<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ગ્લોબલ ટેન્શને ભારતીય શેરબજારનો મૂડ બગાડ્યો: સેન્સેક્સ ૨૫૦ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ ૨૪,૦૦૦ ની સપાટી નીચે સરક્યો!: સેન્સેક્સ ૨૪૯.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬,૪૭૮.૬૭ પર બંધ, જ્યારે નિફ્ટી પણ ૨૭.૯૫ પોઈન્ટ તૂટીને ૨૩,૯૧૮.૩૦ ની સપાટીએ બંધ

યુએસ-ઈરાનની વાટાઘાટોની અનિશ્ચિતતા વચ્ચે આઈટી સ્ટોક્સમાં મોટું ધોવાણ; વિદેશી રોકાણકારોએ એક જ દિવસમાં ₹૧,૩૫૦ કરોડના શેર વેચી માર્યા

મુંબઈ, તા.૩૦: વૈશ્વિક બજારોમાંથી મળી રહેલા નબળા સંકેતો અને ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાના કારણે ભારતીય શેરબજારમાં મંગળવારે ફરી એકવાર મંદીનો માહોલ જોવા મળ્યો હતો. દોહામાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી આગામી રાઉન્ડની વાટાઘાટોને લઈને બજારમાં સર્જાયેલી મૂંઝવણની સીધી અસર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પડી હતી. પરિણામે, શરૂઆતના વેપારથી જ બજાર ગગડ્યું હતું અને દિવસના અંતે બીએસઈ (BSE) સેન્સેક્સ ૨૪૯.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬,૪૭૮.૬૭ પર બંધ થયો હતો. જ્યારે એનએસઈ (NSE) નિફ્ટી પણ ૨૭.૯૫ પોઈન્ટ તૂટીને ૨૩,૯૧૮.૩૦ ની સપાટીએ બંધ રહ્યો હતો.

આઈટી જાયન્ટ્સ અને ટાટા સ્ટીલ ફ્લોપ, મારુતિ-એક્સિસ બચાવમાં આવ્યા

સેન્સેક્સની ટોચની ૩૦ અગ્રણી કંપનીઓમાં આજે મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બજારને નીચે ખેંચવામાં આઈટી સેક્ટરનો મોટો હાથ રહ્યો હતો, જેમાં ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) અને એચસીએલ ટેક (HCL Tech) માં ભારે વેચવાલી જોવા મળી હતી. આ ઉપરાંત ટાટા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલિવર અને એટરનલના શેરો પણ લાલ નિશાન સાથે નુકસાનમાં બંધ રહ્યા હતા.

બીજી તરફ, આ મંદીના માહોલ વચ્ચે પણ મારુતિ સુઝુકી, એક્સિસ બેંક, પાવર ગ્રીડ અને ભારતી એરટેલના શેરોમાં ખરીદારી નીકળતાં બજારને મોટો કડાકો બોલતા બચાવી લીધું હતું.

ગ્લોબલ માર્કેટ મિશ્ર: અમેરિકા ઉછળ્યું, એશિયામાં મિશ્ર પ્રતિસાદ

વૈશ્વિક સ્તરે જોઈએ તો સોમવારે યુએસ શેરબજારો મજબૂતી સાથે રેકોર્ડ હાઈ પર બંધ થયા હતા, જેમાં નાસ્ડેક કમ્પોઝિટ ૨.૦૭ ટકા અને એસએન્ડપી ૫૦૦ ૧.૧૮ ટકા વધ્યા હતા. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી ૨૨૫ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ગ્રીન ઝોનમાં બંધ થયા હતા, જ્યારે હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં ૦.૫૬ ટકાનો નરમાઈ જોવા મળી હતી અને તે પ્રતિ બેરલ $૭૨.૭૪ પર ટ્રેડ થઈ રહ્યું હતું.

વિદેશી રોકાણકારો (FII) ની નબળી પિચ

બજારના સત્તાવાર ડેટા અનુસાર, સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ બજારમાંથી મોટા પાયે નાણાં પાછા ખેંચ્યા હતા. તેમણે બજારમાં ચોખ્ખા વેચવાલી કરી અંદાજે ₹૧,૩૫૦.૧ કરોડના શેર વેચી દીધા હતા, જેના કારણે સ્થાનિક રોકાણકારો પણ આજે સાવચેતીભર્યું વલણ અપનાવતા જોવા મળ્યા હતા.

(3:56 PM IST)