<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

ઓસ્‍ટ્રેલિયામાં સેટલ થયેલા ગુજરાતી પિતા-પુત્રીનું નદીમાં ડૂબી જવાથી મોત

ગોઝારી ઘટના બાદ દીકરી અને પતિ સાથે ઓસ્‍ટ્રેલિયા રહેતા રહેતા પ્રિતીબેન ધંધૂકિયા હવે એકલા પડી ગયા છે

સીડની તા.૧૮: ઓસ્‍ટ્રેલિયામાં સેટલ થયેલા મૌલિક ધંધુકિયા નામના એક ગુજરાતીનો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. ૪૭ વર્ષના મૌલિક ધંધુકિયા અને તેમની છ વર્ષની દીકરીનું ડૂબી જવાથી મોત થયું છે, બંનેની બોડી ગત શનિવારના રોજ પેરમાટા નદીમાંથી મળી આવી હતી. બંને પિતા-પુત્રી બોટિગ કરવા નીકળ્‍યાં હતા પરંતુ તેના ગણતરીના સમયમાં જ મૌલિકની બોડી પાણીમાં તરતી જોવા મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસ ઘટના સ્‍થળે પહોંચી ત્‍યારે મૌલિક સાથે તેમની દીકરી પણ બોટમાં સવાર હતી તેવી માહિતી હતી. દીકરી જીવીત હશે તેવી શક્‍યતા વચ્‍ચે સાત કલાક સુધી તેની શોધખોળ ચલાવાઈ હતી પરંતુ શનિવારે સાંજે સાડા પાંચ વાગ્‍યે તેની બોડી પણ નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. મૌલિકને પૈસે-ટકે કોઈ તકલીફ નહોતી પરંતુ છેલ્‍લા ઘણા સમયથી તેઓ પોતાની હેલ્‍થને લઈને ખૂબ જ તણાવમાં રહેતા હતા.

મૌલિક ધંધૂકિયા અને તેમના દીકરી રેન્‍ટેડ બોટ લઈને નીકળ્‍યા હતા, પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્‍યું છે કે ગયા વીકમાં મૃતકે ઘણીવાર આ જ પ્રકારે બોટ રેન્‍ટ પર લીધી હતી, તેઓ પોતાની દીકરી સાથે જ બોટિગ કરતા હતા પરંતુ એકવાર તેમના પત્‍ની પણ તેમની સાથે દેખાયા હતા.

શનિવારે જે સમયે મૌલિક ધંધૂકિયા અને તેમના દીકરી ગુમ થયા ત્‍યારના દ્રશ્‍યો પણ નજીકની એક પ્રોપર્ટીમાં લાગેલા કેમેરામાં કેપ્‍ચર થઈ ગયા હતા. તેમણે શરૂઆતમાં તો લાઈફ જેકેટ પહેરી રાખ્‍યું હતું પરંતુ તેમની બોડી પર આવું કોઈ જેકેટ નહોતું મળી આવ્‍યું.

પ્રારંભિક તપાસમાં એ વાત પણ સામે આવી છે કે અંતિમ પગલું ભરતાં પહેલા મૌલિકે દીકરીની હત્‍યા કરી હતી. તે સમયે બોટ પર શું થયું હતું તેને ઘણા ચોંકાવનારા દાવા ઓસ્‍ટ્રેલિયાના મીડિયામાં કરવામાં આવ્‍યા છે. જોકે, આ મામલો ખૂબ જ સેન્‍સિટિવ હોવાથી મૌલિક અને તેમની દીકરીનું કઈ સ્‍થિતિમાં મોત થયું તેની વધુ વિગતો આપવાનું અમે ટાળી રહ્યા છીએ. પોલીસે પણ મૌલિક ધંધૂકિયા અને તેમની દીકરી જે બોટમાં સવાર હતા તેના પર ખરેખર શું બન્‍યું હતું તેની તપાસ હજુ સુધી પૂરી નથી કરી.

આ ગોઝારી ઘટના બાદ દીકરી અને પતિ સાથે ઓસ્‍ટ્રેલિયા રહેતા રહેતા પ્રિતીબેન ધંધૂકિયા હવે એકલા પડી ગયા છે. મૌલિકે આવું કેમ કર્યું તેની ચોક્કસ માહિતી નથી મળી શકી, પરંતુ તેમણે ગત ગુરુવારે જ ફેસબુક પર લખેલી એક પોસ્‍ટમાં પોતે હાલ કઈ સ્‍થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તેનું વિગતવાર વર્ણન કર્યું હતું. પોતાની પોસ્‍ટમાં તેમણે જણાવ્‍યું હતું કે એક સમયે તેમને જિમમાં જવાનો ખૂબ શોખ હતો પરંતુ તેના કારણે થયેલી ઈન્‍જરીથી તેમની જિદગીમાં અનેક સમસ્‍યા સર્જાઈ છે.

આ ઈન્‍જરીને જ તેઓ પોતાની જિદગીની ૯૦ ટકા સમસ્‍યા માટે જવાબદાર માનતા હતા. ધંધૂકિયા ૨૦૦૪-૦૫માં મુંબઈમાં કામ કરતા હતા અને ત્‍યારે ઓફિસમાં બનાવાયેલા જિમમાં એક્‍સસાઈઝ કરતી વખતે તેમને વેઇટલિફિટંગ દરમિયાન ગળામાં ઈન્‍જરી થઈ હતી અને તેમને હોસ્‍પિટલાઈઝ થવું પડ્‍યું હતું અને ૨૧ વર્ષ બાદ પણ તેમને અવારનવાર નેક ઈન્‍જરી પરેશાન કરતી હતી. આ ઉપરાંત આઈટી ઈન્‍ડસ્‍ટ્રીમાં વર્ષો સુધી કામ કરવાને લીધે પણ તેમને નેકના મસલ્‍સમાં દુઃખાવો રહેવા લાગ્‍યો હતો.

૨૦૦૪-૦૫માં મૌલિકને કંપની તરફથી L1 વિઝા પર અમેરિકા મોકલવાની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેઓ નેક ઈન્‍જરીને કારણે યુએસ નહોતા જઈ શક્‍યા, તેવી જ રીતે કેનેડાના પીઆર પણમ મળી રહ્યા હતા પરંતુ ત્‍યાં ખૂબ જ ઠંડી હોવાથી પોતાની ઈન્‍જરી વધુ વકરશે તેવા ડરને કારણે તેમણે કેનેડા જવાનું પણ પડતું મૂક્‍યું હતું.

છેલ્‍લે પોતાની પોસ્‍ટમાં તેમણે જિમમાં જતાં અને વેઈટ લિફિટંગ કરતા લોકોને વિનંતી કરી હતી કે આવી કોઈ પણ એક્‍સસાઈઝ કરતી વખતે ખૂબ જ સાવધાન રહેવું જરૂરી છે, કારણકે જો તેનાથી કોઈ ઈન્‍જરી થશે તો તેને સંપૂર્ણપણે રિકવર થવામાં ખૂબ જ લાંબો સમય થઈ શકે છે. મૌલિક ૨૦૨૨માં સાઉથ ઈસ્‍ટર્ન સિડની લોકલ હેલ્‍થ ડિસ્‍ટ્રિક્‍ટમાં એનાલિસ્‍ટ તરીકે જોડાયા હતા, તે પહેલા તેમણે ઈન્‍ડિયા અને ઓસ્‍ટ્રેલિયામાં ઘણી કંપનીઓનો બિઝનેસ ડેવલપમેન્‍ટ કરવા પર કામ કર્યું હતું. તેઓ સંભવતઃ ૨૦૧૮ કે તેના પહેલા ઓસ્‍ટ્રેલિયા આવ્‍યા હતા.

મૌલિક ધંધૂકિયા અને તેમની દીકરીના આકસ્‍મિક મોત બાદ ઓસ્‍ટ્રેલિયામાં એકલાં પડી ગયેલા તેમના પત્‍ની પ્રિતિબેનને મદદ કરવા માટે ૬૫ હજાર ડોલર એકત્ર કરવા ક્રાઉડફન્‍ડિંગ શરૂ કરવામાં આવ્‍યું છે. આ રકમથી મૃતકોના ધાર્મિક વિધિથી અંતિમ સંસ્‍કાર કરવાની સાથે તેમના ઈમિડિએટ ફેમિલી મેમ્‍બર્સની ટ્રાવેલ કોસ્‍ટ અને અકોમોડેશનનો ખર્ચો કાઢવાની સાથે મૃતકના પત્‍નીને આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે.

આ ક્રાઉડફન્‍ડિંગ કેમ્‍પેઈનમાં અત્‍યારસુધી ૭૩૪ લોકો ૪૮,૪૧૩ ડોલર જેટલું ડોનેશન આપી ચૂક્‍યા છે. હજુ ગયા મહિને જ યુકેમાં બનેલી આવી એક ઘટનામાં એક ઈન્‍ડિયન પતિ-પત્‍ની અને તેમના નવ વર્ષના સ્‍પેશિયલ કીડનું ૩૬મા માળેથી નીચે પડી જતાં મોત થઈ ગયું હતું. આ કપલ પણ બાળકની ચિતામાં સતત તણાવમાં રહેતું હતું.

(10:05 AM IST)