News of Thursday, 8th October 2026
અયોધ્યા ખાતે દર્શનાર્થે જતા ગુજરાતના રામભક્તો માટે રાજ્ય સરકારની સોનેરી ભેટ : રૂ. ૮૦.૨૫ કરોડના ખર્ચે ભવ્ય ‘યાત્રી નિવાસ’નું નિર્માણ શરૂ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનાં માર્ગદર્શનમાં ૩૦૮ બેડની ક્ષમતા અને ૮૬૪ સીટિંગ કેપેસિટીવાળા વિશાળ હોલ સાથેનું અત્યાધુનિક સંકુલ આગામી એક વર્ષમાં શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરે દર્શનાર્થે જતા ગુજરાતના પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સર્વશ્રેષ્ઠ સુવિધા, ઉત્તમ આતિથ્ય અને દિવ્ય અનુભવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક ગૌરવવંતી પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ અયોધ્યા ખાતે નિર્માણાધીન ટાઉનશીપમાં ૬૯૨૯.૨૮ વર્ગ મીટર જમીન વિસ્તારમાં રૂ. ૮૦.૨૫ કરોડના ખર્ચે ભવ્ય ‘યાત્રી નિવાસ’ સુવિધા વિકસાવવામાં આવી રહી છે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહેલા આ અત્યાધુનિક યાત્રી નિવાસમાં ૩૦૮ બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ તેમજ ૮૬૪ સીટિંગ કેપેસિટી ધરાવતો વિશાળ હોલ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત, આ સંકુલને રિસેપ્શન સેન્ટર, વિઝિટર લાઉન્જ, સોવેનિયર શોપ, મલ્ટીપર્પઝ હોલ, ઓડિટોરિયમ, મીટિંગ રૂમ, ડાઇનિંગ એરિયા, ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી એક વર્ષની અંદર તેને ગુજરાતના રામભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
વર્ષ ૨૦૨૪માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે અયોધ્યા ખાતે શ્રી રામચંદ્રજીના નવસર્જિત ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થયા બાદ દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા ધામ પહોંચી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે શ્રદ્ધા-કેન્દ્રિત આ નિર્ણય લીધો છે, જેનાથી અયોધ્યા આવતા ગુજરાતના પ્રવાસીઓને ઘર જેવી સુખ-સુવિધાઓ મળી રહેશે. આ યાત્રી નિવાસ માત્ર એક આવાસ બનીને નહીં રહે, પરંતુ ગુજરાત અને અયોધ્યા વચ્ચેના સાંસ્કૃતિક તેમજ આધ્યાત્મિક સેતુને વધુ મજબૂત બનાવતું ઉત્કૃષ્ટ પ્રતીક સાબિત થશે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
