<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં હવે GoPro કેમેરાનું ચીન કનેક્શન સામે આવ્યું

હુમલામાં સામેલ આતંકીઓ પાસેથી અમેરિકામાં બનેલો GoPro કેમેરો મળ્યો હતો,આ કેમેરો ચીનના એક કોમર્શિયલ ડિસ્ટ્રિબ્યુટર સુધી પહોંચ્યો

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકી હુમલાની તપાસમાં હવે GoPro કેમેરાનું ચીન કનેક્શન સામે આવ્યું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના જણાવ્યા અનુસાર, હુમલામાં સામેલ આતંકીઓ પાસેથી અમેરિકામાં બનેલો GoPro કેમેરો મળી આવ્યો હતો. આ કેમેરો ચીનના એક કોમર્શિયલ ડિસ્ટ્રિબ્યુટર સુધી પહોંચ્યો હોવાની માહિતી મળી છે.

જોકે, આ કેમેરા આતંકીઓ સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે ચીન તરફથી ભારતને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. NIAના ડાયરેક્ટર જનરલ રાકેશ અગ્રવાલે આ મામલે મહત્વની માહિતી આપી છે. તપાસ એજન્સી હવે આતંકી હુમલાની તપાસની સાથે કેમેરાની ગ્લોબલ સપ્લાય ચેઇન પણ તપાસી રહી છે. એજન્સી એ જાણવા માગે છે કે અમેરિકામાં બનેલો કેમેરો ચીનના ડિસ્ટ્રિબ્યુટર સુધી પહોંચ્યા બાદ લશ્કર-એ-તૈયબાના આતંકીઓના હાથમાં કેવી રીતે આવ્યો.

 

તપાસ દરમિયાન NIAએ GoPro કંપનીનો અમેરિકામાં સંપર્ક કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે સંબંધિત કેમેરો ચીનના એક કોમર્શિયલ ડિસ્ટ્રિબ્યુટરને મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતે કેમેરાના વેચાણ અને આગળના વિતરણ અંગે વિગતો મેળવવા ચીનનો સંપર્ક કર્યો હતો. જોકે, ચીન તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.

 

પહલગામ હુમલા બાદ દાચીગામના જંગલોમાં થયેલી અથડામણમાં માર્યા ગયેલા આતંકીઓ પાસેથી પણ હાઈટેક કેમેરા મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. આથી આતંકી સંગઠનોને મળતી આંતરરાષ્ટ્રીય મદદ, સપ્લાય નેટવર્ક અને ફંડિંગ અંગે તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે. હાલ NIA આ સમગ્ર સપ્લાય ચેઇનની કડીઓ જોડીને આતંકી નેટવર્ક સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

(2:26 PM IST)