News of Friday, 31st July 2026
નકલી પાસપોર્ટ કેસમાં ગેંગસ્ટર છોટા રાજનને ૭ વર્ષની સજા
૨૨ વર્ષની લાંબી કાનૂની લડાઈ પછી રાજનને દોષિત ઠેરવવામાં સફળતા : દોષિત છોટા રાજન હાલમાં નવી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, જ્યાં તે પહેલાથી જ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે

નવી દિલ્હી,તા.૩૧: ચેન્નઈની એક ખાસ સીબીઆઈ કોર્ટે ગેંગસ્ટર છોટા રાજનને નકલી દસ્તાવેજોના આધાર પર પાસપોર્ટ મેળવવા બદલ સાત વર્ષની જેલની સજા ફટકારી છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. એજન્સીને ૨૨ વર્ષની લાંબી કાનૂની લડાઈ પછી રાજનને દોષિત ઠેરવવામાં સફળતા મળી છે.
રાજને સ્કૂલના ટ્રાન્સફર સર્ટિફિકેટ, રાશન કાર્ડ વગેરે જેવા ખોટા દસ્તાવેજો બનાવીને ‘વિજયા કદમ' તરીકે ઓળખ મેળવી હતી. સીબીઆઈના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે દોષિત છોટા રાજન હાલમાં નવી દિલ્હીની તિહાર જેલમાં બંધ છે, જ્યાં તે પહેલાથી જ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
એજન્સીએ ૧૯, માર્ચ ૨૦૦૨ના એફઆઈઆર દાખલ કર્યા બાદ તપાસ શરૂ કરી હતી. આરોપ હતો કે આરોપીએ નકલી દસ્તાવેજો રજૂ કરીને પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી અને તે રીતે પ્રાદેશિક પાસપોર્ટ ઓફિસ ચેન્નઈ સાથે છેતરપિડી કરી હતી.
પ્રવક્તાએ કહ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું કે આરોપી છોટા રાજને ખોટા દસ્તાવેજો રજૂ કરીને વિજયા કદમના નામે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી હતી. એવું પણ જાણવા મળ્યું કે વિજયા કદમનું સાચું નામ રાજેન્દ્ર ઉર્ફે નાના ઉર્ફે છોટા રાજન હતું જે મુંબઈના રહેવાસી સદાશિવનો પુત્ર હતો. સીબીઆઈએ ૨૨ જાન્યુઆરી, ૨૦૦૪ના રોજ રાજન સામે બે વર્ષમાં તેની ચાર્જશીટ દાખલ કરી હતી.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
