તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
દાદાએ જીવતે જીવ જ પોતાની તેરમીની વિધિ કરાવી
ગામમાં જે માણસની તેરમી ચાલતી હતી, તે જ લોકોને પીરસતો હતો પૂરી-શાક

બાગપત તા.૧૬: સામાન્ય રીતે કોઈ વ્યક્તિના મૃત્યુ બાદ પરિવાર દ્વારા તેરમીની વિધિ કરવામાં આવતી હોય છે. પરંતુ ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાં એક વૃદ્ધે જીવતે જીવ જ પોતાની તેરમીનું આયોજન કરીને સૌને આヘર્યમાં મૂકી દીધા છે. બડૌત તાલુકાના જોહડી ગામના ૮૦ વર્ષીય બલજોર સિહે પોતાની હાજરીમાં જ તેરમીની તમામ વિધિઓ કરાવી હતી. આ પ્રસંગે હવન અને ભોજનનું આયોજન પણ કરાયું હતું, જેમાં અંદાજે ૯૦૦ લોકોને જમાડવામાં આવ્યું હતું. આ અનોખા આયોજન પાછળનું કારણ પણ ખૂબ ખાસ છે.
જોહડી ગામમાં બલજોર સિહે પોતાની તેરમી માટે ભવ્ય આયોજન કર્યું હતું. કાર્યક્રમની તૈયારીઓ પણ મોટા સમારોહ જેવી હતી. મહેમાનો માટે ભોજન તૈયાર કરવા આઠ રસોઈયા કામે લાગ્યા હતા. તેમણે પૂરી, શાક, રાયતું અને લાડુ સહિતની વાનગીઓ બનાવી હતી. નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ સવારે હવન કરાયો હતો અને ત્યારબાદ લગભગ ૯૦૦ લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.
બલજોર સિંહે જીવતા જ પોતાની તેરમી કરાવવાનો નિર્ણય કેમ લીધો, તેની પાછળનું કારણ પણ ખૂબ જ રસપ્રદ છે. તેમના જણાવ્યા અનુસાર, તેમને કોઈ દીકરો નથી અને એક દીકરી છે. તેમના મૃત્યુ બાદ પરિવારની ધાર્મિક વિધિઓ અને અન્ય જવાબદારીઓ નિભાવવાનો ભાર દીકરી પર ન આવે, તે માટે તેમણે આ નિર્ણય લીધો હતો. બલજોર સિહે જણાવ્યું કે તેમના મૃત્યુ પછી તેમની સંપત્તિની વારસદાર પણ તેમની દીકરી જ રહેશે.
ભોજન બાદ કાર્યક્રમમાં બીજી એક ખાસ વિધિ કરવામાં આવી હતી. બલજોર સિંહે પોતાના નાતી મુકુલના માથે પાઘડી બાંધીને પરિવારની જવાબદારી તેને સોંપી હતી. આ પ્રસંગે પરિવારના સભ્યો, સંબંધીઓ અને ગામના લોકો હાજર રહ્યા હતા. ૮૦ વર્ષની ઉંમરે બલજોર સિહે લીધેલો આ નિર્ણય હવે જોહડી ગામ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે.
(10:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
