<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

ચીનના શેરબજારમાં મોટો કડાકો અટકાવવા સરકારનો માસ્ટરસ્ટ્રોક : ઉધાર લઈને શેર ખરીદવાના નિયમોમાં મોટી છૂટ

શેર ખરીદી માટે માર્જિનની લઘુતમ શરત ૧૦૦ ટકાથી ઘટાડીને ૮૦ ટકા : ૩૦ નવેમ્બરથી નવા નિયમો લાગુ થશે, રોકાણકારોને વધારાની નાણાકીય ક્ષમતા મળશે

શાંઘાઈ : ચીનના શેરબજારમાં સતત ઘટાડો અને રોકાણકારોના વિશ્વાસમાં ઘટાડાને કારણે દેશનાં ત્રણ મુખ્ય શેરબજારોએ નાણાકીય નિયમોમાં નોંધપાત્ર રાહત જાહેર કરી છે.

શાંઘાઈ, શેનઝેન અને બેઇજિંગ શેરબજારોએ ૨૨ નવેમ્બરે જાહેરાત કરી હતી કે ઉધારના નાણાંથી શેર ખરીદવા માટેની લઘુતમ માર્જિનની શરત હાલના ૧૦૦ ટકાથી ઘટાડીને ૮૦ ટકા કરવામાં આવશે.

આ નિર્ણયનો અમલ ૩૦ નવેમ્બર, ૨૦૨૬થી શરૂ થશે.

નવા નિયમોને કારણે રોકાણકારો સમાન જામીન સામે અગાઉ કરતાં વધુ રકમ ઉધાર લઈને શેર ખરીદી શકશે.

ચીનમાં છેલ્લા સપ્તાહે શાંઘાઈ કમ્પોઝિટ સૂચકાંક લગભગ ત્રણ ટકા ઘટીને ૧૬ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો.

બીજી તરફ ટેક્નોલોજી ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક સૂચકાંકો જૂનની ઊંચી સપાટીથી ૪૦ ટકાથી વધુ નીચે ઊતરી ગયા છે.

ચીનમાં માર્જિન ધિરાણનો બાકી જથ્થો જૂનના ત્રણ ટ્રિલિયન યુઆનના શિખરથી ૨૦ ટકાથી વધુ ઘટીને લગભગ ૨.૨ ટ્રિલિયન યુઆન રહ્યો છે.

શાંઘાઈ અને શેનઝેન બજારોએ કારોબારનો ખર્ચ ઘટાડવા ફીમાં રાહત આપવાની પણ જાહેરાત કરી છે. જોકે ઉધાર લઈને શેર ખરીદવાથી બજારમાં વધુ ઘટાડો થાય ત્યારે રોકાણકારોનું જોખમ પણ વધી શકે છે. 

(11:24 AM IST)