<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

‘વરરાજો મારો બોયફ્રેન્‍ડ છે' : કોન્‍સ્‍ટેબલના લગ્નમાં મહિલા પોલીસનો હોબાળો : લગ્ન તોડાવી જતી રહી

વરરાજા પક્ષના પરિવારે લગ્નની તૈયારીઓ માટે કન્‍યા પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલી રકમ પરત કરી દીધી

ફિરોઝાબાદ : ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાંથી એક લગ્ન સમારંભમાં અચાનક ત્‍યારે હોબાળો થઈ ગયો, જ્‍યારે સાત ફેરાની તૈયારી ચાલી રહી હતી, ત્‍યારે એક મહિલા પોલીસકર્મી મેરેજ હોલમાં આવી ગઈ. તેણે વરરાજાને પોતાનો બોયફ્રેન્‍ડ ગણાવ્‍યો અને લગ્નનો વિરોધ કર્યો.

મહિલાના આ દાવા બાદ દુલ્‍હન પક્ષે લગ્નની વિધિ અટકાવી દીધી.મામલો એટલો વધી ગયો કે પોલીસને વચ્‍ચે આવવું પડ્‍યું. આખરે બંને પક્ષો વચ્‍ચે પોલીસ સ્‍ટેશનમાં સમાધાન થયું. વરરાજાના પરિવારે લગ્નની તૈયારીઓ પર થયેલા ખર્ચ દુલ્‍હન પક્ષને પાછો આપી દીધો.

હકીકતમાં જોઈએ તો, આ આખો મામલો ટૂંડલાના સ્‍ટેશન રોડ સ્‍થિત રોયલ ગાર્ડન મેરેજ હોલનો છે. અહીં ૨૪ નવેમ્‍બરના રોજ મૈનપુરીના બરનાહલ વિસ્‍તારની એક યુવતીના લગ્ન થવાના હતા. તેના લગ્ન નારખી વિસ્‍તારના નગલા રામકુંવરી જાટઉના રહેવાસી યુવક સાથે નક્કી થયા હતા. વરરાજો ઉત્તર પ્રદેશ પોલીસમાં સિપાહી છે.

લગ્નની વિધિઓ ચાલી રહી હતી. પરિવાર અને સંબંધીઓ કાર્યક્રમમાં આવી ગયા હતા. સવારે સાત ફેરાની તૈયારી થઈ રહી હતી. આ દરમ્‍યાન એક યુવતી અચાનક મેરેજ હોલમાં આવી પહોંચી. તેણે વરરાજા સાથે પ્રેમ સંબંધ હોવાનો દાવો કર્યો. યુવતીએ લગ્ન પર પણ સવાલો ઊઠાવ્‍યા.

મહિલાના દાવા બાદ લગ્ન રોકાયા, યુવતીએ અચાનક પહોંચ્‍યા બાદ સમારંભમાં અફરાતફરી મચી ગઈ. દુલ્‍હન પક્ષના લોકોએ તેની વાત સાંભળ્‍યા બાદ લગ્ન કરવાની ના પાડી દીધી. તેમણે લગ્નની વિધિઓ અટકાવી દીધી. કહેવાય છે કે વર પર પ્રેમ સંબંધનો દાવો કરનારી યુવતી પણ યૂપી પોલીસમાં કોન્‍સ્‍ટેબલ છે.

યુવતીએ પોતાનો દાવો કર્યા બાદ મેરેજ હોલમાંથી નીકળી ગઈ. પણ ત્‍યાં સુધીમાં લગ્નનો માહોલ બદલાઈ ચુકયો હતો. સાત ફેરાની તૈયારી વચ્‍ચે લગ્ન અટકી ગયા. ત્‍યાર બાદ વરના પરિવારમાં પણ તણાવની સ્‍થિતિ ઊભી થઈ.

પોલીસ સ્‍ટેશનમાં થઈ પંચાયત, લગ્નનો ખર્ચ પરત કર્યો. વિવાદની જાણ થતાં જ ટૂંડલા પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી હતી. પોલીસે બંને પક્ષના કેટલાક લોકોને પોલીસ સ્‍ટેશન લઈ ગઈ હતી. ત્‍યાં બંને પરિવારના સંબંધીઓ વચ્‍ચે વાતચીત થઈ હતી. લાંબા સમય સુધી ચાલેલી પંચાયત બાદ બંને પક્ષો સમાધાન કરવા માટે રાજી થઈ ગયા હતા.

સમાધાન મુજબ, વરરાજા પક્ષના પરિવારે લગ્નની તૈયારીઓ માટે કન્‍યા પક્ષ દ્વારા ખર્ચવામાં આવેલી રકમ પરત કરી દીધી હતી. ત્‍યારબાદ બંને પક્ષો વચ્‍ચે સહમતી બની હતી અને મામલો શાંત થયો હતો.

પોલીસે આ મામલે વરરાજા, દુલ્‍હન કે આરોપ લગાવનાર યુવતીની ઓળખ જાહેર કરી નથી. બંને પક્ષો વચ્‍ચે સમાધાન થયા બાદ પોલીસે પણ આ મામલે વધુ કોઈ માહિતી આપી નહોતી. આમ, જે લગ્નમાં સાત ફેરા થવાના હતા, તેનો અંત પોલીસ સ્‍ટેશનમાં થયેલા સમાધાન સાથે આવ્‍યો હતો.

(11:31 AM IST)