News of Thursday, 30th April 2026
ગરવી ગુજરાત” એ માત્ર શબ્દ નથી, પરંતુ આપણા સંસ્કાર, સંકલ્પ અને સમૃદ્ધિનું પ્રતીક :અમિતભાઇ શાહ
ખેડૂત હોય કે ઉદ્યોગપતિ, યુવા હોય કે મહિલા – દરેકે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ આપીને રાજ્યને વિકાસના શિખરે પહોંચાડ્યું :૧ મે ગુજરાત સ્થાપના દિનની સમગ્ર ગુજરાતવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે સમગ્ર ગુજરાતવાસીઓને ગુજરાત સ્થાપના દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી
શાહે માત્ર રાજ્યની સ્થાપનાને નહીં, પરંતુ ગુજરાતના દરેક નાગરિકની અવિરત મહેનત, સંઘર્ષ અને સંકલ્પને પણ નમન કરતા કહ્યું હતું કે ગુજરાતની ગૌરવગાથા માત્ર ઈતિહાસના પાનાંઓમાં જ નહીં, પરંતુ વિકાસના દરેક નવા પડાવમાં જીવંત બની રહી છે. “ગરવી ગુજરાત” એ માત્ર શબ્દ નથી, પરંતુ આપણા સંસ્કાર, સંકલ્પ અને સમૃદ્ધિનું પ્રતીક છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલ આ વિકાસ યાત્રામાં ગુજરાતે છેલ્લા ૩૦ વર્ષોમાં વિકાસના નવા આયામો સર કર્યા છે. આ વિકાસયાત્રામાં ભાજપ સરકારના સુશાસનનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. પારદર્શક શાસન, ઝડપી નિર્ણયો, અને જનકલ્યાણ કેન્દ્રિત નીતિઓ દ્વારા રાજ્યમાં વિશ્વાસ અને વિકાસનું વાતાવરણ સર્જાયું છે. રસ્તાઓ, વીજળી, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સુવિધાઓમાં થયેલો વ્યાપક વિકાસ ગુજરાતને દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન અપાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકાર સુશાસનની આ પ્રણાલિકા સુપેરે આગળ ધપાવી રહી છે. નાગરિકોના કલ્યાણ, સુખાકારી અને વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવવા ભાજપા સરકાર હંમેશા પ્રતિબદ્ધતા સાથે કાર્ય કરી રહી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઉદ્યોગ, કૃષિથી લઈને શિક્ષણ, અને ડિજિટલ ઈનોવેશનથી લઈને ગરીબ કલ્યાણ સુધી—ગુજરાત આજે સમગ્ર ભારત માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે.
શાહે ઉમેર્યું હતું છેલ્લા ઘણા દાયકાઓમાં ગુજરાતના વિકાસની ગાથા લખવામાં ગુજરાતવાસીઓનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ખેડૂત હોય કે ઉદ્યોગપતિ, યુવા હોય કે મહિલા – દરેકે પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ આપીને રાજ્યને વિકાસના શિખરે પહોંચાડ્યું છે. ગુજરાતની ઓળખ આજે માત્ર વેપાર-ઉદ્યોગ સુધી સીમિત નથી, પરંતુ શિક્ષણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને નવીનતા ક્ષેત્રે પણ રાજ્ય આગળ વધી રહ્યું છે. વિશ્વસ્તરે ગુજરાતની ઓળખ એક પ્રગતિશીલ, સશક્ત અને આત્મનિર્ભર રાજ્ય તરીકે ઉભરી છે. દરેક ગામમાં વિકાસનું કિરણ અને દરેક નાગરિકના ચહેરા પર વિશ્વાસનો ઝળહળાટ—આ છે આપણા ગુજરાતની સાચી ઓળખ.
શાહે કહ્યું હતું કે આ ગૌરવવંતા દિવસે આપણે સૌ મળીને “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ” ના મંત્ર સાથે નવા ગુજરાતના નિર્માણ માટે પ્રતિબદ્ધ થઈએ અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત સંકલ્પમાં સહયોગી બનીએ. આવનારા સમયમાં પણ વિકાસની આ ગાથા અવિરત ચાલુ રહે તેવી શુભકામનાઓ શાહે અંતમાં પાઠવી હતી.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
