<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

"ગુજરાતે કમાલ કરી દીધી, તમામ રેકોર્ડ તોડીને જનતાએ ભાજપ પર આશીર્વાદ વરસાવ્યા" - જામનગરના લાલબંગલા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ઐતિહાસિક અને ગગનચુંબી સંબોધન

જે ગુજરાત પહેલા માત્ર મીઠું પકાવતું હતું તે આજે સેમીકન્ડક્ટર અને વિમાનના પાર્ટ્સ બનાવે છે : બંગાળની જીતનો હરખ ગુજરાતીઓની આંખોમાં જોઈને ગદગદ થયેલા PM મોદીએ જામનગરની જનતાનું અભિવાદન ઝીલ્યું

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : જામનગરના ઐતિહાસિક લાલબંગલા સર્કલ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્ણાટક અને તેલંગણાના પ્રવાસ બાદ જામનગર પહોંચેલા વડાપ્રધાનનું સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિતના દિગ્ગજ નેતાઓએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. જામનગરમાં વડાપ્રધાનના આગમનને પગલે જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને સમગ્ર વાતાવરણ 'જય શ્રી રામ' તથા 'જય દ્વારકાધીશ' ના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. વિશાળ જનમેદનીને સંબોધતા વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ વખતે ગુજરાતે ખરેખર કમાલ કરી દીધી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે રીતે જનતાએ સમર્થન આપ્યું છે તેણે વિધાનસભાના તમામ જૂના રેકોર્ડ પણ પાછળ છોડી દીધા છે.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં વિકાસની હરણફાળનો ઉલ્લેખ કરતા ગર્વભેર જણાવ્યું હતું કે, જે ગુજરાત એક સમયે માત્ર મીઠું પકાવવા માટે જાણીતું હતું, તે આજે ટેકનોલોજીના ક્ષેત્રમાં વૈશ્વિક ઓળખ બનાવી રહ્યું છે. ગુજરાત હવે સેમીકન્ડક્ટર ચિપ્સ અને વિમાનના સ્પેરપાર્ટ્સનું ઉત્પાદન કરતું રાજ્ય બની ગયું છે. આ પ્રગતિ ગુજરાતના યુવાનોની ક્ષમતા અને ભાજપ સરકારના વિકાસલક્ષી અભિગમનું પરિણામ છે. તેમણે ઉમેર્યું હતું કે જનતાએ જે રીતે ભાજપ પર આશીર્વાદ વરસાવ્યા છે, તે સાબિત કરે છે કે લોકો વિકાસની રાજનીતિને સર્વોપરી માને છે. જામનગરની પ્રજાનો ભાજપ પ્રત્યેનો અનેરો પ્રેમ જોઈને વડાપ્રધાને જનતાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

આ પ્રસંગે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન ભાવુક જણાયા હતા. તેમણે કહ્યું હતું કે બંગાળની પ્રજાએ લાંબા સમય સુધી જે પીડા ભોગવી છે, તેમાંથી મુક્તિનો માર્ગ હવે મોકળો થયો છે. બંગાળમાં મળેલી જીતથી માત્ર ત્યાંના લોકો જ નહીં પરંતુ ગુજરાતીઓના આંખમાં પણ હર્ષના આંસુ જોવા મળ્યા છે. સમગ્ર દેશમાં બંગાળના પરિવર્તનની ચર્ચા થઈ રહી છે અને હવે ભાજપ બંગાળને વિકાસની તેજ ગતિમાં દોડતું કરવાનું કામ કરશે. બંગાળની પ્રજાએ કરેલા ચમત્કારને વડાપ્રધાને લોકશાહીની મોટી જીત ગણાવી હતી અને જામનગરમાં ઉમટેલા બંગાળી સમુદાયના લોકોનું પણ અભિવાદન ઝીલ્યું હતું.

ઐતિહાસિક સંદર્ભ ટાંકીને વડાપ્રધાને સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારની વાત યાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે 75 વર્ષ પૂર્વે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનું પવિત્ર કાર્ય શરૂ કરાવ્યું હતું. હવે આ ઐતિહાસિક ઘટનાને 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે આ અવસરને વિશેષ ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે તેવી જાહેરાત પણ તેમણે કરી હતી. આવતીકાલે સોમનાથ જતાં પહેલાં જામનગરની જનતાના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં તેમણે હળવાશમાં પૂછ્યું હતું કે "ચૂંટણીનો થાક તો લાગ્યો નથી ને?". વડાપ્રધાને લોકશાહીના પર્વમાં ગુજરાતની અવિરત ભાગીદારીને બિરદાવી હતી.

લાલબંગલા ખાતેના આ સમારોહમાં વડાપ્રધાનના દર્શન કરવા માટે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જનમેદની ઉમટી પડી હતી. કાર્યક્રમ દરમિયાન સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ પદાધિકારીઓ અને આગેવાનોએ વડાપ્રધાનનું સન્માન કર્યું હતું. વડાપ્રધાને અંતમાં ગુજરાતના સર્વાંગી વિકાસ માટે પોતાની કટિબદ્ધતા દોહરાવી હતી અને જામનગરની જનતાના ઉષ્માભર્યા આવકારને હંમેશા યાદ રાખવાનું વચન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિ અને ઉત્સવના વાતાવરણમાં સંપન્ન થયો હતો.

(11:00 PM IST)