News of Saturday, 30th May 2026
સોનામાં રોકાણનો સુવર્ણકાળ: સોવરિન ગોલ્ડ બૉન્ડમાં રોકાણકારો માટે વળતરનો ધોધ, માત્ર 5 વર્ષમાં ₹1 લાખના થયા ₹3.27 લાખ
RBI ની મોટી જાહેરાત: સોવરિન ગોલ્ડ બૉન્ડ સિરીઝ-II ના રોકાણકારો માટે 'પ્રી-મેચ્યોર રિડેમ્પશન'ની તક, વાર્ષિક વ્યાજની સાથે 200% થી વધુના બમ્પર વળતરનો લાભ

મુંબઈ : સોનામાં રોકાણ કરવા ઈચ્છતા લોકો માટે સોવરિન ગોલ્ડ બૉન્ડ (SGB) એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થયો છે. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા સોવરિન ગોલ્ડ બૉન્ડ સિરીઝ-II માટે સમય અગાઉ રિડેમ્પશન (Premature Redemption) ના મૂલ્યની જાહેરાત કરવામાં આવી છે, જે રોકાણકારોના ચહેરા પર સ્મિત લાવનારી છે. આ સીરિઝમાં રોકાણ કરનાર રોકાણકારો 1લી જૂન 2026 અગાઉ પોતાના બૉન્ડ રિડીમ કરાવી શકે છે. પ્રાપ્ત વિગતો મુજબ, રોકાણકારોને વ્યાજ ઉપરાંત 200 ટકાથી પણ વધુનું બમ્પર વળતર મળી રહ્યું છે.
શું છે રોકાણનું ગણિત?
RBI દ્વારા આ સિરીઝ માટે રિડેમ્પશન મૂલ્ય ₹15,672 પ્રતિ યુનિટ નક્કી કરવામાં આવ્યું છે. આ કિંમત 26 અને 27 મે 2026 દરમિયાન 99.9 શુદ્ધતા ધરાવતા સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નિર્ધારિત કરવામાં આવી છે. જે સમયે આ બૉન્ડ ઈશ્યુ થયા હતા, ત્યારે તેની ઈશ્યુ પ્રાઈઝ માત્ર ₹4,792 પ્રતિ ગ્રામ હતી.
આ આંકડાઓની સરખામણી કરીએ તો વળતર અત્યંત આકર્ષક છે. દાખલા તરીકે, જે રોકાણકારે જૂન 2021 માં આ યોજનામાં ₹1 લાખનું રોકાણ કર્યું હતું, આજે તેમના રોકાણની કિંમત વધીને અંદાજે ₹3.27 લાખ થઈ ગઈ છે. એટલે કે, રોકાણકારોને લગભગ 227 ટકા જેટલું શાનદાર વળતર મળી રહ્યું છે. આ વળતર ઉપરાંત, રોકાણકારોને નિર્ધારિત દરે વાર્ષિક વ્યાજ પણ ચૂકવવામાં આવે છે, જે તેને રોકાણ માટે એક સુરક્ષિત અને ફાયદાકારક માધ્યમ બનાવે છે.
શા માટે ગોલ્ડ બૉન્ડમાં રોકાણ છે ફાયદાકારક?
સરકાર દ્વારા ઈશ્યુ કરવામાં આવતા આ સોવરિન ગોલ્ડ બૉન્ડનું મૂલ્ય સોનાના ગ્રામ દીઠ નક્કી થાય છે. RBI ના નિયમો અનુસાર, ઈશ્યુ થયાની તારીખથી પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ રોકાણકાર વ્યાજ ચૂકવણીની તારીખ પર સમયથી પહેલા રિડેમ્પશન કરાવી શકે છે. રોકાણકારે ખરીદી સમયે રોકડ ચૂકવણી કરવાની હોય છે અને મેચ્યોરિટી અથવા રિડેમ્પશન સમયે રકમ રોકડમાં જ પરત મળે છે. સોનાની ભૌતિક ખરીદીમાં રહેલી સુરક્ષાની ચિંતા અને મેકિંગ ચાર્જ જેવા ખર્ચથી આ બૉન્ડ સંપૂર્ણપણે મુક્ત છે, જેથી નાણાકીય નિષ્ણાતો તેને લાંબા ગાળાના રોકાણ માટે ઉત્તમ માને છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
