News of Monday, 20th April 2026
સ્પેનમાં સ્થળાંતર કરનારાઓ માટે ‘ગોલ્ડન તક’: ૫ લાખ લોકોને મળશે કાયદેસર રહેઠાણ, ઇમિગ્રેશન કામદારોએ હડતાળ રદ કરતા રસ્તો સાફ
પગાર વધારા અને નવી ભરતીની ખાતરી બાદ કામદારો માન્યા; આજથી જ માફી કાર્યક્રમ હેઠળ અરજીઓ લેવાની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે ઘટશે કામનું ભારણ

મેડ્રિડ: તા.૨૦ યુરોપિયન દેશ સ્પેનમાં વસતા બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓ માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. સ્પેન સરકાર દ્વારા જાહેર કરાયેલા સામૂહિક માફી કાર્યક્રમ (Mass Amnesty Program) વિરુદ્ધ હડતાળ પર ઉતરેલા ઇમિગ્રેશન કામદારોએ આખરે પોતાનું આંદોલન સમેટી લીધું છે. સરકાર સાથે થયેલા કરાર મુજબ કામદારોના પગારમાં ૧૦% થી ૧૮% નો વધારો અને ૭૦૦ નવી જગ્યાઓ ભરવાની ખાતરી મળતા હવે ૫ લાખ વિદેશીઓને કાયદેસર બનાવવાનો માર્ગ મોકળો થયો છે.
શું છે સમગ્ર વિવાદ અને કરાર?
સ્પેનમાં હાલમાં ૨,૦૦૦ થી પણ ઓછા ઇમિગ્રેશન કામદારો દર વર્ષે અંદાજે ૧૭ લાખ કેસોની તપાસ કરે છે. સરકારની ૫ લાખ બિનદસ્તાવેજીકૃત લોકોને કાયદેસર કરવાની યોજનાથી કામદારો પર ભારણ વધવાની ભીતિ હતી. જોકે, યુનિયન નેતા સીઝર પેરેઝના જણાવ્યા મુજબ, સરકારે સ્ટાફની તંગી દૂર કરવા અને પગાર વધારવાની માંગ સ્વીકારી લેતા આવતા અઠવાડિયે થનારી હડતાળ રદ કરવામાં આવી છે.
આજથી વ્યક્તિગત મુલાકાતો શરૂ
સ્પેન સરકારના આદેશ મુજબ, ૨૦મી એપ્રિલ એટલે કે આજથી જ બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓ માટે વ્યક્તિગત મુલાકાતો (In-person appointments) શરૂ થઈ રહી છે. જે લોકો પાસે સ્પેનમાં રહેવાના પૂરતા દસ્તાવેજો નથી, તેઓ જૂનના અંત સુધીમાં વર્ક પરમિટ અને રહેઠાણ માટે અરજી કરી શકશે. સિસ્ટમ પરનું દબાણ ઘટાડવા માટે આ અરજીઓ માત્ર ઇમિગ્રેશન ઓફિસ જ નહીં, પરંતુ પોસ્ટ ઓફિસ અને એનજીઓ (NGO) દ્વારા પણ સ્વીકારવામાં આવશે.
સ્પેન માટે સ્થળાંતર કરનારાઓ કેમ મહત્વના?
જ્યાં અન્ય યુરોપિયન દેશો ઇમિગ્રેશનના નિયમો કડક કરી રહ્યા છે, ત્યાં સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝ ઉદાર નીતિ અપનાવી રહ્યા છે. સ્પેનની વૃદ્ધ થતી વસ્તી અને અર્થતંત્રને ટકાવી રાખવા માટે કામદારોની જરૂર છે. એક રિપોર્ટ મુજબ, સ્પેનમાં ૨૦૧૯ થી સર્જાયેલી દર ૪ માંથી ૩ નોકરીઓ સ્થળાંતર કરનારાઓએ ભરી છે અને ૨૦૨૨ થી દેશના આર્થિક વિકાસમાં તેમનો ફાળો ૪૭% રહ્યો છે.
મુસાફરો અને અરજદારો માટે રાહત
હડતાળ રદ થવાથી હવે ઇમિગ્રેશન ઓફિસોમાં ફાઇલોનો ભરાવો ઘટશે અને કામગીરી ઝડપી બનશે. જે લોકો છેલ્લા ઘણા સમયથી લીગલ સ્ટેટસની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ ‘સતયુગ’ જેવો સમય છે. જોકે, કામદારોએ ચેતવણી આપી છે કે જો સરકારે ખાલી જગ્યાઓ ભરવામાં વિલંબ કર્યો, તો ભવિષ્યમાં ફરીથી મુશ્કેલી સર્જાઈ શકે છે.
સ્પેન ઇમિગ્રેશન હાઇલાઇટ્સ:
• કુલ લાભાર્થી: અંદાજે ૫,૦૦,૦૦૦ લોકો
• પગાર વધારો: ૧૦% થી ૧૮% (કામદારો માટે)
• નવી ભરતી: ૭૦૦ જગ્યાઓ
• અરજીની અંતિમ તારીખ: જૂન ૨૦૨૬ના અંત સુધી
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
