News of Wednesday, 30th September 2026
અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવું મોંઘું થયું: EB-5 ઇન્વેસ્ટર પ્રોગ્રામની ફીમાં મસમોટો વધારો; ભારતીય ઉદ્યોગસાહસિકોને પડશે મોટો ફટકો!
૩૦ નવેમ્બરથી અમલી બનશે નવા દર; ફોર્મ I-526 અને પ્રાદેશિક કેન્દ્રોની અરજી ફી બમણા કરતાં પણ વધુ વધારી દેવાતાં અમેરિકી સ્વપ્ન વધુ મોંઘું બન્યું

વોશિંગ્ટન : રોકાણ મારફતે અમેરિકામાં કાયમી નિવાસનો દરજ્જો (ગ્રીન કાર્ડ) મેળવવા ઈચ્છતા ભારતીયો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. અમેરિકાના સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) દ્વારા ‘EB-5 ઇમિગ્રન્ટ ઇન્વેસ્ટર પ્રોગ્રામ’ માટેની વિવિધ અરજી ફીમાં નોંધપાત્ર અને મોટો વધારો કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. નવા ફી નિયમો આગામી ૩૦ નવેમ્બરથી અમલમાં આવવાના છે, જેના કારણે અમેરિકામાં બિઝનેસ સેટ કરવા અને પરિવાર સાથે વસવાટ કરવા માંગતા ભારતીય ઉદ્યોગસાહસિકો અને ધનિક પરિવારો પર આર્થિક બોજ વધશે.
ચીનને પાછળ છોડી ભારતીયો સૌથી આગળ
છેલ્લા કેટલાક વર્ષોમાં EB-5 વિઝા માટે અરજી કરનારા ભારતીયોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે અને ભારતે આ મામલે ચીનને પણ પાછળ છોડી દીધું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા ત્રણ વર્ષમાં ૧૨,૯૦૦ ભારતીયોએ EB-5 વિઝા માટે અરજી કરી હતી, જ્યારે તેની સરખામણીએ ચીનમાંથી ૯,૮૭૫ અરજીઓ જ મળી હતી.
અરજી ફોર્મ અને પ્રોસેસિંગ ફીમાં તોતિંગ વધારો
નવા ફી માળખા મુજબ, સ્ટેન્ડઅલોન વ્યક્તિગત રોકાણકારો માટે ફોર્મ I-526 ની ફી $૩,૬૭૫ થી વધારીને $૭,૬૧૫ કરવામાં આવી છે. જ્યારે રીજનલ સેન્ટર (પ્રાદેશિક કેન્દ્રો) મારફતે રોકાણ કરનારાઓ માટે ફોર્મ I-526E ની ફી $૩,૬૭૫ થી વધારીને $૭,૮૫૦ કરી દેવાઈ છે. આ સિવાય પ્રારંભિક અરજીઓ પર $૭૫ ની ટેક્નોલોજી ફી પણ લાગશે. ગ્રીન કાર્ડ પરથી શરતો દૂર કરવા માટે ભરાતા ફોર્મ I-829 ની ફી પણ $૩,૭૫૦ થી વધારીને $૫,૦૦૦ કરાઈ છે.
આ ઉપરાંત પ્રાદેશિક કેન્દ્રો (Regional Centers) માટે ફોર્મ I-956 ની ફી $૧૭,૭૯૫ થી સીધી વધારીને $૪૪,૧૧૫ અને ફોર્મ I-956F માટે ફી $૪૨,૬૭૫ કરી દેવામાં આવી છે. USCIS એ જણાવ્યું છે કે એજન્સી પોતાના કામકાજનો મોટો હિસ્સો પ્રોસેસિંગ ફીમાંથી મેળવે છે, જેના કારણે ફી વધારો જરૂરી બન્યો હતો.
શું છે EB-5 ઇન્વેસ્ટર પ્રોગ્રામ?
EB-5 પ્રોગ્રામ અંતર્ગત વિદેશી રોકાણકારો અમેરિકાના માન્ય વ્યવસાયિક પ્રોજેક્ટમાં રોકાણ કરીને અને ઓછામાં ઓછી ૧૦ પૂર્ણ-સમયની નોકરીઓનું સર્જન કરીને કાયમી નિવાસ માટે પાત્ર બને છે. હાલમાં આ હેઠળ લઘુત્તમ રોકાણ મર્યાદા $૧.૦૫ મિલિયન (આશરે ૮.૭ કરોડ રૂપિયા) છે, જ્યારે ટાર્ગેટેડ એમ્પ્લોયમેન્ટ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં લઘુત્તમ રોકાણ $૮૦૦,૦૦૦ (આશરે ૬.૬ કરોડ રૂપિયા) છે. આ પ્રોગ્રામ દ્વારા રોકાણકાર ઉપરાંત તેના પતિ/પત્ની અને પાત્રતા ધરાવતા બાળકોને પણ ગ્રીન કાર્ડ મળી શકે છે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
