીઓની મંજૂરી વગર બાળકનું APAAR કાર્ડ બનાવવા માટે દબાણ કરી શકશે નહીં.

સુપ્રીમ કોર્ટે ઓડિશા હાઈકોર્ટના ડિસેમ્બર ૨૦૨૫ ના નિર્દેશને હવે સમગ્ર દેશમાં સમાન રીતે લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

શું છે APAAR ID અને કેમ ઊભો થયો વિવાદ?

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ હેઠળ શિક્ષણ મંત્રાલય દ્વારા 'વન નેશન, વન સ્ટુડન્ટ' પહલ અંતર્ગત APAAR યોજના શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત દરેક વિદ્યાર્થીને ૧૨-અંકનો યુનિક ડિજિટલ ID નંબર આપવામાં આવે છે, જેમાં બાળકના જન્મથી લઈને શૈક્ષણિક રેકોર્ડ અને શારીરિક વિગતો ડિજિટલી સ્ટોર થાય છે.

સરકારે તેને વૈકલ્પિક ગણાવી હતી, પરંતુ અનેક શાળાઓ આ આઈડી વગર વિદ્યાર્થીઓને એડમિશન, બોર્ડ પરીક્ષાનું રજીસ્ટ્રેશન કે માર્કશીટ આપવાનો ઇનકાર કરીને વાલીઓ પર દબાણ બનાવી રહી હતી. વાલીઓએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવીને દલીલ કરી હતી કે "શિક્ષણ એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર છે અને તેને કોઈ પણ ડિજિટલ ઓળખ કે આધાર સાથે ફરજિયાત લિંક કરી શકાય નહીં."

શરૂઆતમાં જ 'ના' કહેવાનો વાલીઓને સાર્વભૌમ અધિકાર

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે પ્રક્રિયા પૂર્ણ થયા પછી સંમતિ પાછી ખેંચવાને બદલે વાલીઓને શરૂઆતમાં જ નોંધણીનો ઇનકાર કરવાનો પૂર્ણ અધિકાર છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે શાળાના રજિસ્ટ્રી નિયમો 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) એક્ટ, ૨૦૨૩' નું સંપૂર્ણ પાલન કરતા હોવા જોઈએ. હવે આઈડીના અભાવે કોઈ પણ બાળકને શિક્ષણથી વંચિત રાખી શકાશે નહીં.

ડેટા લીક અને પ્રાઈવસી અંગે ગંભીર ચિંતા

શિક્ષણ મંત્રાલયના આંકડા મુજબ અત્યાર સુધીમાં ૨૬.૩૫ કરોડ વિદ્યાર્થીઓએ APAAR ID માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. પરંતુ નિષ્ણાતો અને વાલીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે બાળકોનો આટલો વિશાળ ડિજિટલ ડેટા એક જ જગ્યાએ સંગ્રહિત થવાથી ડેટા લીક થવાનું જોખમ રહે છે. સુપ્રીમ કોર્ટે પણ ટાંક્યું હતું કે કોઈપણ સરકારી કે ડિજિટલ યોજના માત્ર ત્યારે જ સાર્થક ગણાય જ્યારે તે નાગરિકોની ગોપનીયતા, પ્રાઈવસી અને કાયદાનું સન્માન કરે.

(8:43 PM IST)