<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

અલનીનોને બાથ ભીડવા સરકાર તૈયાર : આવતા દિવસોમાં પેટ્રોલ - ડીઝલના ભાવ ઘટી શકે છેઃ યુધ્‍ધથી ભારતીય ઇકોનોમી બેઅસર : જુઓ વિડિયો

તૃણમુલ-ઉધ્‍ધવ ઠાકરેના પક્ષ બાદ હજુ અનેક પક્ષો એનડીએમાં જોડાય તેવી શકયતા : મોદી સરકાર નાના ઉદ્યોગો-નાના માણસો-પછાતો-દલિતો વગેરેના ઉત્‍કર્ષ માટે હર હંમેશ તૈયાર : કેન્‍દ્રીય સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલયના રાજયમંત્રી રામદાસ આઠવલે ‘અકિલા'ના આંગણે : આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષમાં પણ ભંગાણ પડે તો નવાઈ નહિં: આઠવલે : મોદી સરકાર હજુ ર૪ વર્ષ પુરા કરશેઃ તમામ મોરચે સરકારની અનેરી સિધ્‍ધિઓ : યુધ્‍ધથી ભારતીય અર્થતંત્રને કોઇ અસર નહિ થાય : જંગી વિદેશી નાણુ ભારત આવશે : ચોમાસુ સત્રમાં ડીલીમીટેશન-મહિલા આરક્ષણ બિલ પસાર થવાના ઉજળા સંજોગોઃ આઠવલે

રાજકોટઃ કેન્‍દ્રિય કેબિનેટ મંત્રી અને રિપબ્‍લીકન પાર્ટી ઓફ ઇન્‍ડિયાના ચેરમેન, તેજતરાર આઠવલેજી આજે અકિલાના મહેમાન બન્‍યા હતા. અકિલાની સંપૂર્ણ સ્‍વદેશી ટેકનોલોજી નિહાળી ખૂબ જ પ્રભાવિત થયા હતા. અકિલાના એકઝીકયુટીવ એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રાએ તેમને આવકાર્યા હતા. સાથે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાએ તેમનું અભિવાદન કર્યુ હતું. અકિલાના વિવિધ વિભાગોની મુલાકાત લઇને શ્રી આઠવલેજીએ ખૂબ જ પ્રસન્‍નતા દર્શાવી હતી. શ્રી રામદાસ અઠવાલે સાથે તસ્‍વીરમાં શ્રી કિરીટભાઈ ગણાત્રા, નિમિષભાઈ ગણાત્રા, અઠવલેજીના પી.એસ.એમ પૃથ્‍વીરાજ ભાટી અને આરપીઆઈ પાર્ટીના પ્રદેશ અધ્‍યક્ષ શ્રી અશોક ભટ્ટી, તથા આરટીઆઈ પાર્ટીના પ્રદેશ મહિલા અધ્‍યક્ષ લીલાવતીબેન વાઘેલા, શ્રી જતીન ભટ્ટી નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા, અભિજીત બગથરીયા, રાજકોટ)

રાજકોટ, તા., ૧૮ : કેન્‍દ્રીય અને સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રાલયના રાજયમંત્રી રામદાસ આઠવલ્લે પોતાના અનોખા વ્‍યકિતત્‍વ અને રમુજીવૃતિ માટે દેશભરમાં જાણીતા છે. ર૦૧૪ થી તેઓ રાજયસભાના સભ્‍ય રહયા છે અને વિવિધ મંત્રાલયોમાં સફળતાપુર્વક કામગીરી બજાવી છે. સંસદમાં ગંભીર ચર્ચાઓ દરમિયાન પોતાની રમુજી અને શાયરાના અંદાજથી હળવુ વાતાવરણ સર્જી સાંસદોની વાહ વાહ મેળવતા આ રાજયમંત્રી આજે બપોરે ‘અકિલા' કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાતે આવ્‍યા હતા અને તેમણે અકિલાના મોભી  કિરીટભાઇ ગણાત્રા અને વેબ એડીશનના એડીટર નિમિષભાઇ ગણાત્રા સાથે દેશની રાજકીય , સામાજીક , આર્થિક સહીતની બાબતો અંગે ઉંડાણપુર્વક ચર્ચા-વિચારણા કરી હતી અને પોતાના મંતવ્‍યો વ્‍યકત કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની રમુજવૃતિનો પણ પરિચય આપ્‍યો હતો. તેમણે અકિલા વિષે પણ અકિલાના મોભી પાસેથી ઉંડાણપુર્વક જાણ્‍યુ હતું અને સવારે ચા અને સાંજે અકિલાના સુત્રને વખાણ્‍યું હતું. એટલું જ નહિ એક મહારાષ્‍ટ્રીયન હોવા છતા તેમણે અકિલા અખબાર વાંચી સંભળાવ્‍યું હતું.

આજે બપોરે અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા કેન્‍દ્રીય મંત્રીએ જણાવ્‍યું હતું કે, દેશ ઉપર હાલ કુદરતી આફતા નાવાદળો ઘેરાયા છે અને અલનીનો તાંડવ મચાવવા માટે તૈયાર છે આ સંજોગોમાં સરકારે પણ આ કુદરતી આફતને પહોંચી વળવા માટે પુરતી તૈયારીઓ કરી છે. લોકોને સંભવીત પાણીની અને ખેડુતોને ખેતી માટેની કોઇ તકલીફ ન પડે તે માટે અનેક આગોતરા આયોજનો કર્યા છે અને દિલ્‍હીમાં બેઠકોના દોર ચાલી રહયા છે. કેન્‍દ્ર સરકાર વિવિધ રાજયો સાથે સંપર્કમાં છે અને ચોમાસાની ગતિવિધિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.

એક સવાલના જવાબમાં તેમણે જણાવ્‍યું હતું કે, આગામી દિવસોમાં પીએમ મોદીના  નેતેૃત્‍વ હેઠળના એનડીએનું કદ વધી શકે તેમ છે. વધુને વધુ પક્ષો એનડીએમાં જોડાઇ રહયા છે. તુણમુલ અને યુબીટી બાદ હવે બીજા અનેક પક્ષો એનડીએના સમર્થનમાં આગળ આવી રહયા છે અને તેઓ દેશનું ભલુ કરવા માટે પીએમના હાથ મજબુત કરવા જઇ રહયા છે.  આવતા વર્ષોના દેશમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ બે જ પક્ષ રહે તો નવાઇ નહી તેવું તેમણે ઉમેર્યુ હતું.  તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, અમારૂ મિશન કોઇને તોડવાનું નથી પરંતુ જોડવાનું છે. બાબા સાહેબ આંબડકરની ફિલોસોફી મુજબ એનડીએ સરકાર જ્ઞાતિ, વંશ, જાતી વગેરેથી પર રહીને લોકોનું કલ્‍યાણ કરી રહી છે. તેમણે ઉમેર્યુ હતું કે, અમારા આરપીઆઇ પક્ષમાં પણ બ્રાહ્મણો, મુસ્‍લીમો, દલીતો વગેરે જોડાઇ રહયા છે. બાબા સાહેબ આંબેડકર પણ ઇચ્‍છતા હતા કે, દેશમાં માત્ર  બે જ પક્ષ હોવા જોઇએ. જેમ કે યુકે સહિતના દેશોમાં છે.

એક સવાલના જવાબમાં કેન્‍દ્રીય મંત્રી આઠવલેએ જણાવ્‍યું હતું કે, હું નિહાળી રહયો છું કે કોંગ્રેસ પક્ષમાં પણ મોટુ ભંગાણ પડશે અને મોટો સમુહ ભાજપમાં જોડાઇ જશે. આવુ એટલા માટે થશે કે કેન્‍દ્ર સરકાર લોકોના ભલા માટે કામ કરી રહી છે તે કોંગ્રેસના નેતાઓને પણ સમજાઇ ગયું છે. એવી પણ શકયતા છે કે આવતા દિવસોમાં સપા અને શરદ પવારના પક્ષમાં પણ ભંગાણ પડશે.

અકિલા કાર્યાલયની મુલાકાતે આવેલા કેન્‍દ્રીય મંત્રીએ જણાવ્‍યુ઼ હતું કે, મધ્‍ય પુર્વની કટોકટીને કારણે દેશના અર્થતંત્રને કોઇ પણ અસર નહિ થાય કારણ કે સરકારે અનેક વૈકલ્‍પીક તૈયારીઓ કરી છે એટલું જ નહિ મોટા પ્રમાણમાં વિવિધ દેશો સાથે ડીલ પણ કરી છે જેના કારણે મોટા પ્રમાણમાં પૈસાનો પ્રવાહ ભારતમાં આવશે અને આપણી ઇકોનોમી બેઅસર રહેશે.

યુધ્‍ધ પુરૂ થતા ક્રુડના ભાવ ઘટવા લાગ્‍યા છે તો શું ? આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્‍તા થશે કે નહિ? તેવા સવાલના જવાબમાં કેન્‍દ્રીય મંત્રીએ કહયું હતું કે, લોકો ભાવઘટવાની આશા રાખી શકે છે. કેટલા ઘટશે એ હું કહી શકુ નહી. પરંતુ ઘટશે એ વાત નક્કી છે.

અન્‍ય એક સવાલના જવાબમાં તેમણે કહયું હતું કે, મોદી સરકારે તાજેતરમાં ૧ર વર્ષ પુરા કર્યા છે અને મારી દ્રષ્‍ટિએ સરકાર હજુ ર૪ વર્ષ પુરા કરશે. મોદી સરકાર નાના ઉદ્યોગો, નાના લોકો, પછાત, ગરીબના ઉત્‍કર્ષ માટે કાર્યરત હોવાથી લોકો પણ હવે મન બનાવી રહયા છે કે...  અબ કી બાર ભી મોદી સરકાર...  તમામ મોરચે સરકાર બેનમુન કામકાજ કરી રહી હોવાથી ગરીબો, ખેડુતો, મહિલાઓ, દલીતો, પછાત વર્ગ વગેરેનો પણ ઉત્‍કર્ષ થયો છે.

સંસદના ચોમાસુ  સત્ર દરમિયાન કેન્‍દ્ર સરકાર ડીલીમીટેશન અને મહિલા અનામત ખરડો પસાર કરાવવા પ્રયાસ કરશે. કારણ કે સરકાર પાસે આ ખરડાઓ પસાર કરવા પુરતુ સંખ્‍યાબળ પણ આવી જશે.  ડીલીમીટેશનથી કોઇ પણ રાજયને અન્‍યાય ન થાય તેની સરકાર કાળજી રાખશે. આ મુલાકાત વેળાએ કેન્‍દ્રીય મંત્રીના પીએ પૃથ્‍વીરાજ ભાટી, ગુજરાત પ્રદેશના અશોક ભટ્ટી,  મહિલા અધ્‍યક્ષ લીલાવતીબેન વાઘેલા, જતીન ભટ્ટી વગેરે પણ ઉપસ્‍થિત રહયા હતા.

(4:02 PM IST)