News of Saturday, 27th June 2026
પશ્ચિમ એશિયાના તણાવમાં ઓટ આવતાં હવાઈ ક્ષેત્રે વૈશ્વિક હલચલ: એર ઈન્ડિયા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં કરેલો મોટો કાપ પાછો ખેંચવા સજ્જ
મિડલ-ઈસ્ટના દેશો વચ્ચે સરહદી સંઘર્ષ હળવો થતાં એરસ્પેસ પરના પ્રતિબંધો હટ્યા અને એવિએશન ફ્યુઅલના ભાવ ઘટ્યા: કર્મચારીઓને મોકલેલા આંતરિક સંદેશમાં એરલાઈન્સના સીઈઓ કેમ્પબેલ વિલ્સને વૈશ્વિક ફ્લાઈટ્સની સંખ્યા પુનઃ યથાવત કરવાના આપ્યા સ્પષ્ટ સંકેત

નવી દિલ્હી: ટાટા ગ્રૂપની માલિકીની અગ્રણી વિમાની કંપની એર ઈન્ડિયા આગામી દિવસોમાં વૈશ્વિક રૂટ પર મુસાફરોને મોટી રાહત આપવા જઈ રહી છે. મિડલ-ઈસ્ટ (પશ્ચિમ એશિયા)માં લાંબા સમયથી ચાલી રહેલો ભૌગોલિક-રાજકીય તણાવ અને સૈન્ય સંઘર્ષ હવે ધીમે-ધીમે શાંત થઈ રહ્યો છે, જેને પગલે એર ઈન્ડિયા પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના શિડ્યુલમાં અગાઉ કરાયેલો મોટો ઘટાડો પાછો ખેંચવાની ગંભીરતાથી વિચારણા કરી રહી છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અને મેનેજિંગ ડિરેક્ટર કેમ્પબેલ વિલ્સને એરલાઈન્સના કર્મચારીઓને પાઠવેલા એક વિશેષ આંતરિક સંદેશામાં આ અંગેના સત્તાવાર સંકેતો આપ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પશ્ચિમ એશિયાના દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાવાના કારણે સુરક્ષાના હેતુથી મોટો હવાઈ વિસ્તાર (એરસ્પેસ) બંધ કરી દેવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય કટોકટી અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના બળતણના ભાવોમાં થયેલા અસાધારણ વધારાને કારણે એર ઈન્ડિયાના ઓપરેશનલ ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો હતો. આ પરિસ્થિતિને પહોંચી વળવા અને ફ્લાઈટ્સની વ્યવસ્થિતતા જાળવી રાખવા માટે એર ઈન્ડિયાએ તાજેતરમાં જ પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સંખ્યામાં આશરે ૨૭ ટકા જેટલો મોટો કાપ મૂક્યો હતો. કંપનીએ વિવિધ વૈશ્વિક રૂટ પર અઠવાડિયાની અંદાજે ૩૪૦ જેટલી ફ્લાઈટ્સ સ્થગિત અથવા ઓછી કરી દીધી હતી. જેમાં દિલ્હી-શિકાગો, દિલ્હી-નેવાર્ક અને મુંબઈ-ન્યૂયોર્ક જેવા મહત્વના લાંબા અંતરના રૂટ્સ પર ફ્લાઈટ્સ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી, જ્યારે બેંગકોક, કુઆલાલમ્પુર, ઢાકા અને કોલંબો જેવા એશિયાઈ દેશોના રૂટ પર પણ ફ્લાઈટ્સની સંખ્યા ઘટાડી દેવાઈ હતી.
જો કે, હવે વૈશ્વિક સ્તરે રાજદ્વારી સમજૂતીઓ બાદ સ્થિતિ અંકુશમાં આવી રહી છે. એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું છે કે, મિડલ-ઈસ્ટનો સંઘર્ષ ઓછો થવાના કારણે વૈશ્વિક એવિએશન સેક્ટર માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. પ્રતિબંધિત એરસ્પેસ ફરીથી ખુલી રહી છે અને સૌથી મહત્વની બાબત એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં વિમાનના બળતણ (ઇંધણ)ના ભાવોમાં મોટો ઘટાડો નોંધાયો છે. જો આ હકારાત્મક સ્થિતિ અને સ્થિરતા આગામી દિવસોમાં પણ આવી જ રીતે જળવાઈ રહેશે, તો એર ઈન્ડિયા દ્વારા તાજેતરના મહિનાઓમાં વૈશ્વિક ફ્લાઈટ્સના શિડ્યુલમાં જે કાપ મૂકવામાં આવ્યો હતો તેને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે પાછો ખેંચી લેવામાં આવશે અને તમામ ફ્લાઈટ્સને પુનઃ પૂર્વવત કરી દેવામાં આવશે.
વૈશ્વિક ફ્લાઈટ્સની પુનઃ શરૂઆતની કવાયત વચ્ચે કંપનીએ પોતાના આંતરરાષ્ટ્રીય નેટવર્કના વિસ્તરણની કામગીરી પણ ઝડપી બનાવી છે. એરલાઈન્સ પોતાના કાફલામાં નવા અને આધુનિક ફીચર્સથી સજ્જ એવા બોઇંગ ૭૮૭-૯ ડ્રીમલાઇનર વિમાનોનો ઉમેરો કરી રહી છે, જેનાથી મુસાફરોની સુવિધા અને કેબિન કમ્ફર્ટમાં મોટો સુધારો જોવા મળ્યો છે. મિડલ-ઈસ્ટના તણાવમાં રાહત મળતાની સાથે જ એર ઈન્ડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સની સંખ્યા ફરી વધારવાના આ સંકેતોથી આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરનારા ભારતીય અને વૈશ્વિક મુસાફરોને ટિકિટના દરો અને કનેક્ટિવિટી બંને મોરચે મોટી રાહત મળવાની આશા સેવાઈ રહી છે.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
