News of Monday, 25th May 2026
અમેરિકામાં રૂ. ૨૮ કરોડના ગોલ્ડ કૌભાંડમાં ગ્રીન કાર્ડ ધરાવતી ગુજરાતી મહિલાની ધરપકડ
મહિલાએ ગુજરાતમાં રહેતા તેના એક સંબંધીની સૂચનાથી આ કાવતરાને અંજામ આપ્યો હતો : હાલમાં તેને ૫,૦૦,૦૦૦ યુએસ ડોલરના કેશ બોન્ડ પર જોહન્સન કાઉન્ટી જેલમાં રાખવામાં આવી છે

ઇન્ડિયાના તા.૨૫: અમેરિકામાં ગ્રીન કાર્ડ ધરાવતી ૩૦ વર્ષની એક ગુજરાતી મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. તેના પર કરોડો ડોલરની છેતરપિડીમાં કુરિયર (નાણાં કે સોનું લઈ જનારા) તરીકે કામ કરવાનો આરોપ છે. આ મહિલાએ ૭૪ વર્ષીય વૃદ્ધાને છેતરીને ૩ મિલિયન અમેરિકન ડોલર (આશરે ૨૮ કરોડ)થી વધુ કિમતનું સોનું પડાવી લીધું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવતા આવા ગુનામાં આ ઉંમરની ગ્રીન કાર્ડ ધરાવતી મહિલા પકડાઈ હોય તેવી આ દુર્લભ ઘટના છે.
મળતી વિગત પ્રમાણે, મહિલાએ ગુજરાતમાં રહેતા તેના એક સંબંધીની સૂચનાથી આ કાવતરાને અંજામ આપ્યો હતો. તેણે વિવિધ રાજ્યોમાં એક જ મોડસ ઓપરેન્ડીથી ૧૫ લોકોને નિશાન બનાવ્યા હતા. કોર્ટના પુરાવા મુજબ, ઇન્ડિયાના સ્ટેટના ફ્રેન્કલિનમાં એક દાલિકર સ્ટોર બહાર સોનું લેવા માટે ગોઠવાયેલા પ્લાન દરમિયાન એફબીઆઈ (FBI) એજન્ટોએ આરોપી મહિલાને આંતરી લીધી હતી. તેણી યુએસ માર્શલ હોવાનો ઢોંગ કરીને ૫ લાખ ડોલરની કિમતના સોનાના સિક્કા લેવા માટે ત્યાં પહોંચી હતી.
ઇન્ડિયાનાના કેમ્બીમાં પોતાની બહેન સાથે રહેતી ભોગ બનનાર વૃદ્ધાના કમ્પ્યુટર પર એક પોપ-અપ મેસેજ આવ્યો હતો. જેમાં તેમની ઓળખ સાથે છેડછાડ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જે બાદ તપાસ કરતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. કૌભાંડીઓએ કથિત રીતે સરકારી અધિકારીઓ હોવાનો ડોળ કર્યો અને વૃદ્ધાને સોશિયલ સિક્યોરિટી માટે લાખો ડોલર ટ્રાન્સફર કરવા તથા પોતાની આજીવન બચતને સોનામાં ફેરવી દેવા મનાવી લેવામાં આવી હતી.
તપાસ દરમિયાન એવું પણ સામે આવ્યું કે, ભોગ બનનાર વૃદ્ધા સોના પાછળ ૩ મિલિયન યુએસ ડોલર પહેલાથી જ ખર્ચી ચૂકી હતી. આ દરમિયાન સોનાના સિક્કાના એક વેપારીને આટલી મોટી ખરીદી શંકાસ્પદ લાગતા તેણે FBI ને એલર્ટ કરી હતી. જે બાદ એક સ્ટિંગ ઓપરેશન ગોઠવવવામાં આવ્યું હતું અને મહિલા ડિલિવરી લેવા આવી ત્યારે તેની અટકાયત કરવામાં આવી હતી.
પૂછપરછ દરમિયાન, મહિલાએ સ્વીકાર્યું હતું કે તે યુએસ બહારથી ચાલતી એક મોટી છેતરપિડી કરતી ગેંગ માટે કુરિયર તરીકે કામ કરતી હતી. ગુજરાતમાં રહેતો એક સંબંધી આ કૌભાંડનું સંચાલન કરતા મુખ્ય સૂત્રધારોમાંનો એક હતો. મહિલાના મોબાઈલ ફોનની તલાશી લેતા તેમાંથી ભોગ બનેલા અન્ય વૃદ્ધોના ફોટોગ્રાફસ, રૂટ મેપ મળી આવ્યા હતા. તપાસકર્તાઓના દાવા મુજબ, આ કામગીરી કરવા બદલ મહિલાને આશરે ૧૦,૦૦૦ યુએસ ડોલર મળતા હતા.
વર્ષ ૨૦૨૦માં ભારતથી અમેરિકા ગયેલી અને ગ્રીન કાર્ડ ધરાવતી આ મહિલા પર ચોરી, છેતરપિંડી અને સરકારી અધિકારી હોવાનો ડોળ કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં તેને ૫,૦૦,૦૦૦ યુએસ ડોલરના કેશ બોન્ડ પર જોહન્સન કાઉન્ટી જેલમાં રાખવામાં આવી છે.
(2:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
