News of Thursday, 4th June 2026
વૈશ્વિક ચેતવણી: અમદાવાદ, નાગપુર અને મદુરાઈ વિશ્વના સૌથી વધુ ગરમીથી સંવેદનશીલ શહેરોમાં સામેલ; ઓક્સફોર્ડના અભ્યાસે જગાવી ચિંતા!
વધતા જતા તાપમાન અને સામાજિક નબળાઈઓના કારણે ભારતીય શહેરો ગરમીના 'હોટસ્પોટ' બન્યા; 50 સૌથી જોખમી શહેરોની યાદીમાં ભારતનું પ્રભુત્વ

લખનૌ, તા. 04 જૂન, 2026: ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક ચોંકાવનારા નવા અભ્યાસે ભારત માટે આબોહવા પરિવર્તનના જોખમો અંગે મોટી ચેતવણી આપી છે. 'સસ્ટેનેબલ સિટીઝ એન્ડ સોસાયટીઝ' જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ, વિશ્વના 10 સૌથી વધુ ગરમીથી સંવેદનશીલ શહેરોમાં ભારતના ત્રણ મહત્વના શહેરો - અમદાવાદ, નાગપુર અને મદુરાઈનો સમાવેશ થાય છે. આ યાદી માત્ર વધતા તાપમાન પર જ નહીં, પરંતુ સામાજિક નબળાઈઓ અને ગરમીનો સામનો કરવાની ક્ષમતા જેવા વિવિધ પરિબળોના આધારે તૈયાર કરવામાં આવી છે.
અમદાવાદનું બીજું અને નાગપુરનું ચોથું સ્થાન
અભ્યાસના આંકડા અત્યંત ગંભીર છે. અમદાવાદને વૈશ્વિક સ્તરે બીજા ક્રમનું સૌથી સંવેદનશીલ શહેર જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે નાગપુર ચોથા અને મદુરાઈ સાતમા ક્રમે છે. નાગપુરની સ્થિતિ ઈરાકના અલ બસરા અને માલીના બામાકો જેવા વિશ્વના સૌથી ગરમ પ્રદેશોની સમકક્ષ છે. આ ઉપરાંત, રાજસ્થાનનું જયપુર પણ વિશ્વના 50 સૌથી જોખમી શહેરોની યાદીમાં સ્થાન પામ્યું છે, જે દર્શાવે છે કે ભારતના મોટાભાગના શહેરી કેન્દ્રો હવે ભયાનક ગરમીના ઝપેટમાં છે.
શા માટે આ શહેરો સંવેદનશીલ છે?
પરંપરાગત અભ્યાસો માત્ર તાપમાન માપે છે, પરંતુ ઓક્સફોર્ડના સંશોધકોએ આ મૂલ્યાંકનમાં ગરીબીનું સ્તર, વય વયજૂથ, ઠંડક માળખા (Cooling Infrastructure) સુધીની પહોંચ અને શહેરી વૃક્ષોના આવરણ (Urban Green Cover) જેવા પરિબળોને પણ ધ્યાનમાં લીધા છે. મુખ્ય લેખક નેથમી જયરત્ને કરિયાવાસમેના જણાવ્યા અનુસાર, એશિયા અને આફ્રિકાના ઘણા શહેરોમાં ગરમીની સાથે સાથે નબળી આર્થિક સ્થિતિ અને મર્યાદિત સંસાધનો જીવલેણ પરિણામો નોતરી શકે છે.
અનુકૂલન અને નિષ્ક્રિય ઠંડક (Passive Cooling) ની તાતી જરૂરિયાત
અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે માત્ર એર કન્ડીશનીંગ પર નિર્ભર રહેવું એ ઉકેલ નથી, કારણ કે તે વધુ ઉર્જા વાપરે છે અને ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે. સંશોધકોએ ભાર આપ્યું છે કે સરકારે હવે લાંબા ગાળાના આયોજન કરવા પડશે. જેમાં શહેરી હરિયાળીમાં વધારો, કુદરતી પવનની અવરજવર માટેના પ્લાનિંગ અને ઓછી ઉર્જા વાપરતી ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ અનિવાર્ય બની ગયો છે.
આ અભ્યાસ સરકારો માટે એક સ્પષ્ટ આદેશ છે કે જ્યાં આબોહવા અનુકૂલન (Climate Adaptation) ના પગલાં સૌથી તાત્કાલિક જરૂરી છે, ત્યાં પ્રાથમિકતાના ધોરણે કામ કરવામાં આવે. આબોહવા પરિવર્તનના આ કપરા કાળમાં, શું આપણા શહેરો આ ગરમીનો સામનો કરવા માટે તૈયાર છે? તે એક મોટો પ્રશ્ન છે.
(7:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
