<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

રૂફટોપ સોલર પ્‍લાન્‍ટની GST ક્રેડિટ માત્ર સ્‍થાવર મિલકત ગણી નકારી ન શકાય

દરેક કેસમાં પ્‍લાન્‍ટની રચના, ઉપયોગ-કાયદાની જોગવાઇ તપાસો : જીએએઆરનું રૂલિંગ અન્‍ય માટે માર્ગદર્શક હોવાનું મંતવ્‍ય

મુંબઈ,તા.૨૩: ઔદ્યોગિક એકમોની છત પર સ્‍થાપિત સોલાર પ્‍લાન્‍ટની ઇનપુટ ટેક્‍સ ક્રેડિટ (આઇટીસી) અંગેના વિવાદ અંગે ટેક્‍સ એડવોકેટ ભાસ્‍કર બી.પટેલ અને સીએ ફૈઝાન ડભોઈ વાલાએ જણાવ્‍યું છેકે, આ પ્‍લાન્‍ટ માત્ર સ્‍થાવર મિલકત ગણાવીને તેની આઇટીસી નકારવી તે યોગ્‍ય નથી. દરેકકેસમાં પ્‍લાન્‍ટની રચના, ઉપયોગ અને કાયદાકીય જોગવાઈઓ તપાસવી જરૂરી છે.

ગુજરાત ઓથોરિટી ફોર એડવાન્‍સ રૂલિગે યુનિક વેલ્‍ડિંગ પ્રોડકટ્‍સ પ્રા.લિ.ના કેસમાં આપેલા આદેશથી કરપાત્ર ઉત્‍પાદન માટે વીજળીના સ્‍વપરાશમાં ઉપયોગી રૂફટોપ સોલર સિસ્‍ટમ તથા તેના ઇન્‍સ્‍ટોલેશન અને કમિશનિગની

આઇટીસી માન્‍ય રાખી હતી. તેને પ્‍લાન્‍ટ અને મશીનરી ગણાવી કલમ ૧૭(૫) હેઠળની પ્રતિબંધિત ક્રેડિટની બહાર રાખવામાં આવી હતી. જોકે આ રૂલિગ અન્‍ય કરદાતાઓ માટે માર્ગદર્શક છે, તે સૌને માટે આપોઆપ બંધનકર્તા નથી.

વર્કસ સુપ્રિમ કોર્ટના સોલિડ એન્‍ડ કરેકટ એન્‍જિનિયરિગ (૨૦૧૦) ૫ SCC ૧૨૨ તથા ભારતી એરટેલ - ૨૦૨૪ INSC ૮૮૦ ના ચૂકાદાઓ મશીનરીના જમીન સાથેના જોડાણનો હેતુ અને તેને ખોલીને પુનઃ સ્‍થાપિત કરવાની ક્ષમતા તપાસવાનું મહત્‍વ દર્શાવે છે. આ ચુકાદા સીધા સોલર જીએસટી -આઇટીસી અંગેના નથી. પરંતુ સંબંધિત કાનૂની સિધ્‍ધાંતો માટેના છે.

તેમણે જણાવ્‍યું છેકે, જીએસટી કાયદામાં પ્‍લાન્‍ટ એન્‍ડ મશીનરી માટે અપવાદ ઉપલબ્‍ધ છે. તેથી કરપાત્ર ઉત્‍પાદન માટે વપરાતા સોલર સાધનો અને સામાન્‍ય બિલ્‍ડિંગ કે સિવિલ બાંધકામ વચ્‍ચે યોગ્‍ય ભેદ કરવો જોઈએ. વીજળીનું વેચાણ, ગ્રીડમાં નિકાસ કે મિશ્ર ઉપયોગ હોય તો ક્રેડિટની પાત્રતા અને પ્રમાણસર રિવર્સલની અલગ તપાસ જરૂરી બને છે.

તેમણે કરદાતાઓને ઈન્‍વોઈસ, ટેકનિકલ પ્રમાણપત્ર પ્‍લાન્‍ટના ફોટોગ્રાફ અને વીજળીના સ્‍વવપરાશના પુરાવા સાથે નોટિસનો મુદ્દાસર જવાબ આપવા તથા વિભાગને દરેક કેસોના તથ્‍યો અને લાગુ કાયદાના આધારે નિર્ણય લેવા અનુરોધ કર્યો છે.

(9:53 AM IST)