<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

સોનાના ભાવ ઘટીને અડધા થઈ જશે એવી નિષ્‍ણોતાની આગાહી

સોનું ખરીદતાં પહેલાં વિચારોઃ ટેક-ઈન્‍ડિકેટર્સે આંતરરાષ્ટ્રીય બજારમાં આ વર્ષના અંત સુધીમાં સોનું $૨,૭૮૦ના સ્‍તર સુધી એટલે કે જાન્‍યુઆરીના હાઈથી લગભગ ૫૦% નીચે જવાની આશંકા વ્‍યક્‍ત કરી છે : સોનામાં ૫૦ ટકા સુધીના ઘટાડા પાછળ નિષ્‍ણાતો ૧૯૮૦ અને વર્ષ ૨૦૧૨-૧૩નો હવાલો આપી રહ્યા છે

નવી દિલ્‍હી,તા.૨૧: સોનાને લઈને અનેક પ્રકારની વાતો ચાલી રહી છે. ઈરાન અને અમેરિકા વચ્‍ચે યુદ્ધની સંભાવના વધી ગઇ છે. ભારતીયો માટે સોનું સંકટ સમયની સાંકળ છે. સંકટના સમયે લોકો સોનામાં રોકાણ કરે છે. પરંતુ હાલ સોનાની કિમતોમાં દબાણ જોવા મળી રહ્યું છે. સોનાનો ભાવ આ જ વર્ષે જાન્‍યુઆરીમાં ૧.૯૧ લાખ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી પહોંચી ગયો હતો, જે ઓલ ટાઈમ હાઈ છે.

જાન્‍યુઆરીમાં ઓલ ટાઈમ હાઈ પછી સોનું ૨૫% થી વધુ ગગડી ચૂક્‍યું છે. હાલ ૧૦ ગ્રામ ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧.૪૧ લાખ રૂપિયાની આસપાસ છે. આ દરમિયાન સોનાને લઈને તમામ નિષ્‍ણાતો બુલિશ નથી. કેટલાક નિષ્‍ણાતો મોટા ઘટાડાની આશંકા વ્‍યક્‍ત કરી રહ્યા છે. આવા સમયે રોકાણકારોને સમજાતું નથી કે આગળ સોનાની ચાલ કેવી રહેવાની છે.

ટેક-ઈન્‍ડિકેટર્સે આંતરરાષ્ટ્રીય બજારમાં આ વર્ષના અંત સુધીમાં સોનું $૨,૭૮૦ના સ્‍તર સુધી એટલે કે જાન્‍યુઆરીના હાઈથી લગભગ ૫૦% નીચે જવાની આશંકા વ્‍યક્‍ત કરી છે. પરંતુ મોટા નિષ્‍ણાતો ખાસ કરીને Goldman Sachs અને J.P. Morganનું કહેવું છે કે સોનું $૩,૮૦૦ થી $૪,૦૦૦ના મજબૂત સપોર્ટ ઝોનની આસપાસ જ ટકી રહેશે અને સંપૂર્ણપણે ક્રેશ નહીં થાય.

સોનામાં ૫૦ ટકા સુધીના ઘટાડા પાછળ નિષ્‍ણાતો ૧૯૮૦ અને વર્ષ ૨૦૧૨-૧૩નો હવાલો આપી રહ્યા છે, જોકે ઇતિહાસ જોઈએ તો ઓલ-ટાઈમ હાઈ પર પહોંચ્‍યા પછી ફક્‍ત એક જ વાર સોનાની કિમતમાં ૫૦% કે તેથી વધુનો ઘટાડો જોવા મળ્‍યો છે. જોકે ૨૦% થી ૩૦% સુધી ભાવ ઘણી વખત ઘટ્‍યા છે.

જાન્‍યુઆરી ૧૯૮૦માં ઈરાન સંકટ અને અફઘાનિસ્‍તાન પર સોવિયત સંઘના હુમલાથી દુનિયાભરમાં મોંઘવારી ચરમસીમા પર પહોંચી ગઈ હતી. જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઼૮૫૦ પ્રતિ ઔંસના રેકોર્ડ સ્‍તર પર પહોંચી ગયું. તેના પછી અમેરિકી ફેડરલ રિઝર્વે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે વ્‍યાજ દરોને આક્રમક રીતે વધારીને લગભગ ૨૦% કરી દીધા, પછી સોનાની ચમક ઝાંખી પડવા લાગી.

૧૯૮૨-૧૯૮૫ આવતા-આવતા સોનાના ભાવ ઘટીને $૩૦૦ થી $૩૫૦ પ્રતિ ઔંસની વચ્‍ચે આવી ગયા. આ ઓલ-ટાઈમ હાઈથી ૬૦% થી વધુનો ઘટાડો હતો, એટલે કે ભાવ ઘટીને અડધાથી પણ ઘણા ઓછા રહી ગયા હતા.

વર્તમાન સમયની વાત કરીએ તો, જાન્‍યુઆરી ૨૦૨૬ માં સોનાએ આંતરરાષ્ટ્રીય બજારમાં $૫,૫૯૫ પ્રતિ ઔંસની નવા ઓલ ટાઈમ હાઈ પર પહોચ્‍યું હતું. પરંતુ મધ્‍ય પૂર્વમાં તણાવને કારણે વૈશ્વિક મોંઘવારી વધવાનો ખતરો અને અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્‍યાજ દરોમાં ફરીથી વધારાની આશંકાઓને કારણે સોનું ઉપલા સ્‍તરોથી લગભગ ૩૦% ઘટીને $૪,૦૦૦ ની નીચે આવી ગયું. અહીંથી પણ ઘટાડાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

ટેકનિકલ વિશ્‍લેષકોનું માનવું છે કે છેલ્‍લા બે વર્ષમાં સોનામાં જે જબરદસ્‍ત તેજી આવી હતી, તે જરૂરિયાત કરતાં વધુ હતી. બજારનો એક નિયમ છે કે જ્‍યારે કોઈ કોમોડિટી તેની વાસ્‍તવિક કિમતથી ઘણી ઉપર જાય છે, ત્‍યારે તે પાછી તેના ઐતિહાસિક સરેરાશ પર ફરે છે.

ભારતમાં સોનાનો ભાવ ૫૦ ટકા ઘટી ગયો હોય તેવું એટલા માટે શક્‍ય નથી લાગતું કારણ કે અમેરિકી ડોલરની સરખામણીમાં રૂપિયાનું નબળું પડવું અને ભારત સરકાર દ્વારા સોનાની આયાત ઘટાડવા માટે લગાવવામાં આવતી આયાત શુલ્‍ક અને ટેક્‍સ. જ્‍યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૪૦% ઘટે છે, ત્‍યારે ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો પડવાને કારણે ભારતીય બજારમાં આ ઘટાડો ઘણીવાર માત્ર ૧૫% થી ૨૦% જ રહી જાય છે, જેનાથી ભારતીય રોકાણકારો માટે ઘટાડાની અસર ઘણી ઓછી થઈ જાય છે.

(3:19 PM IST)