<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂ. ૫૦૦નો ઘટાડો: તહેવારોની નબળી માગ અને વૈશ્વિક સંકેતોથી કિંમતો તૂટી, ચાંદી સ્થિર

દિલ્હી બજારમાં સોનું રૂ. ૧,૪૬,૪૦૦ની સપાટીએ પહોંચ્યું; ક્રૂડ ઓઈલના ઘટેલા દરો અને ફુગાવાની હળવી ચિંતાઓની સીધી અસર

નવી દિલ્હી : તહેવારોની નબળી માગ અને વૈશ્વિક બજારમાં જોવા મળેલી ગતિવિધિઓને પગલે મંગળવારે સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય બજારની નરમાઈ અને યુએસ ડોલરની સ્થિર સ્થિતિના કારણે સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૫૦૦ ઘટીને રૂ. ૧,૪૬,૪૦૦ પર પહોંચી ગયો હતો. બીજી તરફ સ્થાનિક બજારમાં ચાંદીના ભાવમાં કોઈ જ ફેરફાર જોવા મળ્યો ન હતો અને દરો સ્થિર રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના-ચાંદીના તીવ્ર ઘાટ જોવા મળ્યા હતા, જેમાં હાજર સોનાના ભાવમાં ૨૭.૫૯ ડોલર એટલે કે આશરે ૧ ટકાનો ઘટાડો થતાં તે પ્રતિ ઔંસ ૪,૧૧૩.૫૫ ડોલરની સપાટીએ આવી ગયા હતા. આ ઉપરાંત ચાંદીના ભાવમાં પણ ૧ ટકાથી વધુનો ઘટાડો નોંધાતા તે પ્રતિ ઔંસ ૫૨.૭૭ ડોલર પર ટ્રેડ થઈ રહી હતી. વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં આવેલી આ મંદીની સીધી અસર સ્થાનિક સોની બજાર પર પણ જોવા મળી છે.
ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ 'મડરેક્સ' (Mudrex) ના લીડ ક્વોન્ટ એનાલિસ્ટ અક્ષત સિદ્ધાંતે આ પરિસ્થિતિનું પૃથ્થકરણ કરતા જણાવ્યું કે યુએસ ફુગાવાના આંકડા જાહેર થાય તે પહેલાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાને લીધે મોંઘવારી અંગેની ચિંતાઓ હળવી બની છે. અગાઉના સત્રમાં ૧ ટકાના વધારા બાદ સોનાના ભાવ હાલ પ્રતિ ઔંસ ૪,૧૦૦ ડોલરની આસપાસ ટકી રહ્યા છે. મંગળવારે વિદેશી બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ૩ ટકા (૨.૭૨ ડોલર) તૂટીને પ્રતિ બેરલ ૯૦ ડોલરની સપાટીથી નીચે સરકી ગયા હતા.
બજારના તજજ્ઞોના જણાવ્યા મુજબ, ક્રૂડ ઓઈલમાં મંદી અને યુએસના આગામી આર્થિક ડેટાના કારણે સોના-ચાંદીના ભાવમાં આગામી દિવસોમાં પણ વધઘટ ચાલુ રહેશે. રોકાણકારો અને ગ્રાહકો હવે યુએસ ફુગાવાના સત્તાવાર આંકડા અને વૈશ્વિક મધ્યસ્થ બેંકોના નાણાકીય નીતિ અંગેના વલણ પર નજર રાખી રહ્યા છે, જેના આધારે ભારતીય બુલિયન માર્કેટમાં પણ ભાવની નવી દિશા નક્કી થશે.

(11:29 PM IST)