News of Thursday, 30th July 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ફેસબુક પોસ્ટ હટાવવાના મુદ્દે સરકાર અને મેટા વચ્ચે વાટાઘાટો : ટેકનિકલ ખામી અંગે કંપનીએ માફી માંગી
પેપર લીક વિરોધી કાયદા અને વિદ્યાર્થીઓના મુદ્દા પર વીડિયો પોસ્ટ દૂર થતાં વિવાદ : કેન્દ્ર સરકાર દ્વારા ટેકનિકલ બાબતો અંગે સ્પષ્ટતા માંગવામાં આવી

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો એક વીડિયો બ્લોક થવા કે હટાવી દેવાના મુદ્દે કેન્દ્ર સરકાર અને મેટા (Meta) કંપની વચ્ચે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો યોજાવા જઈ રહી છે. મેટા દ્વારા આ ઘટના બદલ સરકારની માફી માંગવામાં આવી છે અને સિસ્ટમમાં સર્જાયેલી ટેકનિકલ ખામી (Technical Glitch)ના કારણે પોસ્ટ દૂર થઈ હોવાનું સ્પષ્ટતામાં જણાવવામાં આવ્યું છે.
ગત તા. ૨૩ જુલાઈના રોજ વડાપ્રધાન દ્વારા પેપર લીકની ઘટનાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી અને વિદ્યાર્થીઓની ચિંતાઓ દૂર કરવા અંગેનો એક વીડિયો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેને લાખો લોકોએ જોયો હતો. પરંતુ ગત તા. ૨૮ જુલાઈના રોજ આ વીડિયો અચાનક ફેસબુક પરથી ગાયબ થઈ જતાં વિવાદ સર્જાયો હતો.
આ અંગે સ્પષ્ટતા આપતાં મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "આ સામગ્રી ભુલથી દૂર થઈ ગઈ હતી અને તેને ત્વરિત પુનઃસ્થાપિત (Restore) કરી દેવામાં આવી છે." કંપનીએ દાવો કર્યો છે કે કન્ટેન્ટ મોડરેશન સિસ્ટમમાં આવેલી તકનીકી ખામીના કારણે આમ બન્યું હતું.
આ ઘટનાને કેન્દ્ર સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ભારતના વડાપ્રધાનની અધિકૃત પોસ્ટ પર વિદેશી પ્લેટફોર્મ દ્વારા સેન્સરશિપ કે ટેકનિકલ ક્ષતિ સર્જાવા અંગે સરકારી અધિકારીઓ દ્વારા મેટાના પ્રતિનિધિઓને સમન્સ પાઠવીને ટેકનિકલ ઓડિટ અને વિગતવાર જવાબો માંગવામાં આવશે.
(9:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
