News of Friday, 3rd July 2026
ચાઈનીઝ એપ્સથી ઈ-રિક્ષા હેક કરી 'પ્રૅન્ક' કરવાનું ભારે પડ્યું: દિલ્હીમાં વાહનો અધવચ્ચે ઠપ્પ કરનારી બે એપ્સ પર કેન્દ્ર સરકારની ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક
ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી તાત્કાલિક એપ્સ હટાવવા MeitY નો આદેશ; ગરીબ રિક્ષાચાલકોની રોજીરોટી છીનવતી સુરક્ષા ખામીનો સરકારે કર્યો સફાયો

નવી દિલ્હી, તા.૦૩: દેશની રાજધાની દિલ્હીના રસ્તાઓ પર દોડતી ઈ-રિક્ષાઓને ચાઈનીઝ બેટરી મેનેજમેન્ટ એપ્સ દ્વારા રિમોટલી હેક કરીને બંધ કરી દેવાના એક અત્યંત ચોંકાવનારા અને ગંભીર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ડિજિટલ ન્યુસન્સ (ઉત્પાત) ની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે યુદ્ધના ધોરણે કડક પગલાં ભર્યા છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય (MeitY) એ ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોરમાંથી 'BAT-BMS', 'Lossigy' અને 'Epoch Li-ion' જેવી ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશનોને તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરીને હટાવી દેવાનો આદેશ આપ્યો છે.
આ ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈકની પુષ્ટિ કરતા આઈટી મંત્રાલયના સચિવ એસ. કૃષ્ણને સીએઆઈઆઈ (CII) સાયબર સુરક્ષા સમિટ દરમિયાન જણાવ્યું હતું કે, આ એપ્સ બ્લૂટૂથ ટેક્નોલોજી દ્વારા ઈ-રિક્ષાની લિથિયમ-આયન બેટરી સાથે કનેક્ટ થઈને વાહનોને ગમે ત્યાં જામ કરી દેતી હતી. આ નુકસાનકારક એપ્સ બાબતે સરકાર હવે ગૂગલ અને એપલ જેવી પ્લેટફોર્મ કંપનીઓ સાથે સીધી વાતચીત કરશે, જેથી ભવિષ્યમાં આવી જોખમી એપ્સ સ્ટોર પર લિસ્ટ જ ન થઈ શકે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા સામે જોખમ ઊભું ન થાય.
શું હતી આ 'ઈ-રિક્ષા પ્રૅન્ક' અને કેવી રીતે થતી હતી હેકિંગ?
વાસ્તવમાં, આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયો અને પ્રૅન્ક ટ્રેન્ડ બાદ સામે આવ્યો છે. આ એપ્સ મૂળભૂત રીતે લિથિયમ-આયન બેટરીના વોલ્ટેજ, તાપમાન અને ચાર્જિંગ સાયકલ પર નજર રાખવા (મોનિટરિંગ) માટે બનાવવામાં આવી હતી. પરંતુ ભારતમાં વપરાતી ઘણી સસ્તી ઇ-રિક્ષા બેટરીઓમાં કોઈ પાસવર્ડ પ્રોટેક્શન કે સુરક્ષા પ્રમાણીકરણ (Authentication) હોતું નથી. આ સુરક્ષા ખામીનો લાભ ઉઠાવીને રસ્તે ચાલતો કોઈપણ વ્યક્તિ ૧૦ થી ૧૫ મીટરની બ્લૂટૂથ રેન્જમાં રહીને આ એપ્સ દ્વારા નજીકની ઈ-રિક્ષાની બેટરી સાથે કનેક્ટ થઈ જતો હતો અને માત્ર એક સિંગલ ટેપથી તેનું 'ડિસ્ચાર્જ ફંક્શન' બંધ કરી દેતો હતો. આના કારણે ચાલુ રિક્ષા અચાનક રોડની વચ્ચે જ ઠપ્પ થઈ જતી હતી અને ડ્રાઈવર ભારે મૂંઝવણમાં મુકાઈ જતો હતો.
ગરીબ ડ્રાઈવરો પર આર્થિક સંકટ અને વીએપીએન (VPN) અંગે કડક વલણ
આ કહેવાતી પ્રૅન્ક અથવા મજાક ગરીબ રિક્ષાચાલકો માટે મોટી આફત સાબિત થઈ રહી હતી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અમાન સિદ્દીકીએ દિલ્હીના રસ્તા પર આવી જ રીતે ફસાયેલા એક ડ્રાઈવરની આપવીતી ANI ન્યૂઝ એજન્સી સમક્ષ શેર કરી હતી. ભાડે રિક્ષા લઈને આખો દિવસ મજૂરી કરતા આ ડ્રાઈવરો રિક્ષા બંધ થઈ જતાં દિવસના ૪૦૦ થી ૫૦૦ રૂપિયાની કમાણી ગુમાવી બેસતા હતા. ટેકનોલોજીની સમજ ન હોવાના કારણે કેટલાય ડ્રાઈવરોએ પોતાની સાજીનરવી રિક્ષા રીપેર કરાવવા માટે મિકેનિક્સને નકામા પૈસા પણ ચૂકવ્યા હતા.
આ સમિટ દરમિયાન આઈટી સચિવ એસ. કૃષ્ણને દેશમાં ગેરકાયદેસર રીતે ચાલતા ઓફશોર VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક) ના દુરુપયોગ અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્વીકાર્યું કે આ એક જટિલ ટેક્નો-લીગલ બાબત છે, જેને માત્ર કાયદાથી રોકી શકાય તેમ નથી. ઘણી વિદેશી VPN કંપનીઓ ભારતમાં રજિસ્ટ્રેશન કરાવ્યા વિના સોફ્ટવેર સ્તરે પોતાની સેવાઓ આપી રહી છે. આથી સરકાર હવે કાનૂની આદેશોની સાથે-સાથે આ પ્રકારની છટકબારીઓ અને સાયબર જોખમોને ડામવા માટે સખત ટેકનોલોજી આધારિત ફિલ્ટર્સ અને સુરક્ષા ધોરણો વિકસાવવા તરફ આગળ વધી રહી છે.
(5:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
