News of Thursday, 16th July 2026
સોનું ૩૬૦૦૦ રૂપિયા સુધી સસ્તું થઈ ચૂક્યું: હજુ કેટલા તૂટશે ભાવ?
મિડલ ઈસ્ટમાં યુદ્ધ છેડાયું ત્યારબાદ સોનું જે ઓલટાઈમ હાઈ પર પહોંચ્યું હતું તેના કરતાં ઘણું તૂટી ગયું: આજે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો

નવી દિલ્હી,તા.૧૬: સોના અને ચાંદીમાં આજે રથયાત્રાના દિવસે વાયદા બજાર અને રિટેલ બજારમાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ૨૯ જાન્યુઆરીએ સોનું પોતાના સૌથી ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું હતું પરંતુ ત્યારબાદ સોનાના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો તેણે બધાને ચોંકાવી દીધા. મિડલ ઈસ્ટમાં ઘમાસાણના પગલે ક્રૂડ ઓઈલમાં ઉછાળો જોવા મળ્યો. ભાવે તમામ રેકોર્ડ તો તોડ્યા પરંતુ સાથે સાથે સોનાને પછાડતું રહ્યું. સ્થિતિ એવી બની કે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સોનું ૩૬૦૦૦ રૂપિયાથી વધુ તૂટી ચૂક્યું છે. ચાંદીની હાલત તો તેનાથી પણ વધારે ખરાબ છે. ચાંદી પોતાના ઓલટાઈમ હાઈથી ૧.૬૬ લાખ રૂપિયા સુધી તૂટી ચૂકી છે. આ બધા વચ્ચે સોનું ખરીદવા માંગતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે.
જો તમે પણ સોનું ખરીદવાની તૈયારી કરતા હોવ અને મનમાં એ સવાલ છે કે આ વર્ષે સોનાના ભાવ ચડશે કે તૂટશે તો આ સમાચાર તમને ખુબ રાહત આપી શકે છે. સોનાના ભાવ વિશે આવેલા લેટેસ્ટ રિપોર્ટથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આ વર્ષે સોનાના ભાવમાં મોટી તેજી પાછી ફરવાની નથી.
સોનાના ભાવ તૂટી રહ્યા છે. જો કે વચ્ચે વચ્ચે રિકવરી પણ જોવા મળી છે. પરંતુ જાન્યુઆરી ૨૦૨૬વાળા પોતાના ઓલટાઈમ ભાવે સોનું પહોંચે તેવી શક્યતા ખુબ ઓછી છે. વૈશ્વિક બજાર પર નજર રાખતી ફિચ સોલ્યૂશન્સના રિસર્ચ યુનિટ ગ્ત્પ્એ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં સોનાના ભાવ વિશે મોટો દાવો કર્યો છે. પોતાના રિપોર્ટમાં ગ્પ્ત્એ કહ્યું કે વર્ષ ૨૦૨૬ માટે સોનાના ભાવમાં મોટી તેજીની આશા ઓછી છે. સોનાના સરેરાશ ભાવના અનુમાનને પણ તેમણે ઘટાડીને ૪૬૦૦ ડોલરથી ૪૪૦૦ ડોલર પ્રતિ ઔંસ કરી દીધુ છે.
વૈશ્વિક બજારમાં આજે પણ સોનું ૧૯ ડોલર તૂટીને ૪૦૩૭.૩૩ ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું છે. રિપોર્ટમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે સોનું પોતાના રેટથી ૯ ટકા સુધી રિકવરી કરી શકે છે. પરંતુ મોટા ઉછાળાની શક્યતા ઓછી છે. સોનામાંઆ વર્ષની સુસ્તીના ૫ કારણોનો પણ ઉલ્લેખ કરાયો છે.
અમેરિકી ડોલરની વધતી તાકાત સોના માટે મુશ્કેલી વધારી રહ્યું છે. સોનું અને ડોલર એક બીજાથી વિપરિત દિશામાં કામ કરે છે. જ્યારે પણ અમેરિકી ડોલર મજબૂત થાય છે ત્યારે સોનાની માંગણી ઘટવા લાગે છે. કારણ કે બીજી કરન્સીઓનું સોનું ખરીદવું મોંઘુ થાય છે. પોતાના રિપોર્ટમાં BIMએ ડોલર ઈન્ડેક્સ ૯૮ થી ૧૦૨ના દાયરામાં રહેવાનું અનુમાન લગાવ્યું છે. પરંતુ જો તે ચડીને ૧૦૫થી ૧૧૦ સુધી પહોંચે તો સોનાના ભાવમાં વધુ મોટો બ્રેક લાગી શકે છે.
અમેરિકી ફેડરલ રિઝ્વના વ્યાજ દર સોનાની ચાલને નિર્ધારિત કરે છે. જો ફેડરલ રિઝર્વ મોંઘવારી કાબૂમાં લાવવા માટે વ્યાજ દર વધારે તો સોનામાં બ્રેક લાગી શકે છે. સોનું પોતાના રોકાણકારોને કોઈ વ્યાજ કે ડિવિડન્ડ આપતું નથી એટલે રોકાણકારો સોનાથી પછી દૂર ભાગે છે.
વૈશ્વિક બજાર હાલ જિયોપોલિટિકલ તણાવના કારણે ડરેલું હતું. બજારમાં અસ્થિરતા છે. પરંતુ જે રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે ફરીથી સ્થિતિ સંભળવા લાગી છે રોકાણકારો સોના જેવા સુરક્ષિત રોકાણને છોડીને શેર બજારમાં જવા લાગ્યા છે. આવામાં સોના પ્રત્યે આકર્ષણ અને માંગણી ઘટવા લાગે છે. જેની અસર ભાવ પર પડે.
ગત વર્ષે વૈશ્વિક તણાવ વચ્ચે સોનું ખુબ ચડ્યું હતું. પરંતુ આ વર્ષે સ્થિતિ બદલાઈ છે. પોતાના રિપોર્ટમાં ગ્ત્પ્એ કહ્યું કે ખાડી યુદ્ધમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સહમતિ બનવાથી સોનાને મળનારો સેફ હેવનનો સપોર્ટ પણ નબળો પડી શકે છે. હોર્મુઝનો રસ્તો ખુલવાથી સોનાની માંગ ઘટશે. ક્રૂડ ઓઈલના ભાવ પણ ઘટશે. જેનાથી મોંઘવારી ઘટશે. મોંઘવારી ઘટવાથી સોનાની માંગ પણ ઘટી શકે છે.
BIM રિપોર્ટમાં ૨૦૨૬માં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો ગ્રોથ ૨.૪ ટકા રહેવાનું અનુમાન છે. જે મુજબ અમેરિકા ઈરાન વચ્ચે સમજૂતિ થવાથી વૈશ્વિક કારોબાર અને એનર્જી સપ્લાયનું ટેન્શન ઘટશે. ગ્લોબલ ઈકોનોમીમાં સ્થિરતા આવવાથી રોકાણકારો સોના બાદ શેરબજાર જેવા જોખમવાળા એસેટ્સમાં સારા રિટર્ન માટે આગળ વધશે જેનાથી સોના પર દબાણ વધશે.
જો કે તેનો અર્થ એ નથી કે સોનું ક્રેશ થશે કે સોનાના ભાવમાં મોટો કડાકો આવશે. દુનિયાભરની કેન્દ્રીય બેંકો તરફથી ચાલુ સોનાની ખરીદી સોનાના ભાવને સંભાળી રહી છે. ચીન, પોલેન્ડ, ભારત સહિત અનેક દેશોની કેન્દ્રીય બેંકો સોનાના ભંડારને વધારવા માટે સતત ખરીદી કરી રહી છે.
IBJAના ખુલતા ભાવ મુજબ ૯૯૯ પ્યોરિટીવાળું ૧૦ ગ્રામ શુદ્ધ સોનું આજે ઘટાડા બાદ ૧૪૧૭૧૩ રૂપિયાના સ્તરે છે જે કાલે ૧૪૧૭૭૦ રૂપિયા પર બંધ થયું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવ આજે ૨૨૦૩૯૧ રૂપિયા પર ખુલ્યા છે જે કાલે ૨૨૦૩૯૧ પર જ બંધ થયા હતા.
કેરેટ પ્રમાણે એક ગ્રામ સોનાનો ભાવ
સોનું (કેરેટમાં) સોનાનો ભાવ (એક ગ્રામ પ્રમાણે) રૂપિયામાં
૨૪ કેરેટ (ફાઈન ગોલ્ડ ૯૯૯) ૧૪૧૭૧
૨૨ કેરેટ ૧૩૮૩૧
૨૦ કેરેટ ૧૨૬૧૩
૧૮ કેરેટ ૧૧૪૭૯
૧૪ કેરેટ ૯૧૪૦
એક કિલો શુદ્ધ ચાંદી ૨૧૮૪૮૫
MCX પર ૫ ઓગસ્ટના વાયદાવાળું ૧૦ ગ્રામ સોનું ૦.૪૭ ટકા તૂટીને ૧૪૧૧૮૦ રૂપિયા અને ૪ સપ્ટેમ્બરના વાયદાવાળી એક કિલો ચાંદી ૦.૮૯ ટકા તૂટીને ૨૧૮૬૫૦ રૂપિયા પર જોવા મળી છે.
૨૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સોનું પોતાના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું. સોનાનો ભાવ ૧.૭૬ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર પહોંચી ચૂક્યો હતો. ચાંદીનો ભાવ ૩.૮૬ લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો હતો. એટલે કે સોનું પોતાના ઓલટાઈમ હાઈથી લગભગ ૩૬૦૦૦ રૂપિયા અને ચાંદી ૧.૬૬ લાખ રૂપિયા તૂટીને ૨.૨૦ લાખ રૂપિયા પહોંચી ગઈ.
(2:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
