<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ગુજરાતની ઇકોનોમીને ગણેશોત્‍સવથી રૂા. ૩૫૦૦ કરોડનો વેગ મળશે

ગણેશ આગમન યાત્રા, સ્‍થાપના, કાર્યક્રમો, વિસર્જન યાત્રા મહત્‍વની : મૂર્તિ, પૂજાપો, ફૂલ, પ્રસાદ, ડીજે, વસ્ત્રો, દારૂખાનું સહિતની ચીજાનું ધૂમ વેચાણ

નવી દિલ્‍હી, તા. ૧પ : ગણેશોત્‍સવ ગુજરાત માટે માત્ર ધાર્મિક જ નહિ પણ પણ ઈકોનોમીને વેગવંતી રાખનાર મહત્‍વનું પરિબળ સાબિત થશે.એક અંદાજ મુજબ ગુજરાતની ઈકોનોમીને ઓછામાં ઓછો રૂ.૩૫૦૦ કરોડ ઉપરાંતનો વેગ મળશે. આ વર્ષે ૧૨ દિવસ ગણેશોત્‍સવ ચાલશે. ૧૪મીએ ગણેશ સ્‍થાપના અને ૨૫મીએ ગણેશ વિસર્જનનું મૂહૂર્ત છે.

રાજ્‍યમાં ભૂતકાળના વર્ષોમાં ગણેશોત્‍સવ જે વિસ્‍તારમાં મરાઠી સમાજના લોકો વસતા હોય ત્‍યાં ઉજવવામાં આવતો હતો. પરંતુ એક દાયકા ઉપરાંતથી સુરત, વડોદરા, આણંદ, ભાવનગર, ભરૂચ સહિત દ.ગુજરાતના શહેરો ઉપરાંત નાના ગામડાઓ, ટાઉન અને મહત્‍વના શહેરમાં મોટા પાયા ઉપર ઉજવવામાં આવે છે. ગણેશ મહોત્‍સવની તૈયારીઓ એક બે માસ પહેલાંથી જ શરૂ થઇ જાય છે.

સુરત, નવસારી, વાપી, વલસાડ, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, ભાવનગર, ગોધરા, દાહોદ બાદ હવે તો અમદાવાદમાં પણ ગણેશમહોત્‍સવ મોટા પાયા ઉપર ઉજવાઈ રહ્યો છે. ગણપતિ દાદાની મૂર્તિના ભાવ જ રૂા. ૫ હજારથી લઇને રૂા.૫૦ હજાર અને વિશાળ મૂર્તિઓની કિંમત તો લાખોમાં હોય છે.

આ શહેરોમાં ઘરમાં સ્‍થાપના કરવામાં આવતા ગણેશની સંખ્‍યા તો લાખોની થઇ જાય છે. સામાન્‍ય ભાવિક ગણપતિની મૂર્તિ પાછળ વયાશક્‍તિ રૂા.૨૦૦ થી રૂા.૧૦,૦૦૦ જેટલો ખર્ચ કરતા હોય છે. ગણપતિની આગમન યાત્રા પાછળ જ મોટા શહેરોમાં લાખોનો ખર્ચ થતો હોય છે. ડીજે સિસ્‍ટમ, ડ્રેસ કોડ સાથે ભગવાનની આગમન યાત્રા કાઢવામાં આવતી હોય છે.

દેશમાં રૂપિયા ૫૦૦૦૦ કરોડનો વેપાર

૨૦૨૪માં દેશમાં રૂા. ૨૫૦૦૦ કરોડનો વેપાર ગણેશ ઉત્‍સવ પાછળ થયો હોવાનો અહેવાલ કોન્‍ફેડરેશન ઓફ ઓલ ઇન્‍ડિયા ટ્રેડર્સે આપ્‍યો હતો. હવે હાલના ભાવ વધારાના પગલે દેશમાં રૂા.૫૦,૦૦૦ કરોડનો વેપાર ગણેશોત્‍સવ દરમિયાન ગણી શકાય તેમ છે.

દેશના કયા કયા રાજ્‍યોમાં મોટા પાયે ઉજવણી

ગુજરાત, મહારાષ્‍ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મધ્‍યપ્રદેશ, તામિલનાડુ અને ગોવામાં મોટા પાયા ઉપર ગણેશોત્‍સવની મોટા પાયા ઉપર ઉજવણી થાય છે. તહેવારની ઉજવણીના પગલે સ્‍થાનિક વેપારને ઉત્તેજન મળે છે.

નવો ટ્રેન્‍ડ દારૂખાનું ફોડો!

હાલમાં નવો ટ્રેન્‍ડ જોવા મળે છે. ગણેશોત્‍સવ મંડળો દ્વારા આગમન યાત્રા દરમિયાન જ લાખો રૂપિયાનું દારૂખાનું ફોડવામાં આવે છે. એવી જ રીતે વિસર્જન યાત્રા દરમિયાન પણ લાખો રૂપિયાનું દારૂખાનું ફોડવામાં આવશે.

 

 

વીવીઆઇપી, સેલિબ્રિટીને દર્શન માટે બોલાવવા

હવે રાજકીય નેતાઓ જ નહિ પણ ફિલ્‍મી સેલિબ્રિટીને પણ બોલાવવામાં આવે છે. સેલિબ્રિટીની હાજરી વખતે લાખોનો ખર્ચ તેમના લોજિસ્‍ટિક, હોસ્‍પિટાલિટી સહિતના ખર્ચ પાછળ થતો હોય છે.

ભક્‍તિ સાથે ફેશનનો પણ હવે સંગમ થાય છે. જેના પગલે ગણેશ આગમન યાત્રા અને વિસર્જન યાત્રા માટે કુર્તાનો જ રૂા.૫૦ કરોડ જેટલો વેપાર થતો હોય છે. હવે સાદા કુર્તાના બદલે ૨૦ એમએમ મિરર વર્ક અને એમ્‍બ્રોઈડરીવાળા શોર્ટ કુર્તાની ફેશન શરૂ થઈ છે. પ્રથમ તો ગણપતિની મૂર્તિની ખરીદી પાછળ જ જંગી ખર્ચ થતો હોય છે. ત્‍યાર બાદ ફૂલહાર, ફળફળાદિ, શ્રીફળ, અગરબત્તી સહિતની અન્‍ય ચીજો પૂજા માટે હોય તેની ખરીદી થાય છે. રોજ આરતી બાદ પ્રસાદ સવાર સાંજ ભગવાનને ધરાવવામાં આવતો હોવાના પગલે મોતીચૂરના લાડુ, પેંડા સહિતની મીઠાઈનું વેચાણ વધે છે. આ ઉપરાંત સોસાયટીઓમાં સામૂહિક ધોરણે થતી ઉજવણી દરમિયાન નાસ્‍તા અને ભોજન પાછળ પણ કેટરિંગનો ખર્ચ થાય છે.

 

ટુરિઝમને વેગ મળશે

ગણપતિની વિસર્જન યાત્રા દરમિયાન પણ ભક્‍તો એક જ પ્રકારના વષા પરિધાન કરતાં હોય છે. બીજી તરફ ઘણા ભક્‍તો તો ગુજરાતમાંથી મુંબઇ સહિતના પ્રખ્‍યાત શહેરોના ગણપતિના દર્શને જતા હોય છે. જેના પગલે ટુરિઝમને પણ વેગ મળે છે. બસ, કેબ અને ટ્રેનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. શિફ્‌ટ આર્ટિકલ, હોમ ડેકોર વગેરે પાછળ પણ જંગી ખર્ચ થતો હોય છે. ગ્રામ્‍ય વિસ્‍તારના નાગરિકો શહેરોમાં મોટા પ્રસિધ્‍ધ ગણપતિ જોવા જતાં હોય છે.

 

 

કળત્રિમ તળાવ તૈયાર કરવામાં આવ્‍યા

ગણેશ વિસર્જન કળત્રિમ તળાવોમાં પણ હવે કરવામાં આવે છે. આ માટે તંત્ર દ્વારા જંગી ખર્ચ કરવામાં આવે છે. બીજી તરફ પોલીસનો પણ કડક બંદોબસ્‍ત હોય છે. આ મહોત્‍સવ દરમિયાન સાંસ્‍કળતિક કાર્યક્રમોનું પણ આયોજન થતું હોય છે પોલીસ તંત્ર દ્વારા પણ ખાસ બંદોબસ્‍તની સ્‍કીમ અમલમાં મુકવામાં આવે છે.

(12:24 PM IST)